Sunday, December 22, 2013

સ્ટીલની ‘માચો ઈન્ડસ્ટ્રી’માં મહિલાનો દબદબો



ઘણાં વર્ષો પહેલા એક ઘટના બની હતી. અગિયાર વર્ષની એક યુવતી જયપુરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ સ્કૂલથી તેના અભ્યાસ દરમિયાન મળતી રજાઓના દિવસોમાં તેના ઘર દિલ્હી જવા નીકળે છે. છઠ્ઠા ધોરણમાં ભણતી યુવતીની આંખોમાં સામાન્ય રીતે હોય એવા દરેક બાળસહજ સપનાંઓ અને ઘરના સભ્યોને મળવાની મહેચ્છાતેનામાં હતી, પરંતુ આ દરમિયાન જ તે એક ભયંકર અકસ્માતનો ભોગ બને છે અને તેના શરીરનો નીચેનો હિસ્સો હંમેશાં માટે પેરેલાઈઝ થઈ જાય છે. માત્ર અગિયાર વર્ષની ઉંમરે આ પ્રકારના અણધાર્યા બનાવથી એ સહેમી જાય છે, પરંતુ પરિવારના સભ્યોનો સ્નેહ અને આત્મવિશ્વાસ તેને સ્વતંત્ર રીતે જીવવા માટે પ્રેરણા આપે છે અને આ જ યુવતી આજે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.

આ વાત છે ભારતની સૌથી મોટી સ્ટીલ પાઈપ્સની ઉત્પાદક કંપની‘જિંદાલ સો લિમિટેડ’ની મેનેજીંગ ડાયરેક્ટર સ્મિનુ જિંદાલની. સ્મિનુનો જન્મ દિલ્હીમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ દિલ્હીની જ એક પ્રતિષ્ઠિત શાળામાં કર્યા બાદ સ્મિનુના માતા પિતાએ તેને દરેક ક્ષેત્ર વિશે અભ્યાસ કરી શકે એ અર્થે જયપુરની મહારાણી ગાયત્રી દેવી સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો અને આ જ દરમિયાન તે ગંભીર અકસ્માતનો ભોગ બની. અલબત્ત, કરોડરજ્જુમાં ગંભીર ઈજા તથા બ્રેઈન હેમરેજ થવા છતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના થોડાં વર્ષો સુધી સ્મિનુ માટે આ હકીકત સાથે જીવવું ઘણું અઘરું હતુ. અગિયાર વર્ષની ઉંમરે અન્ય બાળકો કરતાં કંઈક જુદા હોવાનું તેને સતત દુઃખ રહેતું. વળી, તેઓ કથકનું સારુ જ્ઞાન ધરાવતા હતા અને નવ વર્ષની ઉંમરે તેમણે કલા કેન્દ્રમાંથી ભરતનાટ્યમના નૃત્યમાં ડિસ્ટીંગ્શન પણ મેળવ્યું હતું, પરંતુ આ અકસ્માત બાદ શરીરનો નીચેનો હિસ્સો હંમેશાં માટે અચેતન થઈ જતા તે કદી નૃત્ય ન કરી શક્યા. 

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે,“મારા અકસ્માત પછી ઘણાં વર્ષો સુધી હું સમજી જ ન શકી હતી કે મારી સાથે શું થયું હતું, પરંતુ મારા માતા-પિતા ખૂબ જ મજબૂત રહ્યા હતા. અકસ્માતના ગંભીર પરિણામો સામે લડવા તેમણે મને ખૂબ મદદ કરી હતી.” સ્મિનુના માતા-પિતાએ આ અકસ્માતના પરિણામોને ખૂબ જ ઝડપથી અને મજબૂતાઈથી સ્વીકારી લીધા હતા અને તેથી જ આ પરિસ્થિતિ સામે લડવા તેમણે સ્મિનુને કઈ રીતે શ્રેષ્ઠ સારવાર આપી શકાય એ માટેનો ખાસ અભ્યાસ કર્યો હતો. તેમણે સ્મિનુનો ઉછેર તેની બહેનની જેમ જ સામાન્ય રીતે થાય એ માટેના પ્રયત્નો કર્યા, જેથી સ્મિનુને પણ એક સામાન્ય જિંદગી મળી શકે. સ્મિનુ જણાવે છે કે, “મારો કબાટ ગોઠવવાનો હોય કે પછી રસોડામાંથી કોઈ વસ્તુ લાવવાની હોય, મારા ઉછેરમાં મારી નબળાઈ કદી આડે નથી આવી. તેમણે મારી ઘણી કાળજી લીધી છે, પણ મને પરાધીન નથી બનાવી.” તેના માનસિક અને શારીરિક સપોર્ટ માટે તેનો પરિવાર જ તેની સૌથી મોટી તાકાત બની રહ્યું હતું. ખાસ કરીને તેની માતા આરતીએ સ્મિનુ પણ અન્ય બાળકોની જેમ જ સામાન્ય શાળામાં ભ્યાસ કરે તથા તેના રોજિંદા કાર્યો તેની જાતે જ કરે તેના પર ઘણો ભાર મૂક્યો હતો અને તેથી જ સ્મિનુ કોઈની પણ સહામુભૂતિ કે પછી સહારા વિના આજે બિઝનેસ વર્લ્ડમાં ટોચના સ્થાન પહોંચી શકી છે. 

બાળપણમાં આ પ્રકારની ઈજા થઈ હોવાથી તેના શરીરના નીચેના હિસ્સાનો વિકાસ વ્યવસ્થિત રીતે થાય તે જરૂરી હતું. આથી તેના માતા-પિતા એક મશીન લઈ આવ્યા હતા, જેની મદદથી સ્મિનુ દરરોજ થોડાં કલાકો ઊભી રહી શકતી અને તેથી ઉંમર પ્રમાણે તેમના દરેક અવયવોનો વિકાસ એકસમાન થઈ શક્યો. આ સાથે જ સ્મિનુએ તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિલ્હીની પ્રસિદ્ધ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએટ થઈ તેમણે દિલ્હીની જ એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ ૧૯૯૩માં તેમનો સમગ્ર અભ્યાસ પૂર્ણ કરીને સ્મિનુએ તેના પિતા ઓ.પી. જિંદાલના સ્ટીલ બિઝનેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના પિતાએ લગભગ બંધ થવાને આરે આવેલી એક ફેક્ટરીની જવાબદારી સ્મિનુને આપી અને તેણે તે ફેક્ટરીને સફળતાપૂર્વક ફરી ઊભી કરી અને અહીંથી તેમની ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત થઈ. 

એક મહિલા તરીકે સ્ટીલ બિઝનેસમાં અગ્રિમતા હાંસલ કરવી સરળ નથી, પરંતુ સ્મિનુએ તેની શારીરિક નબળાઈઓને અવગણીને ‘માચો ઈન્ડસ્ટ્રી’ તરીકે ઓળખાતા આ સ્ટીલ બિઝનેસમાં ઘણું અર્થસભર યોગદાન કર્યું છે. સ્મિનુ માને છે કે કોઈ વસ્તુ માટે તમે જો ખૂબ જ ખંતપૂર્વક મંડેલા રહેશો તો તે નિશ્ચિતપણે તમને મળશે. જીવનમાં કંઈક મેળવવા માટે પેશન હોવું ખૂબ જરૂરી છે. શરૂઆતમાં જ્યારે સ્મિનુએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું ત્યારે એક સ્ત્રી તરીકે તેમને આ ઈન્ડસ્ટ્રીમાં કંઈક અંશે નકારાત્મક પ્રતિસાદ મળ્યા હતા. એક સ્ત્રી સ્ટીલનો બિઝનેસ ન કરી શકે એવી માન્યતાને સ્મિનુએ સફળતાપૂર્વક બદલી છે. સ્મિનુ કહે છે કે એ ભલે સ્ટીલ ઊંચકી શકવા જેટલા સક્ષમ નથી, પણ લોકોને તે ઘણી સારી રીતે હેન્ડલ કરી શકે છે. અલબત્ત, એક સ્ત્રી તરીકે તેમણે સતત પોતાની ક્ષમતાને પુરવાર કરવી પડતી હતી અને તેથી આજની વર્કિંગ મહિલાઓને પડકારરૂપ સમસ્યાઓ માટે તેઓ ઘણાં સક્રિય છે.

વળી, આ દરમિયાન એક કોમન મિત્રની પાર્ટીમાં તેઓ ઈન્દ્રેશ બત્રાને મળ્યા અને બંને વચ્ચે આત્મીયતા બંધાઈ. સ્મિનુની શારીરિક નબળાઈને અવગણીને બંનેએ લગ્ન કર્યા અને અન્ય દંપતીઓની જેમ જ તેઓ પણ એક સામાન્ય લગ્નજીવન જીવી રહ્યા છે. વળી, તેમને બે દીકરાઓ પણ છે અને આ સાથે જતેઓ જિંદાલ કંપનીના અગત્યના હોદ્દા પર ખૂબ સારી કામગીરી પણ બજાવી રહ્યા છે અને તેથી જ તેઓ આજની મહિલાઓને લગ્ન તથા સંતાનના જન્મ બાદ પણ કામ કરવાની સલાહ આપે છે.

શારીરિક તકલીફોને ક્યારેય પોતાના જીવનમાં આડે ન લાવનાર સ્મિનુ જિંદાલને આપણા દેશ પ્રત્યે ખૂબ જ માન છે, પરંતુ એ સાથે જ તેમના જેવા લોકો માટે સરકાર તરફથી જોવા મળતા બેદરકારી તેમને હચમચાવી જાય છે. શરીરથી મજબૂર હોય એવા અનેક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે, તેમના રોજિંદી કાર્યો કરી શકે એ માટે ખાસ સુવિધા ફાળવવામાં આવી નથી. આથી શારીરિક રીતે અશક્ત હોય એવા લોકો માટે સ્મિનુ‘સ્વયમ્’ નામે એક સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થાની મદદથી તેઓ એમના જેવા અનેક લોકો સમગ્ર ભારતમાં ફરી શકે એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા ધરાવે છે.

2 comments: