Saturday, November 16, 2013

સૈનિકોના સન્માન માટે કાર્યરતઃ અનુરાધા પ્રભુદેસાઈ


‘મને એકમાત્ર અફસોસ એ છે કે દેશની સેવા માટે મારી પાસે માત્ર આ એક જ જન્મ છે.’ લડાખના એડવેન્ચરસ માહોલમાં જ્યારે તમે ટ્રાવેલ કરતાં હો અને દેશના જવાનો માટે લખાયેલું આ વાક્ય તમારી આંખે ચડે ત્યારે શેર લોહી ચડી ગયાનો અનુભવ ચોક્કસ થાય, પણ થોડા જ દિવસોમાં આપણે પોતાની રૂટિન લાઈફમાં એવા ગોઠવાઈ જતા હોઈએ છીએ કે દેશભક્તિનો બધો જ નશો પળવારમાં ઓસરી જતો હોય છે. આપણા સૌ પાસે જિંદગી જીવવા અંગત ધ્યેયો તો અનેક હોય છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે અન્યના હૃદયને સ્પર્શતા હોય છે અને એ જ તેમનો ધ્યેય પણ બની જાય છે. 

આ વાત ઓગસ્ટ, ૨૦૦૪ની છે. અનુરાધા પ્રભુદેસાઈ નામની એક મહિલા મુંબઈની એક બેન્કમાં નોકરી કરીપોતાના પતિ અને બાળકો સાથે દેશની અન્ય સ્ત્રીઓની જેમ જ સામાન્ય જિંદગી પસાર કરી રહી હોય છે. એવામાં અનુરાધા, તેમના પતિ અને અન્ય એક દંપતી સાથે લડાખની સફરે ઉપડ્યા અને ત્યાંથી અનુરાધાના જીવનની નવી શરૂઆત થાય છે. લાખો ટુરિસ્ટોની જેમ અનુરાધાએ પણ કારગીલનીએ ઐતિહાસિક જગ્યાની મુલાકાત લીધી, પણ દેશભક્તિનું જે તોફાન એમના મનમાં ઊઠ્યું એ બાકી ટુરિસ્ટો કરતાં કંઈક અલગ હતું.કારગીલની સ્મૃતિને યાદ કરતાં ત્યાંના ગાઈડે તેમને એક સ્થળ બતાવ્યું જ્યાં યુદ્ધના સમયે દેશના જવાનોની લાશોનો ઢગલો પડ્યો હતો. આ ઉપરાંત, લેહના વાતાવરણની વિષમ પરિસ્થિતિ, કાળજું ઠરી જાય એટલી તીવ્ર ઠંડી અને વારંવાર થતા હિમપ્રપાતની સ્થિતિમાં અડીખમ ઊભાં રહી દેશ માટે લડતાં જવાનોના જીવનને આટલા નજીકથી અનુભવી અનુરાધા સમસમી ઊઠ્યા. તેમને મનમાં વારંવાર એક પ્રશ્ન ઊઠવા લાગ્યો કે શું દેશના આ સૈનિકોને તેમના આટલા મોટા બલિદાન માટે આપણે પૂરતું સન્માન આપીએ છીએ? અને આ એક પ્રશ્ને અનુરાધા અને તેના મિત્ર વિક્રમ જોશીને હચમચાવી દીધા અને તેઓએકારગીલ યુદ્ધની યાદગીરી સમા વિજયસ્તંભ પાસે આપણા દેશોના જવાનોના બલિદાનને લોકો સુધી પહોંચાડવાની તથા પાંચ વર્ષ સુધી કારગીલ આવવાની પ્રતિજ્ઞા લીધી. 

લેહથી ફરી આવ્યા બાદ અનુરાધાના જીવનનું ધ્યેય અને દિશા નક્કી હતા અને તેણે દેશના જવાનો માટે કામગીરી શરૂ કરી. તેમણે વર્ષ ૨૦૦૫ની રક્ષાબંધનમાં દેશના જવાનોને મળવા માટે આર્મીના ઉચ્ચ અધિકારોને અનેક પત્રો લખ્યા. શરૂઆતમાં આર્મીના અધિકારીઓ નકારાત્મક પ્રતિસાદ આપ્યો પણ અનુરાધાના અથાક પ્રયત્નોથી અંતે આર્મીએ તેને પોતાના જવાનોને મળવાની પરવાનગી આપી અને એ સાથે અનુરાધા અને અન્ય ૩૬ યુવતીઓએત્યાંના જવાનોને રાખડી બાંધી હતી. 

ત્યારબાદ તો કારગીલના જવાનોને મળવા જવાના એક અલગ જ દોરની શરૂઆત થઈ. છેલ્લા દસ વર્ષોમાં તેઓ લગભગ ૧૪ વખત કારગીલની મુલાકાત લઈ ચુક્યા છે અને દરેક વખતે તેમણે સૈનિકોને લડવા માટે અનોખી પ્રેરણા આપી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, “આજે દેશના યુવાનોને નવા જન્મેલા સેલિબ્રિટીઝના સંતાનો અને ફિલ્મ એવોર્ડ્ઝના વિજેતાઓના નામ બખૂબી યાદ રહેતા હોય છે, પણ પરમવીર એવોર્ડ્ઝ વિશે પૂછવામાં આવે તો તેમની પાસે કોઈ જવાબ નથી હોતો.” અને એટલા જ માટે તેમણે કારગીલ શહીદોની ગાથા વર્ણવતી અનેક બુકલેટ અને તે માટે તેમણે લખેલી કવિતાઓની ૪૦૦થી વધુ કોપી પબ્લિશ કરી છે. અનુરાધા શાળા અને કોલેજોના નવયુવાનો તથા મલ્ટીનેશનલ કંપનીના બિઝનેસ ટાયકૂનો સમક્ષ પણ આ જવાનોની અભૂતપૂર્વ કામગીરીને બિરદાવવા ૧૫૦થી પણ વધુ પ્રેઝન્ટેશન અને ૧૦૫ જેટલા લેક્ચર્સ આપી ચૂકી છે. આ પ્રેઝન્ટેશનથી મદદથી સામાન્ય નાગરિકોમાં દેશના જવાનોની કપરીજીવનશૈલી વર્ણવવામાં આવી છે. 

વર્ષ ૨૦૦૯માં જ્યારે તેમની પ્રતિજ્ઞા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમણે સૈન્યના ઉચ્ચ અધિકારીઓને પણ પોતાની અદભુત કામગીરીથી પ્રસન્ન કરી દીધા હતા અને તેથી જજ બ્રિગેડિયર પાલે તેમને આ કામ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. આથી અનુરાધાએ તેના આ કામને વધુ શિસ્તબદ્ધ કરવા ‘લક્ષ્ય ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. તેનો એકમાત્ર હેતુ યુવાનોમાં દેશભક્તિ જગાવી જવાનો માટે સન્માનની ભાવના જન્માવવાનો હતો. અનુરાધાએ સ્થાપેલી આ સંસ્થાએ સૌપ્રથમ ‘દિવાલી વિથ સોલ્જર’ નામનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં દરિયાની સપાટીથી આશરે ૧૮,૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈએ દેશની સીમા પર ફરજ બજાવતા આ જવાનોને મીઠાઈઓ અને ઘરનું ખાવાનું આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 

દર વર્ષે આ સંસ્થા ૪૦ લોકોની સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં લડાખની મુસાફરી કરે છે. જોકે આ કોઈ ટુર કે કેમ્પ નથી, પણ જવાનોને પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી સામાન્ય નાગરિકોને ત્યાં લઈ જવામાં આવે છે. આપણા દેશના સામાન્ય નાગરિકોને જવાનો સાથે વાતો કરવાનો એક અવસર આપવામાં આવે છે તથા તેમના પરિવારોનીસ્મૃતિને એકબીજા સાથે વાગોળવામાં આવે છે. હજી સુધી આશરે ૪૫૦ જેટલા નાગરિકોએ કારગીલના આ જવાનોની મુલાકાત લીધી છે.જાન્યુઆરી, ૨૦૧૨માં અનુરાધાએ તેની બેન્કની નોકરી છોડી દીધી અને સંપૂર્ણ ધ્યાન દેશની સેવામાં આપવાનું શરૂ કર્યું. તેમની જવાનો સાથેની આત્મીયતા એટલી ઊંડી બની કે ૫૭ વર્ષીય અનુરાધાને હવે કારગીલ રેજિમેન્ટમાં જવાનો ‘મા’, ‘માસી’,‘મેમ’ જેવા નામોથી યાદ કરે છે. જ્યારે અનુરાધાને હવે પછીના વર્ષોના ધ્યેય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “ હું એક ‘વીર ભવન’ સ્થાપવાનું સ્વપ્ન જોઉં છું, જે એક વિશાળ ઓડિટોરિયમ હશે અને તેની દીવાલો પર આપણા સૈનિકોના ચિત્રો અને તેમની યશગાથા વર્ણવવામાં આવી હશે.”

2 comments: