Wednesday, September 30, 2015

મારા દાદાજીનો અસબાબ...



‘બાકી, શું નવા-જૂની?’, ‘આજે શું ખાધું?’ બસ, આ બે સ્ટાન્ડર્ડ સવાલોથી દાદાજીની વાત શરૂ થતી. તબિયતનું પૂછીએ તો કહે, ‘હાઈ ક્લાસ. બસ, આ જરા આંખની તકલીફ છે.’ છેલ્લાં એક વર્ષમાં દાદાજી સાથે ફોન પર આટલી વાતો થતી. ઋતુ બદલાઈ એટલે વરસાદ ને ગરમી-ઠંડીનું પૂછી લે. એકાદ વાર એવુંય પૂછે ક્યારે આવાની? હું કહું હમણાં તો નહીં હવે. તો કહે, આવતાં રહેવાનું, મમ્મી-પપ્પાને પણ ગમે. પોતાની વાત નહીં, પણ ગમે તો એમનેય ઘણું.

હું ફ્લાઈંગ રાણીમાં રાત્રે ૧૧ વાગ્યે સુરત પહોંચું. મમ્મી-પાપા આવ્યા હોય સ્ટેશને એટલે ઘરે માત્ર દાદાજી હોય. જેવો દરવાજો ખૂલવાનો અવાજ આવે કે તરત એમના રૂમમાંથી બૂમ મારે, ‘કોણ?’ હું કહું, દાદાજી, અમે છીએ. એટલે કહે, કોણ અમી? એટલે ક્યારેક રૂમમાં જઈને મોઢું બતાવી આવું. પછી સવારે સાથે ચા પીવાનું કહી છૂટા પડીએ. (પણ હું એટલી વહેલી ઊઠતી નહીં.) આવો એક વર્ષથી નિયમિત કાર્યક્રમ.

મારા દાદાજીની યાદો ઘણી, પણ છૂટી છવાયેલી. એમ બોલે ઓછું, પણ પાછી વાતો કરવા ઘણી જોઈએ. જૂનું-જૂનું યાદ પણ બધું. ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા. એ બધું કેટકેલીય વાર સંભળાવી ચૂકેલા. પપ્પાનો, ભાઈ-ભૂમિનો અને મારો મોહ પણ ખરો. મમ્મીને કદી બતાવે નહીં, પણ રૂપા વગર એમનો એક દિવસ જાય પણ નહીં. પોતાનામાં રચ્યા-પચ્યા રહેવાનુંય એટલું જ ગમે. સ્વભાવે શિસ્તબદ્ધ અને એકદમ પર્ટિક્યુલર. એમના હલન-ચલન પરથી સમય નોંધી શકાય એટલા નિયમિત. ઘરમાં ખાસ બોલે નહીં, પણ એમની વસતી જરૂરથી લાગે. ‘કેટલા વાગ્યા’ જેવા સવાલોથી લઈને ‘બરફનો એક ગાંગરો આપ’ જેવું કંઈને કઈ ચાલ્યા કરે.

લોકો મળવા આવે એ એમને બહુ ગમતું. સોસાયટીના ફેરિયા, દૂધવાળા બધા જ ઓળખે દાદાજીને. એમની બર્થ ડેના દિવસે એ બધાને અને અમને ડેરી મિલ્ક ચોક્કસપણે મળે. પૈસાનો પણ વ્યસ્થિત હિસાબ રાખે, પણ ક્યારેક મને કંઈક લેવા મોકલે અને ૧૦-૨૦ રૂપિયા બચ્યા હોય તો કહે, લે, 'તું રાખ. દાદાજી ની હશે ને ત્યારે યાદ કરજે.' રોજના પેપરને વ્યસ્થિત ગળી વાળતાં, તારીખ-વાર લખતાં અને પસ્તી પણ એ જ વેચતાં. એમાંથી રૂપિયા આવે એ મને આપતાં. ભાઈ હતો તો એને વધારે આપે. મોટો એટલે. મને ઓછા આપે. પણ કામ પણ એ જ બધા કરતો એટલે એની માયા બહુ વધારે. પણ આજેય જ્યારે વિચારું તો એ જે રૂપિયા મને મળતાં એના જેવી ખુશી મને આજ સુધી ક્યારેય મહિનાની સેલેરી જોતાં થઈ નથી. કદાચ આ એક ક્લીશે છે, પણ આજકાલ સાંભળતા આવેલા આ બધા વાક્યો અને શબ્દોને નજીકથી અનુભવવાનું નસીબે આવ્યું છે. 

મારા દાદાજી જેટલું જીવ્યા એટલું સ્વસ્થ અને આત્મનિર્ભરતાથી જીવ્યા. બાના મૃત્યુ સમયે હું નાની હતી. એમના મૃતદેહને નવડાવવાની વિધિ હતી ત્યારે હું ડરી ગયેલી, રડેલી. હું સ્પર્શ પણ નહોતી કરી શકી. પણ દાદાજીના અંતિમ દરેક શ્વાસની પળોમાં હું હાજર હતી. પહેલી વાર જીવ જવો એટલે શું એ નજરોથી જોયું. માણસની કુદરત આગળની લાચારી જોઈ. મારા દાદાજીની છેલ્લા દિવસ સુધી જાતે ચાલવાની જીજીવિષા જોઈ. એમ કોઈનું પણ સાંભળી ના લે, પણ છેલ્લે મેં એમને ડોકું હલાવી દરેકની વાતો સાંભળતાં જોયા. મારા હાથેથી એમને ચમચીએથી ખવડાવતાં એમના ચહેરાની લાચારીને જોઈ. મરતી વેળાએ શરીરના ગરમાટાથી ઠંડુ પડવાની એ ક્ષણો દરમિયાન એમના ચહેરા પરની નિર્લેપતા જોઈ. પોતાનાને ગુમાવવું શું એનો પહેલી વાર સભાનપણે અનુભવ કર્યો. મારા પાપાની આંખોના પહેલી વારના આંસુ અને ભાઈની ગેરહાજરીનું એમના અંતરમનનું દુ:ખ જોયું. મમ્મીના રોજિંદા જીવનનો એક ખીંટો અચાનક જ તૂટી જતાં જોયો. એમના જીવનમાં પડેલો આ ખાલીપો એમના ચહેરા પર જોયો અને આ બધી લાગણીઓથી દૂર શબવાહિનીમાં શાંત ચહેરે સ્માશાન સુધી જઈ રહેલા મારા દાદાજીના દેહને બહારના ઘોંઘાટમાં સ્થિર-નિશ્ચિંત સૂતેલો પણ જોયો. 

હજુ સુધી સાંભળતાં આવેલા ‘ધાર્યું નહોતું’, ‘ખાલીપો’ જેવા શબ્દો આજે અચાનક અર્થસભર અને પોતીકા લાગવા લાગ્યા. એમ ત્યારે હજારો વાર ‘દાદાજીના રૂમમાં....’થી વાક્યો શરૂ થતાં, પણ આજે જ્યારે બોલવાનું આવે કે એ તરફ જોવાનું આવે ત્યારે હજુય આ વાસ્તવિકતાને પચાવી કે સ્વીકારવી કેમ એ સમજાતું નથી. પોતાની વ્યક્તિને ગુમાવવું એટલે શું છે એ કદાચ આટલું નજીકથી ક્યારેય જાણ્યું નહોતું. પણ આજે દાદાજીની આત્માને શાંતિ મળે એવી હરપળે દુઆ થાય છે.


આજે જ્યારે એમના રૂમની સફાઈ કરી ત્યારે બા સાથેના એમના ફોટોગ્રાફ્સ, એમના જરૂરી કાગળ અને એમના રૂટિનની જરૂરી ચીજ-વસ્તુ સિવાય બીજું કંઈ હતું નહીં. એમની ખરી સંપત્તિ અમે હતા. અમારો પરિવાર હતો અને છેલ્લી ઘડી સુધી એ પરિવાર એમની સાથે હતો. એમના છેલ્લાં શ્વાસ સુધી એમને અમે ધરપત આપતાં કહ્યું હતું કે અમારી ચિંતા ના કરતાં. અમે સુખી છીએ. કદાચ એટલે જ એકદમ શાંતિથી અને સ્વસ્થ રીતે એમણે દેહ છોડ્યો હશે!  

Wednesday, April 1, 2015

‘પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે.’

ધ્રુવ ભટ્ટ... આ શબ્દ મેં પહેલી વાર એક વર્ષ પહેલાં સાંભળ્યો હતો, મારા એક ઈન્ટેલિજન્ટ મિત્ર પાસેથી. એ મિત્ર ‘તત્ત્વમસી’ વાંચીને ‘હું સખત પાગલ થઈ ગયો હતો’ એમ ઘણી વાર બોલતાં, પણ પુસ્તકનું નામ સાંભળી મને થતું કે હશે કોઈ પુસ્તક... પણ પછી ધ્રુવ ભટ્ટ પોતે સુરત આવ્યા. ૨-૩ દિવસ રહ્યા. એમનું અકૂપાર નાટક સુરતમાં ભજવાયું. ચેતનભાઈને કારણે મને એમની સાથે એ નાટક જોવા મળ્યું અને સાથે દૂરથી, પણ ધ્રુવ ભટ્ટને જોવા મળ્યા. હજી પણ ધ્રુવ ભટ્ટની પ્રતિભાથી હું અજાણ હતી. નાટક શરૂ થયું અને સ્થાનિક ભાષામાં વણાયેલું એ નાટક મને બાંધતું ગયું. સાથે-સાથે ચેતનભાઈ તળપદા શબ્દો સમજાવતાં ગયા. નાટક પત્યું પછી જાણે કોઈ મને બળજબરીથી એ નાટકની દુનિયામાંથી બહાર કાઢતું હોય એમ લાગ્યું. મારે હજી એ દુનિયામાં રહેવું હતું અને હું રહી. મેં ‘અકૂપાર’ પુસ્તક વાંચી કાઢ્યું. નાટક જેવી જ તીવ્ર લાગણી મનને ઘેરી વળી. પછી મારા એ અતિ પ્રતિભાશાળી મિત્રએ એક વાર ફરી ‘તત્ત્વમસી’ની વાત કરી. એટલે વખત જતાં એ પુસ્તક હાથમાં લીધું. એ પુસ્તક હાથમાં લીધું ન લીધું, હું નર્મદાના પ્રેમમાં પડી ગઈ. એના કિનારા, એની આસપાસના વિસ્તાર અને જંગલમાં ફરી વળવાની મને તીવ્ર ઝંખના થઈ આવી. ધ્રુવ ભટ્ટને સુરતમાં ન મળ્યાનો પારાવાર અફસોસ પણ થયો. પણ એ અફસોસ એમના પુસ્તકો વાંચી પૂરો કરવાનું નક્કી કર્યું અને એ નિશ્ચયરૂપે હાલમાં ‘સમુદ્રાન્તિકે’ વાંચ્યું.
એક પુસ્તકથી વાચક શું ઈચ્છે? પ્રેરણા, જ્ઞાન, રીફ્રેશમેન્ટ, માહિતી, આનંદ? પણ જો પુસ્તકમાંથી તમને સ્વની ઓળખ, પસંદ, ઝંખના, એક નવી દુનિયા, પ્રકૃતિની સમજ અને દુનિયાના અનોખા વ્યક્તિઓની ઓળખ મળે તો? બસ, આવું જ કંઈક છે સમુદ્રાન્તિકેના એક એક પાના પર. જેમ જેમ પાનું ફરે તેમ તેમ તમારું મન એક એવી દુનિયા તરફ ખેંચાતું જાય જ્યાં વર્ષોથી જવાની કે ફરવાની તમે ઈચ્છા કરી હોય. સમુદ્રકિનારે બેઠાં, હવા ખાતાં કે રેતીમાં હાથ ફેરવતાં ક્યારેય જો પોતીકાપણાની કે સ્નેહની લાગણી થઈ હોય તો આ પુસ્તકના દરેકે દરેક અક્ષરે તમે પ્રકૃતિને માણી શકશો. આજનો આધુનિક માણસ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી એવો ઘેરાયો છે કે જો એને ૩૬૫ દિવસમાંથી પાંચ-છ દિવસના હળવા વેકેશન દરમિયાન પ્રકૃતિનો આનંદ મળે તો પણ ધન્ય થઈ જાય અને એમાંય હવે ટુરિઝમનો વિકાસ જેવા ભારેખમ શબ્દોને કારણે વિદેશી ફૂડ ચેઈન અને આધુનિક સવલતો વચ્ચે માણસ રહેતો હોય છે. એટલે પ્રકૃતિ સાથે તે સીધો સંબંધ બાંધી શકતો નથી.
આજકાલ એવા સરવે કરવામાં આવે છે કે વ્યક્તિ દિવસની આટલી મિનિટ ફોન ચેક કરવા પાછળ ગાળે છે, આટલા કલાક ઓનલાઈન હોય છે બ્લા... બ્લા... પણ આ પુસ્તક વાંચતી વખતે મને સતત એક વિચાર આવતો કે હું દિવસની, અઠવાડિયાની કેટલી મિનિટ પ્રકૃતિને આપું છું? જવાબમાં શરમ તો આવે જ, પણ સાથે પ્રકૃતિની આપણા માટેની સ્વીકારવૃત્તિનો અહેસાસ થાય તો તેના માટે માન પણ ઉપજી આવે.
‘સમુદ્રાન્તિકે’ પુસ્તકના કેટલાક વાક્યો છે, જે પ્રકૃતિ નજીક ખેંચે છે એ લખવાનું મન થાય છે. આ પુસ્તકનો નાયક કહે છે કે, ‘મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે, તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે.’, ‘પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે.’ આવી તો અનેક વાતો વાંચીને ઊંડા વિચારોમાં ગુમ થનારી મોમેન્ટ્સ મેં ઘણી માણી છે અને સાથે પ્રકૃતિના પ્રેમમાં પણ પડી છું.
મજાની વાત તો એ છે કે ૧૯૯૩માં પહેલા વહેલા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં આધુનિક માનવી, પ્રકૃતિ સાથે તેનો મેળાપ અને દુનિયાને જોવાની એની બદલાતી દૃષ્ટિની વાસ્તવિકતા આજે પણ એટલી જ યથાર્થ લાગે છે.
મને ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે. આ ભાષા માટે હું લડી પણ છું અને સતત લડતી પણ રહીશ, કારણ કે આ ભાષાની જે ખૂબસુરતી હું માણી શકું છું, વાંચી શકું છું એ મને અનહદ ખુશી આપે છે અને ધ્રુવ ભટ્ટના પુસ્તકોમાં માત્ર ભાષાની મજા જ નહીં, પરંતુ તેની અંદરના સત્ત્વને પણ જેમનું તેમ રાખવામાં આવે છે, જે તેમના તમામ પુસ્તકની વિશેષતા છે. બીજી વાત એ કે, પુસ્તક વાંચવાથી એક જોમ આપમેળે આવી જાય. કંઈક કરવાનું, કંઈક લખવાનું ને કંઈક માણવાનું. દરેક પાત્રોની વિશેષતા, તેનું વર્ણન અને કથાનો પ્રવાહ અદભુત હોય છે.

આટલા વર્ષોમાં પુસ્તકોના થોડા ઘણા વાંચન પછી એ તો અનુભવ્યું કે જે પુસ્તકો વાંચ્યા પછી મનના એક ખૂણામાં સ્થાન બનાવતાં હોય તો એવા પુસ્તકના લેખક અને તેના લેખનમાં હકીકતનો વાસ છે. આટલા લાંબા લખાણનો હેતુ બે જ છે. એક, રોજના વ્યસ્ત જીવનમાંથી આ પુસ્તક વાંચવાનો થોડો સમય કાઢો અને બે, પુસ્તક વાંચ્યા પછી, તમે જ એનો બીજો હેતુ મારી સાથે શેર કરશો એની મને ખાતરી છે.  

Saturday, January 3, 2015

રોન્ગ નંબર!!!!!!!!!!!!!!!!


દિવસો પછી આજે ફાયનલી ‘પીકે’ જોવાનો સમય મળ્યો. પિક્ચરના સેકન્ડ હાફથી જ મન એક વિચારે ચઢ્યું કે આ વિરોધ શાનો? ભગવાન વિશે દર્શાવવા માટે?

વેલ, મને લાગે છે કે દેશના લોકો કદાચ ફિલ્મને સમજ્યા જ નથી. ફિલ્મમાં પીકે રોંગ નંબરની વાત કરે છે. ‘કોઈ ફિરકી લે રહા હૈ…’ આ વિરોધમાં પણ મને એવું જ કંઈક લાગી રહ્યું છે. કારણ કે જો લોકો ફિલ્મ સમજ્યા હોત તો વિરોધ મંદિરોમાં ભગવાનને નામે આધિપત્ય જમાવી ચૂકેલા, ગલી-ગલીએ જોવા મળતાં ધૂતારાનો થયો હતો. ‘પીકે’નો નહીં.

આપણે ક્યારે સરળ અને સાદી ભાષાને સમજીશું? આ વાત મને ખરેખર છેલ્લાં કેટલાય મહિનાઓથી પરેશાન કરે છે. આજે સ્થિતિ એવી થઈ છે કે ટ્રેનમાં ટ્રાવેલ કરતાં ભૂલ-ચૂકમાં પણ કોઈ સામે હસાય જાય તો પહેલા એના મનમાં વિચાર એ આવશે કે આ કોણ છે? ઓળખે છે? અરે, દોસ્ત... જસ્ટ સ્માઈલ બેક. બાકીનું પછી જોઈ લેવાશે! નાના બાળક સામે જોઈને હસીએ તો એની માતાને વિચાર આવશે આની નજર તો નહીં લાગે ને? માણસનો માણસ પ્રત્યેનો વિશ્વાસ એટલી હદે હણાયો છે કે તેણે એક પથ્થરનો સહારો લેવો પડે છે.

‘એક ઔર સવાલ’ દરમિયાન પ્રશ્ન હતો કે શું કામ લોકો જે એક ઉમ્મીદ પર જીવી રહ્યા છે એને તોડવી? પણ મારો મૂળ પ્રશ્ન છે, ખોટી આશા જ કેમ બાંધવી? જે વ્યક્તિ આત્મહત્યા કરવાનો છે, એને ઈશ્વરની રાહ બતાવીને બીજા બે-ચાર મહિના આગળ વધારી શકાય, પણ અંતે તો ઈશ્વરનો ભ્રમ તૂટશે ને સાથે ઈશ્વરમાં જે થોડી ઘણી શ્રદ્ધા છે એ પણ અને મરશે તે તો અલગ જ. મુશ્કેલીમાં પડેલાને કોઈ ખોટી શ્રદ્ધા કે ખોટા દિલાસાને બદલે શું તેની મુશ્કેલીનો ઉપાય નહીં બતાવી શકાય? માણસ મુશ્કેલીના સમયમાં પણ બીજાને ઈશ્વરના નામે છેતરવાનું જ પસંદ કરે છે?

ફિલ્મની એક વાત ખરેખર પસંદ પડી. મને ઘણીવાર પૂછવામાં આવે છે... ભગવાનમાં માને છે? એટલિસ્ટ હવે મારી પાસે જવાબ છે. હું જેણે આપણને બનાવ્યા એમાં માનું છું.

ફિલ્મમાં સરફરાઝનો જે રાઝ ખૂલે છે, ત્યારે પણ આ જ સરળતાની વાત છે. જોવા જઈએ તો આપણામાં એક અગાઢ શક્તિ રહેલી છે. બસ, આપણે ઉપયોગ ખોટી જગ્યા કરીએ છીએ. જેમ કે, જગ્ગુ કોઈ બાબામાં વિશ્વાસ કરતી નથી અને એમને ખોટા સાબિત કરવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ દિલના એક ખૂણામાં તો એ બાબાની વાત ફર્યા જ કરે છે અને ત્યાં જ રોન્ગ નંબર લાગે છે. આપણે હંમેશાં નકારાત્મકતા પર પોતાની બધી એનર્જી કેન્દ્રિત કરીએ છીએ. શા માટે? જો આ એક સરળ વાત સમજાય તો પછી કોઈ ખોટી ઉમ્મીદ બાંધી આપતાં ભગવાનની જરૂર નહીં પડે. પીકેએ કોઈ મોટી વાત કે ગૂઢ રહસ્ય નહોતું ખોલ્યું. એક સાદી, સરળ પરિસ્થિતિનો ખુલ્લા મગજથી વિચાર કરીને એક સીધો તર્ક આપ્યો, જે સાચો પડ્યો. 

જોકે, એવું જરૂરી પણ નથી કે એ તર્ક સાચો જ પડે હંમેશાં, પણ શું વસ્તુને જટિલ બનાવવાથી એનો ઉપાય જડશે? ના, તો પછી શા માટે નાની બાબતોને પણ આપણે જટિલ બનાવતાં રહીએ છીએ?

બીજી રસપ્રદ વાત એ લાગી કે ધર્મની વિરૂદ્ધ ફિલ્મ છે એમ કરીને તો લોકોએ પીકેને વખોડી જ, પણ સાથે ‘ઓહ માય ગોડ’ સાથે સરખામણી કરી. પણ ફરીથી આ રોન્ગ નંબર જ થયો ને? આમીર બતાવી રહ્યો છે ચંદ્ર અને આપણે બધા ચર્ચા કરીએ છીએ એની આંગળીની... ભાઈ, વિરોધ કરવાને બદલે એમ વિચારોને કે આ બુદ્ધિશાળી ડિરેક્ટર્સ, રાઈટર્સ અને કલાકારોએ શા માટે ફરી ફરી એકના એક વિષય પર ફિલ્મ બનાવવી પડે છે? શું માન્યતામાં આપણે વાસ્તવિકતા ભૂલી ગયા છીએ? નાનપણની રમત યાદ છે? ટેલિફોન-ટેલિફોન? વર્ષો પહેલા શરૂ થયેલી આ રમતની મૂળ વાત આજે આપણી પાસે કંઈક અલગ જ રીતે નથી ફરી રહી? શું આ રમતનો અંત હવે આવવો નહીં જોઈએ?


જવાબ અધૂરો જ રહેશે, કારણ કે હજુય આપણે રોન્ગ નંબર જ ડાયલ કરી રહ્યા છીએ.

Saturday, December 13, 2014

યે હૈ બમ્બઈ મેરી જાન...


સામાન્ય રીતે નવું વર્ષ એટલે ક્યાં તો દિવાળીનો બીજો દિવસ અથવા તો ૩૧ ડિસેમ્બર પછીનો પહેલો દિવસ. પણ મારા માટે આ વર્ષનું નવું વર્ષ એટલે ૧૫મી ઓગસ્ટ... દેશની સ્વતંત્રતા સાથે મારી સ્વતંત્રતાનો દિવસ. સ્વતંત્રતા મારા ઘર, મારા માતા-પિતા, મારા મિત્રો અને મારા શહેરથી... સ્વતંત્રતા મારા વર્ષો જૂના સપનાંને પૂરા કરવાની અને સ્વતંત્રતા મારા જીવનને મારા નિયમો પર જીવવાની...
આજે લગભગ ચાર મહિના સુધી આ સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યા પછી સ્વતંત્રતાની બીજી બાજુ સ્પષ્ટપણે અનુભવાય છે.

.....પણ પહેલી બાજુ કઈ?

વેલ, પહેલી બાજુ એ જ કે પોતાને ‘આયેશા’ ગણી મુંબઈના રસ્તાઓ પર ફરવું, નીતનવા પ્રયોગો કરવા. મુંબઈની રેસ્ટોરન્ટ અને જાણી-અજાણી કેફેટેરિયામાં થોડી ઘણી હોંશિયારી મારવા લેપટોપ સાથે બેસવું. નવી સ્ટોરીનો પ્લોટ વિચારવો અને એક પબ્લિશ્ડ રાઈટર જેવા એટિટ્યૂડમાં બ્લેક કોફીની ચૂસ્કી લેવી.

સબવે, સીસીડીમાં રોજ સાંજે ધામો નાખવો અને સ્વતંત્રતાની હવાનો ભરપૂર આનંદ લેવો. પબ્લિક ટ્રાન્પોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવો. લોકલમાં જુદા-જુદા સ્ટેશન પર ચડતી ઉતરતી મહિલાઓની ખાસ સાઈન લેંગ્વેજ શીખવી. શરૂઆતમાં ગાળ ખાવી, પણ ધીમે ધીમે એમની ‘સિસ્ટમ’માં ગોઠવાતાં જવું.

સ્વતંત્રતા એટલે જ્યારે પહેલીવહેલી વાર મુંબઈની લોકલમાં જાતે સફળતાપૂર્વક (એક પણ ગાળ ખાધા વિના) ટ્રાવેલ કર્યા બાદ ચહેરા પરનું સ્મિત. ચિક્કાર ભરેલા ડબ્બામાં પણ હવે ચઢી જવાની આવડત કેળવી લીધી છે, એ વાતની ખુશી અથવા તો હવે સ્ટેશન પર લોકો તમને જ્યારે ‘બહેન ઈસ્ટ આ બાજુ ને?’ એવું પૂછે ત્યારે પોતે મુંબઈના જાણકાર(એમની નજરમાં) હોવાનો આનંદ.

તો બીજી બાજુ કઈ?

સ્વતંત્રતાની બીજી બાજુ એટલે જીવનના હજી સુધીના વીતેલા સમયનો રોજ એક એપિસોડ મમળાવવો. બનેલા કિસ્સાઓ અને ઘટેલી ઘટનાઓની સાથે છૂટેલી વ્યક્તિ સાથેના સમયની યાદગીરી. લીધેલા નિર્ણયો અને તેમાંય ભૂલો વિશે સ્પષ્ટતાથી અને ખાસ કરીને તો તટસ્થતાથી વિચારવું.
પોતાની જાત સાથે પ્રામાણિકતાથી વર્તન કરવા શીખવું.

મા-બાપની જૂની વાતો યાદ આવતાં અચાનક સમજદાર બન્યાની મજબૂત લાગણી અનુભવવી. સ્વતંત્રતાની બીજી બાજુ એટલે મિત્રો અને માતા-પિતાની ખરી કદર થવી.

ક્યારેક ભૂલચૂકમાં આંખમાં પાણી દેખાઈ કે મોઢું ઉતરેલું દેખાય ત્યારે મમ્મીના પ્રશ્નો, જે પહેલાં ઈરિટેટ કરતાં હતા, તે હવે યાદ આવવા. મિત્રો અને માતા-પિતાની કાળજી જે પહેલાં ઓવરપ્રોટેક્શન લાગતી તેને હવે માત્ર પ્રોટેક્શન ગણવા લાગવું.
સ્વતંત્રતાની બીજી બાજુ એટલે વર્ષોથી માતા-પિતાએ આપેલી સોનાની અદૃશ્ય ગાદીનો રોજેરોજ અનુભવ કરવો.  

દર વખતે એટીએમમાં જવાના વિચારથી જ પગ ઠંડા પડી જવા! મહિનાની શરૂઆતમાં બિલ્સના આંકડાં જોઈ હજી સુધી કદી ન અનુભવાયેલી મોંઘવારી અનુભવવી. સ્વતંત્રતાની બીજી બાજુ એટલે ખાવાનાની સુગંધને પણ મિસ કરવું. 

સ્વતંત્રતાની કિંમત ઘણી મોટી છે. ‘આયેશા’ના આર્ટિકલમાં એક વાક્ય હતું, ‘યે શહેર જીતના સુંદર હૈ, ઉતના સખ્ત ભી હૈ’ મુંબઈની કઠોરતા હવે બખૂબી અનુભવાય છે. પણ છતાં મુંબઈનો લગાવ અકબંધ છે.


સ્વતંત્રતા વ્યક્તિને મજબૂત બનાવે છે તો બીજી બાજુ લાગણીથી તરબોળ પણ કરી દે છે. સ્વતંત્રતાની વ્યાખ્યા નિયમોથી મુક્ત કે આઝાદી નથી. સ્વતંત્રતા એટલે જાતે પસંદ કરેલો એવો રસ્તો છે, જ્યાં તમે જ તમારા સૌથી મોટા મિત્ર અથવા દુશ્મન છો. સ્વતંત્રતાથી મળતી એકલતા જીવનની છૂટી ગયેલી વ્યક્તિ અને એવી તમામ વ્યક્તિની મહત્તા સમજાવે છે, જેને સો કોલ્ડ બંધન કહેવાતા સમયમાં ધરાર અવગણી હોય. સ્વતંત્રતાની એક બાજુનો ભરપૂર આનંદ છે, પણ તેની બીજી બાજુ ઘણી કઠોરતાથી આ શહેર સમજાવી રહ્યું છે. પણ સ્વતંત્રતા એ એવો નશો છે, જેનો સ્વાદ એક વાર ચાખી લીધા પછી તેની આદત એવી પડે છે કે ગમે તેટલા રોદણા રડ્યા પછીય સ્વતંત્રતાથી ‘મુક્તિ’ મેળવી અશક્ય બની જાય છે.

Tuesday, September 23, 2014

મુંબઈ એટલે...


'વેક અપ સિડ'માં આયેશાના મુંબઈ વિશેના આર્ટિકલનું દૃશ્ય જ્યારે પહેલી વાર જોયલું ત્યારે રૂંવાટા ઊભા થયેલા, આંખોમાંથી રોકવા છતાં આંસુઓનો દરિયો વહેલો! અંદરથી 'સાલું આવું જ કંઈક કરવું છે'નું જોમ આવેલું. પણ એન્જિન્યરિંગના થોથામાં એ ફરી દબાઈ પણ ગયેલું. છતાં જ્યારે જ્યારે એ દૃશ્ય જોતી, બસ મજા આવી જતી. એના થોડા વર્ષોમાં એન્જિન્યરિંગ છોડવાના 'ક્રાંતિકારી' નિર્ણય સાથે લખવા તરફ વળી, પણ એ નહોતું વિચાર્યું કે મુંબઈ જ જવું છે. સમય વહેતો ગયો, સપનાં વધતાં ગયા અને આંખો ભરાતી ગઈ. નવા નવા તંતુઓ બંધાયા અને કેટલાક જૂના છૂટતાં ગયા. અંતે આજે એક હકીકત છે... મુંબઈ... અને મારા મતે મુંબઈ એટલે...

મુંબઈ એટલે ભરચક વાહનોવાળા રસ્તા પર બાજુના વોકિંગ ટ્રેક પર વહેલી સવારે કાનમાં ઈયર પ્લગ્સ નાંખીને જૂના ગીતો સાંભળવાં અને ઉપર આકાશ તરફ જોઈ ભીની આંખે આ હકીકતને ભરપૂર માણવી...

મુંબઈ એટલે રોજ સવારે ઊઠીને મમ્મીના 'ગુડ મોર્નિંગ' મેસેજને વાંચીને મનમાં ને મનમાં જ ખુશ થવું...

મુંબઈ એટલે પોતાના નવા ઘર(શેયર્ડ ફ્લેટ...??)માં પોતાની જ વસ્તુઓ માટે ટ્રેઝર હન્ટિંગ કરવું...

મુંબઈ એટલે ચાલતાં ચાલતાં હજારો નવા 'નંગો'ને જોવા અને ક્યારેક રસ્તાની બાજુએ પડેલા-પ્રાણી કરતાં પણ ખરાબ સ્થિતિમાં પડેલા- માણસોને જોઈને બે ઘડી થંભી જવું...

મુંબઈ એટલે રોજ ઓફિસના લંચ અવરમાં જુદા જુદા રેસ્ટોરાંના મેનુ કાર્ડનો 'ગહન અભ્યાસ' કરવો...

મુંબઈ એટલે ઓફિસથી ઘર સુધીના વોકિંગ ટાઈમ પર ફોનનું કોન્ટેક્ટ લિસ્ટ સ્ક્રોલ કરવું અને લકી ડ્રો કરી રોજ કોઈકનું માથું ખાવું...

મુંબઈ એટલે ઘર પાસેના વિસ્તારમાં થોડી બબાલ થતાં સહેજ સહેમી જવું, છતાં હિંમત ભેગી કરવી અને અંતે નજીકના જનરલ સ્ટોરમાં જઈ વ્હીસલ ખરીદવી...

મુંબઈ એટલે ઓફિસથી ઘરે પહોંચવા માટેનો ગલી-ગલીવાળો રસ્તો રોજ એક્સપ્લોર કરવો અને રોજ કોઈક નવી ગલીમાંથી ઘરને શોધવું...

મુંબઈ એટલે પહેલીવહેલી વાર IRCTC પર ટ્રેનની ટિકિટ બુક કરાવવા જવું અને વેઈટિંગ લિસ્ટ જોઈને મનમાં જ અસલ સુરતી બોલવી...

મુંબઈ એટલે જનરલની ટિકિટ લઈ ટ્રેનના એસી ડબ્બા માટે ટીસીને આજીજી કરવા મનમાં ને મનમાં હજારો વિચારો કરવા, તડકામાં તપીને ટ્રેનની રાહ જોવી અને જ્યારે ટ્રેનના એસી ડબ્બામાંથી સહેજ, માત્ર એક સેકન્ડ માટે ઠંડો પવન શરીર પર સ્પર્શ થતાં મનમાં નવું જોમ આવવું ને વિચારવું 'સાલું કંઈ પણ થાય... ટીસીને પટાવી લઈશ, પણ બેસીશ તો અહીં જ...'

મુંબઈ એટલે થોડી થોડી ખુશીમાં એકલા(મજબૂરી અફકોર્સ) બીયર( અગેઈન... મજબૂરી અફકોર્સ) પીવો...

મુંબઈ એટલે પૃથ્વી થિયેટર પર મિત્રો સાથે કટિંગ પીવી...

મુંબઈ એટલે મરિનલાઈન્સ પર બેસી મોબાઈલના પ્લે-લિસ્ટના મનપસંદ ગીતો સાથે મન મૂકીને રડવું...


મુંબઈ એટલે પળે-પળે સ્વપ્નોને જીવતાં હોવાનો અહેસાસ કરવો... (ભાઈ 'ટચવુડ' મનમાં જ બોલી લેવું)

મુંબઈ એટલે કેફેમાં અમસ્તા જ બેસી બ્લેક કોફી સાથે કંઈક મહત્ત્વનું કામ કરતાં હોવાનો ડોળ કરવો...

મુંબઈ એટલે બસમાં આગળના દરવાજાથી વારંવાર ચડતાં એકવાર ડ્રાઈવરની ખીજ સાંભળવી-'પીછે સે ચઢના નહીં હોતા ક્યા??'

મુંબઈ એટલે નવા મિત્રો બનાવી એમના કિસ્સાઓ સાંભળવા...

મુંબઈ એટલે પોતાના જેવા જ અલ્લડ મિજાજના મિત્રો સાથે રિક્ષામાં બેસી જોરજોરથી ગીતો ગાવા...

મુંબઈ એટલે પોતાના જ માતા-પિતાથી વધુ નજીક જવાનો અનુભવ કરવો...

મુંબઈ એટલે સુરતના 'નકામા' યારોને કંઈક વધારે પડતું જ મિસ કરવું...

મુંબઈ એટલે ૧ બીએચકેના ફ્લેટમાં ક્યારેક એકલા પડી ધ્રુસકે- ધ્રુસકે રડી લેવું...

મુંબઈ એટલે ઘરના શાક-રોટલીની કદી ન સમજાયેલું મહત્ત્વ સમજવું...

મુંબઈ એટલે પાણી સાથે મનમાં વિચારોનોય એક વિશાળ દરિયો વહેતો કરવો...

મુંબઈ- સપનાંનું શહેર. મારા જેવી કેટકેટલીય યુવતીઓ આંખોમાં સમાય નહીં એટલા સપનાં લઈને આ શહેરમાં આવે છે, રહે છે, જીવે છે અને ક્યારેક ખોવાય પણ જાય છે. હું હજી ત્રીજા તબક્કા પર છું, જીવી રહી છું આ શહેરને, અહીંના વાતાવરણને, અહીંની હવાને અને અહીંના લોકોને. મારે ખોવાવું નથી. કારણ કે ખોવાઈ જવું મને પરવડે એમ નથી. આંખોમાં સપનાં ભરીને જીવવું છે. હાથ ફેલાવીને આ શહેરને પોતાનું બનાવવું છે. મુંબઈના એક મહિનાની યાદોનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ મુંબઈને વર્ણવવા માટે કદાચ આટલી યાદો હમણાં પૂરતી છે! :)

Wednesday, August 6, 2014

'કાન્તિ ભટ્ટથી કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી'

  કાન્તિ ભટ્ટ સાથે હું અને  અંકિત દેસાઈ(ડાબે) 
ગુજરાતી પત્રકારત્વના ઘણા પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર છે ‘કાન્તિ ભટ્ટ ટાઈપ’નું પત્રકારત્વ! અત્યાર સુધીમાં તેમણે સેંકડો નહીં, પરંતુ હજારોની સંખ્યામાં લેખો લખ્યાં છે. તેમના પુસ્તકોની સંખ્યા બસોને આંટી જાય એટલી છે, જેમાં ‘દિલ તો પાગલ હૈ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘સુવર્ણરેખા’, ‘તમારી જાતને વફાદાર તો રોજ દિવાળી’, ‘ચેતનાની ક્ષણે’, ‘સ્વસ્થ રહો, સુખી રહો’, ‘આહ! જિંદગી... વાહ! જિંદગી’, ‘જીવન જીવવાની કળા’, ‘પ્રેરણાદર્શન’ વગેરેનો સમાવેશ થાય છે. હજુ ગયા મહિને જ તેઓ પંચ્યાસી વર્ષના થયાં અને આજે પણ તેઓ દિવસના બેથી વધુ લેખો લખે છે. સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવા કાન્તિ ભટ્ટે પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં દાઉદ ઈબ્રાહિમથી લઈને ઓશો રજનીશ સુધીના વિવિધ ક્ષેત્રોના લોકોના ઈન્ટરવ્યુ તેમજ દિલધડક ઘટનાઓનું સ્પોટ રિપોર્ટિંગ કર્યું છે અને આમ છતાં તેઓ સ્વીકારે છે કે તેમણે જીવનમાં બીજાઓથી કંઈ વિશેષ કર્યું નથી. તેઓ તેમના દરેક અનુભવોને સમાન ગણાવે છે. મુંબઈ જેવા શહેરમાં અલગારી થઈને રહેવું અત્યંત કપરું છે પરંતુ કાન્તિ ભટ્ટ બોરીવલીમાં સાતમે માળે આવેલા તેમના ફ્લેટમાં દુન્યવી બાબતોથી અલિપ્ત રહીને લેખન અને પત્રકારત્વની ધૂણી ધખાવીને બેઠા છે. આને કદાચ ગુજરાતી પત્રકારત્વનું નસીબ જ કહેવાય કે સાધુ થવા નીકળેલા કાન્તિ ભટ્ટે કોઈક કારણસર વિચાર માંડી વાળ્યો અને પત્રકારત્વમાં આવ્યા. પછી જે થયું તેને ‘રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી’ એવું કહી શકાય. ‘ગુજરાત ગાર્ડિયન’એ તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે અમારી સાથે માંડીને વાતો કરી અને તેમના ભૂતકાળને પણ વાગોળ્યો. તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

આટલા વર્ષોના અનુભવ પછી તમે પત્રકારત્વને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?

આજના માહિતી અને જ્ઞાનના યુગમાં પત્રકારત્વ એ સૌથી ઉત્તમ ક્ષેત્ર છે. આજે તો બધા હવે પૈસા કમાવવામાં પડ્યા છે. પત્રકારત્વમાં પણ કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના આશયથી જ આવે છે. પહેલાના સમયમાં પત્રકારત્વમાં એટલા પૈસા ન હતા ત્યારે તો પત્રકારે ગાંઠના ગોપીચંદન પણ કરવા પડતા પરંતુ હવે તો કોલમિસ્ટોને પણ ઘણા પૈસા મળે છે. ખરેખર પત્રકારત્વ તો એક મિશન હોવું જોઈએ પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમજ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે. આટલા વર્ષોના અનુભવ પછી હું આ તારણ પર પહોંચ્યો છું.

તમે પત્રકારત્વ કેમ પસંદ કર્યું?

તમે આપણા કાઠિયાવાડના લોકોની એક ખૂબી વિશે તો જાણતા જ હશો. કાઠિયાવાડમાં લોકો માતાના પેટમાંથી જ પત્રકારત્વ શીખીને આવતા હોય છે. એકે જાણેલી વાત બીજાને કહેવી એ અમારા સ્વભાવમાં હોય છે. પણ હા, એમાં મારી કે તારી પંચાતનો ભાવ નથી હોતો. હું તો ચાર વર્ષનો હતો ત્યારથી જ પત્રકાર હતો. અમારા ગામની ગ્રામપંચાયતમાં પત્રકાર જેવું કામ કરતો. હું પંદર વર્ષનો હતો ત્યારે તો એક મેગેઝિનનો તંત્રી હતો. આ ઉપરાંત તે સમયે ભાવનગરથી પ્રકાશિત થતા ‘ભાવનગર સમાચાર’માં રિપોર્ટિંગ પણ કરતો અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બધુ હું કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થ કે વળતરની આશા વિના કરતો. એટલે બીજાઓની તો ખબર નથી પરંતુ હું સો ટકા એવું કહી શકું કે પત્રકારત્વ મારા લોહીમાં જ છે.

પરંતુ વ્યવસાય તરીકે મેં પત્રકારત્વ કેમ પસંદ કર્યું એ પાછળ બહુ રસપ્રદ કથા સંકળાયેલી છે. એટલે અહીં એમ પણ કહી શકાય કે હું એક્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગયો. આનો જવાબ ઘણો લાંબો છે એટલે હું તમને વિગતે જણાવીશ. હું મારા કાકાને પૈસે ભણ્યો અને અને તેમની મદદથી જ હું બીકોમ પણ થયો. પછી તેમણે મલેશિયામાં નવી પેઢી ખોલી એટલે તેમણે મને ત્યાં બોલાવી લીધો. એમના સાત છોકરા હતા અને મને તેમણે આઠમો દીકરો માન્યો, સાચવ્યો પણ ખરો. હું ત્યાં આઠ વર્ષ રહ્યો અને મારી સાથે એવું હતું કે હું જે કામ કરતો એમાં પારંગત થઈ શકતો. તે સમયે એ પેઢીમાં બીજા પણ એક ભાઈ કામ કરતાં હતા અને તેમણે મારું કામ જોયેલું. એટલે એક દિવસ એમણે મને કહ્યું, “કાન્તિ, તું કેટલું ધ્યાન દઈને કામ કરે છે. પણ જો આમ ને આમ કામ કરતો રહીશ તો મરી જઈશ. તું તારો ભાગ માગ.” એટલે મેં કાકા પાસે એક પૈસો ભાગ માગ્યો, રૂપિયામાં એક પૈસાનો ભાગ માગ્યો! પણ એની તો ઘણી અવળી અસર થઈ. જ્યારે હું કાકા સાથે કામ કરવા ગયો ત્યારે હું તેમનો આઠમો દીકરો હતો, પણ જ્યારે મેં ભાગ માગ્યો ત્યારે તેમણે મને ‘જસ્ટ ગેટ આઉટ’ કહીને કાઢી મૂક્યો. મેં મારો બધો અસબાબ લીધો ને ત્યાંથી નીકળીને સીધો અહીં આવી ગયો. મને સમાજ પ્રત્યે રીતસરનો તિરસ્કાર થઈ ગયો. મલેશિયા જતાં પહેલા મેં થોડો સમય ઉરૂલીકાંચનમાં સેવક તરીકે ફરજ બજાવી હતી. ઉરૂલીકાંચનમાં ગાંધીજીનો નિસર્ગોપચાર આશ્રમ હતો અને હું ત્યાં અડસઠ રૂપિયાના પગાર સાથે સેવા કરતો. પછી કાકાએ બોલાવ્યો એટલે મલેશિયા ગયો અને એમણે મને ત્યાંથી કાઢી મૂક્યો એટલે ફરી હું અહીં આમ-તેમ ફરવા લાગ્યો. હું મનથી ઘણો ભાંગી ગયો હતો. એટલે મેં ઋષિકેશ જઈને બાવા બનવા માટે મન બનાવી લીધું હતું. મને હવે જિંદગીમાં રસ નહોતો અને કાકાએ મારા લગ્ન પણ મને પસંદ નહોતી એ છોકરી સાથે કરાવી દીધા હતા, જે મને ડિવોર્સ આપતી નહોતી. પણ મારે આ રીતે જિંદગી જીવવી નહોતી. એટલે મેં શિવાનંદજીને એમની પાસે આવવાની પરવાનગી માગી અને એમણે ‘આજા બચ્ચા’ કહીને મને સ્નેહપૂર્વક આવકાર્યો અને પૈસાનો તો મને ક્યારેય મોહ નહોતો.

આ પિસ્તાળીસ વર્ષ પહેલાની વાત છે. પણ મારી બહેનને આ ખબર પડી ત્યારે તે રડવા લાગી. એ કહે, ‘ભાઈ, તમે શું કામ જાઓ છો? તમે આટલું ભણેલા છો, આટલો અનુભવ છે તો પછી તમારે સાધુ શા માટે થવું છે?’ આમ, બહેનની લાગણીને માન આપીને સાધુ બનવાની ઈચ્છા મેં માંડી વાળી. અને બહેન સાથે રહેવા માંડ્યો. હવે અહીં રહું એટલે મારે કંઈક તો કરવું પડે ને? એટલે જીવરાજાણીકાકા કરીને અમારા એક ઓળખીતા હતા, તેમને મેં કોઈ નોકરી માટેની વાત કરી. તેમણે મને કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં બાર હજારની એક નોકરી છે. પણ મને એવી નોકરીમાં રસ નહોતો એટલે મેં બેંકની નોકરી માટે ના પાડી દીધી. ત્યાર પછી તેમણે મને કોરાકેન્દ્રમાં મેનેજરની છ હજારના પગારવાળી નોકરી માટે કહ્યું, મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. એટલે મેં આ નોકરી માટે પણ નનૈયો ભણ્યો. અંતમાં તેમણે મને કહ્યું કે એક નોકરી છે, જેમાં પગાર પેઠે માત્ર એકસો નવ્વાણું રૂપિયા મળશે. મેં પૂછ્યું કઈ? તો તેઓ કહે કે ‘જન્મભૂમિ’માં પત્રકારની નોકરી છે. એટલે મેં તેમને કહ્યું કે મને આમાં રસ છે. આમ, મેં ‘જન્મભૂમિ’માં વ્યાપારના સબએડિટર તરીકે નોકરી શરૂ કરી અને હું આ રીતે પત્રકાર બન્યો.
કાન્તિ ભટ્ટની પુસ્તકોથી ઘેરાયેલી બેસવાની જગ્યા 
આ ઉંમરે પણ લખતા રહેવું એને શોખ કહેશો કે હવે લખવું એ એક જરૂરિયાત છે?

 (હવામાં તેમનો હાથ હલાવીને અસલ કાન્તિ ભટ્ટ અંદાજમાં!) હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી? લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતા આ હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યા જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી બધા સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિરવા કરીને એક ભાઈ છે, જેઓ મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધા હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.

એવો કોઈ વિષય ખરો, જેના પર કાન્તિ ભટ્ટે લેખ લખ્યો ન હોય?

(થોડું હસીને) તમે જ મને એવો વિષય બતાવો કે જેના પર મેં નહીં લખ્યું હોય. તમે જોયું હશે કે મેં તમામ વિષયો પર લેખો લખ્યાં છે. હું ૨૦% લેખો હેલ્થ પર લખું, કેટલાક અધ્યાત્મ પર લખું. આ ઉપરાંત વિજ્ઞાન, રાજકારણ, રમતજગત, વૃક્ષો-વનસ્પતિ, ઢોર-ઢાંખર બધા જ વિષયો પર મેં લખ્યું છે. જો મારાથી કોઈ વિષય રહી જાય તો ભગવાન મને માફ નહીં કરે.

તમે લખતી વખતે કોનું ધ્યાન રાખો? વાચકોનું કે તંત્રી-અખબારના હિતોનું?

હું તો તમામ લેખકો-પત્રકારોને એમ જ કહીશ કે ક્યારેય કોઈથી ડરવું નહીં. જે સાચું હોય એ જ લખવું. પણ પછી જડભરતની જેમ એક જ વાતને વળગી રહીને સતત કોઈની નિંદા પણ નહીં કરવી. તેની સારી બાજુઓ પીછાણીને તેને પણ બિરદાવવી. હવે મને ખબર છે કે હું કોઈના વિશે છેક ઘસાતું લખું તો એ મારા તંત્રી નથી જ છાપવાના. એટલે જરૂરિયાત મુજબની ટીકા લખવાની. મેં મારા તંત્રીઓમાં એક ઈમ્પ્રેશન પાડી છે કે કાન્તિ ભટ્ટ કોઈથી પણ ડર્યા વગર લખે છે, જોકે હું એની બડાઈ પણ નથી મારતો. આજ સુધી મારા કોઈ લેખ રિજેક્ટ થયાં હોય એવું બન્યું નથી. આથી મારે આજ સુધી કોઈના હિતોની ચિંતા કરવાની જરૂર પડી નથી. જોકે મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં બીજા બધા લેખો કરતા રાજકારણ પર ઓછા લેખો લખ્યાં છે. રાજકારણની પંચાતમાં હું બહુ નથી પડતો. પણ જ્યારે હું આ વિષય પર લખું છું ત્યારે મારા માટે રાજકારણમાં જે-તે વ્યક્તિનું કદ કેવું છે એ મહત્ત્વનું નથી હોતું. મારા માટે તો વાચક જ મહત્ત્વનો છે અને તેના માટે કઈ જાણકારી મહત્ત્વની છે એનું જ હું ધ્યાન રાખું છું. તાજેતરમાં મેં લખેલા એક લેખમાં મેં રાજનાથ સિંઘના વખાણેય કર્યા. એટલે પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને ડર્યા વિના વખાણ અને ટીકા બંને કરવી જોઈએ. 

તમારા બે વાર્તાસંગ્રહો પ્રકટ થયાં છે. આ ઉપરાંત તમે નવલકથાનું એક પ્રકરણ પણ લખ્યું. સાહિત્ય વિષયક ઓછું લખવાનું કંઈક વિશેષ કારણ?

વાર્તા કે નવલકથા લખવા કે તેના માટે વિચારવા માટે જે સમય જોઈએ, એ મારી પાસે નથી. આ ઉપરાંત હું ગુજરાતના કેટલાક વાર્તાકારોની જેમ નસીબદાર નથી કે તમે લખતા હો ત્યારે તમારી અડખેપડખે તમારી સગવડ સાચવવા માટે બે-ત્રણ લોકો હોય અને સાચું કહું તો રોજિંદા લેખનમાં અને કોલમો સાચવવામાં જે મજા છે એવી મજા બીજા કોઈમાં નથી. મને આવું લખવાથી એક પ્રેરકબળ મળે છે અને ભાઈ, વાર્તા તો ઘેર ગઈ, મને મારી આત્મકથા લખવાનીય ઘણી ઈચ્છા છે. હું અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યો છું, એ પણ કોઈ વાર્તાથી કમ નથી. મેં કેટલીય છોકરીઓને પ્રેમ કર્યો, કેટલીય છોકરીને ભગાવી છે. હું દુનિયાના એસી દેશોમાં ફર્યો છું. થાઈલેન્ડના વેશ્યાવાડામાં પણ ફર્યો છું. જીવનનો કોઈ પણ અનુભવ મેં બાકી રાખ્યો નથી. પણ આ બધું લખવા માટે સમય ક્યાંથી લાવું? એટલે હાલમાં તો મને એવું નથી લાગતું કે હું મારી આત્મકથા લખી શકું.

આજનું કાન્તિ ભટ્ટનું ઘર એ ભવિષ્યનું ‘શક્તિ જ્ઞાનમંદિર’  
તમારી પાસે એક પબ્લિક લાઈબ્રેરી થાય એટલા બધા પુસ્તકો છે. ભવિષ્યમાં આ બધા પુસ્તકોનો વારસદાર કોણ?

પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારા તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરાય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધા પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમજ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે. 

તમે ઈશ્વરનો પણ ઈન્ટરવ્યુ કરવાનું કહેતા હતા. તો ઈશ્વરને મળશો ત્યારે તમારા પ્રશ્નો શું હશે?

હું તેમને પૂછીશ તો ખરો જ કે તમે સાચા છો કે બનાવટી? આ દુનિયા બનાવી જ છે તો માણસને દુ:ખ શું કામ આપ્યું? માણસને દુઃખી કરવામાં તમને એવી તો શું મજા આવે છે? બધાને માત્ર સુખ જ આપ્યું હોત તો? આવું કંઈક જરૂર પૂછીશ.

તમારા પર કોઈનો પ્રભાવ છે ખરો?

નો બડી. આઈ એમ માય ઓન ગુરુ. મારા ઘરમાં મોરારી બાપુનો ફોટો છે પણ તેમની આંખો હિપ્નોટિક છે એટલે મેં આ ફોટો રાખ્યો છે. મને તો ઓશો રજનીશે સામેથી કહેલું કે તું મારો ચેલો બની જા. પણ મેં તેમને ઘસીને ના પાડી દીધેલી કે હું કોઈનો ચેલો નહીં બનું. મારો ગુરુ પણ હું જ અને ચેલો પણ હું જ અને હું તો એમ પણ કહીશ કે કાન્તિ ભટ્ટથી પણ કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી.

ઈતિહાસના કોઈ ત્રણ પાત્રોને મળવાની તક મળે તો કોને મળો?

પત્રકાર તરીકેની મારી કારકિર્દીમાં હું ઘણા લોકોને મળ્યો છું અને દેશ-વિદેશમાં પણ ખૂબ ફર્યો છું. આટલા વર્ષોના બહોળા અનુભવ પછી મેં એટલું તો જોયું કે કોઈ પણ વ્યક્તિ અતિ-અસાધારણ હોતી નથી અને દરેકમાં મર્યાદા હોય છે. એટલે હવે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ હા ફરજના ભાગરૂપે મળવાનું થાય તો જરૂર વિચારીશ. 

આજના પત્રકારત્વમાં કંઈક ખૂંટતું જણાય છે?

આજે તો બધું જ ખૂટતું જ જણાય છે. હવે પત્રકારત્વમાં કોઈ મિશન નથી રહ્યું અને કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધું છે. મૂલ્યો અને નીતિમત્તાનો પણ હ્રાસ થઈ રહ્યો છે. હવે પત્રકારત્વમાં ઘણી બધી મર્યાદાઓ આવી ગઈ છે. પરંતુ આટલી મર્યાદા હોવા છતાં ગુજરાતી પત્રકારત્વમાં સારું કામ થઈ રહ્યું છે અને મને એવી આશા છે કે એમાંથી પણ વળી કોઈ ‘કાન્તિ ભટ્ટ’ મળી આવશે. 

હવે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે...

(વચ્ચેથી જ અટકાવીને) થોભો, થોભો... તમારો સવાલ મને ખબર છે. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે. તમને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન ન હોય તો પ્રાદેશિક ભાષાના પત્રકાર તરીકે ટકી રહેવું અને જાતને સાબિત કરવું મુશ્કેલ છે. લેખન અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં આવનાર તમામ યુવાનોને એટલું કહીશ કે તમારું વાચન પુષ્કળ હોવું જોઈએ. તેમાંય અંગ્રેજી પુસ્તકોનું વાચન હોય એ જરૂરી છે. અંગ્રેજી વિશે ઘસાતું બોલતા ભાષાના શિક્ષકો અને અધ્યાપકોને લપડાક મારો, કારણ કે હવે સમય એવો છે કે અંગ્રેજી વિના નહીં ચાલે. સો વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ફ્રેન્ચ ભાષા વિના નહીં ચાલતું અને હવે એ જ સ્થિતિ અંગ્રેજી ભાષાની છે.

 જીવનમાંથી શું શીખ્યાં? કાન્તિ ભટ્ટ અલગારી છે એમ કહી શકાય?

હું મારી જાતને કોઈ વિશેષ વિશેષણ આપવા માગતો નથી. હું એક સામાન્ય શિક્ષકનો દીકરો, જેને તેના કાકાએ ભણાવ્યો અને તેના સ્વાર્થ માટે વિદેશ બોલાવ્યો. ઉરૂલીકાંચન રહ્યો એ પણ કોઈના સ્વાર્થ માટે જ ગયો. મારા જીવનમાં સૌથી મોટી નિરાશા એ જ હતી કે મને મારી મરજી વિરુદ્ધ પરણાવવામાં આવ્યો. આઈ વોઝ અ લવર ઓફ બ્યુટી. હું નિર્મળ સુંદરતાનો ચાહક રહ્યો છું. જોકે મારે એ કહેવું જોઈએ કે મને મારી ગમતી છોકરી સાથે પરણાવ્યો હોત તો હું તેની સાથે સામાન્ય માણસની જેમ જિંદગી ભોગવીને ક્યારનોય મરી ચૂક્યો હોત.

Tuesday, July 29, 2014

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારી કેટલીક મહિલા ખેલાડીઓની રસપ્રદ વાતો


સમગ્ર વિશ્વમાંથી ફૂટબોલ ફીવર હજી તો માંડ-માંડ ઉતર્યો છે ત્યારે હવે કોમનવેલ્થ ગેમ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રમતગમતના રસિકો માટે, ખાસ કરીને ભારતના સ્પર્ધકોના પર્ફોર્મન્સને લઈને આ રમત હંમેશાં ચર્ચાનો મુદ્દો બની રહે છે.પણ આપણા દેશની કમનસીબી એ છે કે આપણે ક્રિકેટ સિવાયના રમતવીરો પર કોઈ ફિલ્મ બને એ પછી જ પૂરતા માહિતગાર થઈએ છીએ અથવા તો તેમના જીવન વિશે જાણવાની ઈચ્છા કરીએ છીએ અને એમાંય મહિલા ખેલાડીઓની તો વાત જ શી? આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એવી ઘણી મહિલા ખેલાડી છે, જે આપણા દેશને ગૌરવ અપાવી શકે છે. કોમનવેલ્થમાં ભાગ લેનારી આવી જ કેટલીક આશાસ્પદ મહિલા રમતવીરોની સંઘર્ષકથા જાણવા જેવી છે.

પરિવારથી છુપાવીને બોક્સિંગ શરૂ કર્યં અને...
પૂજા રાની
દેખાવે શાંત, બોલવામાં નરમ અને ભણવામાં આગળ પડતી હરિયાણાની ત્રેવીસ વર્ષની પૂજા રાનીએ જ્યારે તેના જ વતન ભિવાનીના બોક્સર વિજેન્દ્ર સિંઘને ઓલિમ્પિક ગેમ્સમાં વિજેતા થતો જોયો ત્યારે તેને પણ બોક્સિંગમાં કારકિર્દી ઘડવાની ઈચ્છા થઈ. પરંતુ એક વર્ષ સુધી તે સતત વિચારતી રહી, કારણ કે પરિવારના સભ્યોને જાણ કરી બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવવાની તેની હિંમત નહોતી. પરંતુ અંતે તેણે તેના પિતાની જાણ બહાર બોક્સિંગ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો. અલબત્ત, તેની માતા આ વિશે જાણતી હતી અને તેથી જ તે પૂજાને બમણો સહકાર આપતી. જો કોઈ વાર ટ્રેઈનિંગમાં તેને વધુ વાગી જતું અથવા તો સોજો આવી જતો તો પિતાને જાણ થઈ જાય એ બીકે તે ઘરે જતી નહોતી. આ સમયે તેના પિતાને કહેવામાં આવતું કે પૂજા એની મિત્રને ત્યાં ભણવા માટે રોકાઈ છે. જોકે, તે વધુ સમય તેના પિતા સામે આ હકીકત છૂપાવી શકી નહોતી. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સૌથી પહેલા તો પૂજાનું એકેડમીમાં જવાનું બંધ કરાવ્યું. તેઓ પૂજાની આ રમતમાં કારકિર્દી ઘડવાની વાતથી બિલકુલ પણ સંમત નહોતા. પરંતુ પૂજાના કોચ સંજય કુમારે તેના બોક્સિંગ માટેના પેશન અને આવડત વિશે તેના માતા-પિતા સમજાવ્યું અને એ જ વર્ષે રાનીએ યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ જીતના બે જ મહિના બાદ તેણે હરિયાણાની ઉત્તમ ગણાતી બોક્સિંગ પ્લેયર પ્રીતિ બેનીવાલને પણ સ્ટેટ ચેમ્પિયનશિપમાં હરાવી. ટૂંકા ગાળામાં પૂજાની આ સફળતાએ તેના માતા-પિતાને પણ ચોંકાવી દીધા. પૂજા એ સમયને યાદ કરીને કહે છે કે, “એ પછી મારા પિતાએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને ત્યારથી એ મારા સૌથી મોટા સમર્થક બની ગયા. મારા પરિવારમાંથી કોઈએ પણ ત્યારપછી મારા બોક્સિંગનો વિરોધ કર્યો નહોતો.” શરૂઆતના પારિવારિક તેમજ બોક્સિંગને કારકિર્દી બનાવવાના માનસિક સંઘર્ષ બાદ પૂજાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨)માં સિલ્વર મેડલ તથા ઓસ્ટ્રેલિયાની એરાફુરાગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૨ની ઓલિમ્પિક ગેમ્સમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોમનવેલ્થની આ ગેમ્સમાં તે ફરી રિંગમાં ઉતરવા તૈયાર છે. તે કહે છે કે, “આ મારા માટે હવે સૌથી મોટી તક છે. હું આ સમયની આતુરતાથી રાહ જોઈ રહી હતી.” અભ્યાસમાં આગળ પડતી પૂજાને તેના જીવનમાં આવેલા આ બદલાવ વિશે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે, “ખરેખર તો હું પણ આ પરિવર્તનને સંપૂર્ણ સમજી શકતી નથી. હું જ્યારે મારી બોક્સિંગ ફાઈટના વીડિયો જોઉં છું ત્યારે મને પોતાને વિચાર આવે છે, ‘શું આ ખરેખર હું છું?’ પણ સાચું કહું તો આ બદલાવ મને બહુ પસંદ છે.”

શૂટિંગમાં સતત ભાગ લેતાં-લેતાં...

આયોનિકા પોલ
આપણા દેશની મહિલા ખેલાડી માત્ર રનિંગ, બોક્સિંગ અને બેડમિન્ટન સુધી સીમિત ન રહેતાં શૂટિંગમાં પણ ઘણી આગળ પડતી છે. તે જ પૈકીની એકવીસ વર્ષીય આયોનિકા પોલ પણ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સની શૂટિંગ સ્પર્ધામાં મેડલ અપાવવા માટે એક મોટી આશા ગણાઈ રહી છે. આયોનિકાના પિતા ભારતીય રેલ્વેમાં કર્મચારી હોવાની સાથે ઉત્તમ વોટર-પોલો પ્લેયર હોવાથી નાનપણથી જ આયોનિકા રમતગમતમાં રસ લેતી. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે તો સ્વિમિંગની શરૂઆત કરી હતી. નાનપણથી આયોનિકા ટીવી પાછળ વધુ સમય ન બગાડે એ માટે તેના માતા-પિતા તેને સ્પોર્ટ્સ ક્લાસીસ અને કેમ્પમાં મોકલી આપતા અને આ જ રીતે તેનો રમતગમતમાં રસ વધતો ગયો. તે નાનપણથી જ બાસ્કેટ બોલ, વોટર-પોલો, સ્કેટિંગ અને ડાન્સિંગમાં પોતાનો સમય વીતાવતી ગઈ. આ જ અરસામાં એક ઘટના બની અને આયોનિકાએ શૂટિંગને પોતાના જીવન સાથે કાયમ માટે જોડી દીધું. વર્ષ ૨૦૦૪માં અગિયાર વર્ષીય આયોનિકાએ રાજ્યવર્ધન સિંઘને ઓલિમ્પિકની શૂટિંગમાં સિલ્વર મેડલ લેતાં જોયા ત્યારે તેણે શૂટિંગમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું. તે શૂટિંગ માટે ખૂબ જ આતુર હતી, પરંતુ જ્યારે તે ખરેખર તે માટેની ટ્રેઈનિંગ લેવા ગઈ ત્યારે તે ઘણી નિરાશ થઈ હતી. એક ઈન્ટવ્યુમાં તેણે કહ્યું હતું કે, “બોરિંગ અને આળસજનક વાતાવરણમાં તમારી આસપાસ લોકોનું ટોળું કોઈ પણ પ્રવૃત્તિ વિના મૌન ઊભું હોય. એ અનુભવ જ મારા માટે ઘણો નિરાશાજનક હતો.” તેણે શૂટિંગની રમતના ૧૫ દિવસના કોર્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ તે પૂરો કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેની શાળામાં શૂટિંગની સ્પર્ધા છે, તેણે તેમાં પહેલીવહેલી વાર ભાગ લીધો અને એમાં તેને અજબનો આનંદ આવ્યો. પછી તો ધીમે ધીમે આ રમતમાં તે વધુ ને વધુ ઊંડે ઉતરતી ગઈ અને નિયમિતપણે શાળાની સ્પર્ધામાં ભાગ લેતી થઈ ગઈ. એક વર્ષમાં તો તે જુનિયર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જેટલી આવડત કેળવી ચૂકી હતી. ત્યારબાદ તો એણે આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો. 

આ આખી સફરમાં તેને તેના પરિવાર, કોચ તથા સિનિયર શૂટરનો ઘણો સહકાર મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે આપણા દેશના બોલિવુડ શહેનશાહ એવા અમિતાભ બચ્ચને પણ આયોનિકાને શૂટિંગમાં કારકિર્દી ઘડવા સ્પોન્સર કરી છે. જોકે, ઓલિમ્પિક્સમાં તેને મળેલી નિષ્ફળતાએ તેના આત્મવિશ્વાસને થોડો હલાવી નાખ્યો હતો, પણ આયોનિકાનું માનવું છે કે એ હારને કારણે જ તેણે રમતમાં વધુ ધ્યાન પરોવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષના જૂન માસમાં જ તેણે સિનિયર ટુર્નામેન્ટમાં સૌથી પહેલી જીત મેળવી. મારિબોર વર્લ્ડ કપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવીને કોમવેલ્થ ગેમ્સ માટે લોકોની આશા વધારી દીધી છે. 

મેરી કોમને હરાવનાર પિન્કીને જ્યારે ‘બેસ્ટ બોક્સર’નું ખિતાબ મળ્યું...

પિન્કી જાંગડા
હરિયાણાના હિસર તાલુકાની વતની પિન્કી જાંગડાએ વર્ષ ૨૦૦૯માં ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમને નેશનલ ટુર્નામેન્ટમાં હરાવીને પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ભારતની પ્રથમ હરોળની બોક્સિંગ ચેમ્પિયન બનવાની પિન્કીની હઠ ચાલુ છે, જે હવે કોમનવેલ્થ ગેમ્સમાં પડઘાશે એવી આશા સૌ રાખી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી પિન્કીના પિતા સરકારી કારકુન તથા માતા હાઉસવાઈફ છે. પણ તેનો ભાઈ રાજ્ય સ્તરે બોક્સિંગમાં ભાગ લેતો હોવાથી તેણે પિન્કીને પણ બોક્સિંગ માટે પ્રોત્સાહિત કરી. જ્યારે પિન્કી ૧૫ વર્ષની થઈ ત્યારે તે સૌપ્રથમ વખત બોક્સિંગ રિંગમાં પ્રવેશી. જોકે, બોક્સિંગ માટેના પોતાના પેશનને પારખતા તેને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬માં તેણે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તે કહે છે કે, “ગોલ્ડ મેડલ મળવાની ખુશી હતી, પણ એની સાથે ‘બેસ્ટ બોક્સર’નું જે ખિતાબ મળ્યું હતું તે જ મારા માટે પૂરતું હતું.”પિન્કી જાંગડાએ હજી સુધી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એરાફુરાગેમ્સ(૨૦૧૩) અને એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ(૨૦૧૨) એમ બે જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાં તેણે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

થોડા સમયમાં જ ઘણી સિદ્ધિ મેળવનાર પિન્કી કહે છે કે, “તમને ગમે તેટલી ટ્રેઈનિંગ આપવામાં આવે, પરંતુ સ્પર્ધાઓ જ તમારી આવડતની ખરી કસોટી કરે છે, તમારું મનોબળ વધારે છે અને તમને રમત દરમિયાન વધતાં દબાણનો પણ અનુભવ કરાવે છે.”પિન્કી માને છે કે બોક્સિંગમાં કારકિર્દી ઘડવા માટે મહિલાઓ માટે આ સમય ઘણો સારો છેઅને તેથી જ તેના કોમનવેલ્થના આ પહેલા પ્રયાસ માટે તે ઘણી આશાસ્પદ છે.


દેશને ગૌરવ અપાવતી મહિલાઓને ઓફિશિયલ કીટ પણ અપાઈ નથી!
(ડાબે) મિરાબાઈ ચાનુ અને (જમણે) સંજિતા ચાનુ
કોમનવેલ્થ ગેમ્સની રમતો જેમ-જેમ રમાતી જાય છે તેમ-તેમ આપણા દેશને મહિલાઓ ગૌરવ અપાવતી જાય છે, જે પૈકી વેઈટ લિફ્ટિંગની જુદી જુદી કેટેગરીમાં ખુમુકચમ સંજિતાએ ગોલ્ડ મેડલ તથા મિરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ અને સોળ વર્ષીય (ભારતની કદાચ સૌથી યુવા ખેલાડી) મલાઈકા ગોએલે દસ મીટર એર પિસ્ટલ રમતમાં સિલ્વર મેડલ જીતીને દેશની આબરૂ વધારી છે. આ જીત પછી જ્યારે સમગ્ર દેશની મીડિયાનું ધ્યાન આ મહિલાઓએ ખેંચ્યું છે ત્યારે હાલમાં ‘ડીએનએ’ના એક એક્સક્લુઝિવ અહેવાલ મુજબ વીએટ લિફ્ટિંગમાં વિજેતા નીવડેલી આ બંને ખેલાડીઓને રમતની ઓફિશિયલ કીટ પણ આપવામાં આવી નહોતી. તેમણે પોતાની જૂની કીટથી જ આ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રદર્શન કર્યું હતું!

આ અહેવાલ અનુસાર ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશન(IOA)એ વેઈટ લિફ્ટિંગ માટે જતી કોઈ પણ મહિલા ખેલાડીઓને ઓફિશિયલ કીટ આપી નહોતી. જ્યારે કેન્દ્રીય રમત મંત્રાલયે(યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી) દરેક ખેલાડી માટેસમારંભની કીટના રૂ. ૧૫,૦૦૦ અને સ્પોર્ટ્સ કીટના રૂ. ૫,૦૦૦ ફાળવી આપ્યા હતા. આઈઓએનું કાર્ય સમયસર આ કીટ ખેલાડીઓને પહોંચે છે કે નહીં તેની કાળજી રાખવાનું હોય છે. પણ આમ છતાં આ ખેલાડીઓએ જૂની કીટથી જ કામ ચલાવવું પડ્યું હતું. આ ઉપરાંત, બોક્સિંગ ઈન્ડિયા ઓફિસયલ મુજબ ઓપનિંગ સેરેમનીના કપડાં પણ ખેલાડીઓને સારી ગુણવત્તાના આપવામાં આવ્યા નહોતા. જોકે આ કંઈ પહેલી વારની ઘટના નથી. ભારતના ખેલાડીઓ વર્ષ ૨૦૧૦ દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ જ પ્રકારની બેદરકારીનો શિકાર બની ચૂક્યા છે.


'લાઈવ મિન્ટ'માં પ્રસિદ્ધ થયેલા એક આર્ટિંકલ પરથી આ લેખની કેટલીક માહિતી લેવામાં આવી છે.