Thursday, January 10, 2013

યૂટોપિઆ




                                                                                         

                                                  
યૂટોપિઆ
           



                    કંઈક હલ્યું , ભીતરમાં ઊંડે સુધી. મહિનાઓથી આકરી તપસ્યા કરતી ધરા પર વરસાદના બુંદ પડતા ધરાકણો જેમ જીવંત થઇ ઉઠે છે એમ ર્હદયના તાર કોઈનો પ્રતિસાદ સંભાળવા ફરી બંધાવા લાગ્યા.અત્યંત ખુશી અને સંતોષની લાગણીને વાગોળતી વાગોળતી એની અગાશીમાં એ વિહરતી હતી.ક્યાંક કંઈક અદભુત ઘટી રહ્યું છે એવી અનુભૂતિ સાથે હળવું સ્મિત રેલાવી રહી હતી ને ત્યાં  એક સાદ કાને પડ્યો.“પરીધિ, સાંભળે છે ? જલ્દી નીચે આવ . તારા નામનો કોઈ લેટર આવ્યો છે.” સ્વપ્નની દુનિયામાં મ્હાલતી પરીધિ ચાનક સ્તબ્ધ થઇ ગઈ. સ્વપ્નો વિખેરવા લાગ્યા , મનમાં ઉપસેલા કલ્પનાચિત્રો ધૂંધળા બની પળવારમાં ખુલ્લા આકાશમાં ક્યાંય ઉડાન ભરવા લાગ્યા! હકીકત સાથે સંતુલન કરી, મનના એ અધૂરા વિચારો સમેટી સફાળા પગે એ નીચે ઉતારવા લાગી.                           



                         એકવીસ વર્ષની આ સ્વપ્નશીલ અને મહ્ત્વાકાંશી યુવતીમાં દુનિયા પર પોતાની એક આગવી છાપ છોડી જવાની જિદ્દ હતી. આત્મવિશ્વાસથી ભરપૂર અને જીવનને અત્યંત સરળતાથી જીવવામાં માનનાર પરીધિ એના સમઉમ્ર સાથીઓ કરતા થોડી અલગ હતી .પરંતુ છેલ્લા કેટલાક સમયથી એનું પોતાના જ મન સાથે તીવ્ર યુદ્ધા ચાલી રહ્યું હતું.હમેશા ભવિષ્ય માટે અનહદ સતર્ક અને ગતિશીલ રહેતી પરીધિ જિંદગીના આ મુકામ પર થંભી ગઈ હતી.સ્વપ્નો અને કહેવાતા કરિયર વચ્ચે ઝોલા ખાય રહી હતી . પણ આજે ઘણા સમય બાદ એનું મલીન મન શાંત થયું હતું . ઉછળતી કૂદતી નદી જેમ દરિયાને મળીને સ્થિર થાય છે તેમ એ એના “જીવંત ગૂગલ ”ને મળીને તૃપ્ત થઇ હતી. હા , “જીવંત ગૂગલ ”. ઈન્ટરનેટના આ યુગમાં એક ક્લિક કરવાથી ૧૦ પાના ભરીને માહિતી તો ભલે મળે છે પરંતુ માનવીની લાગણી સમજી , એને હલાવી મૂકતા પ્રશ્નોના સચોટ ઉત્તરો આપવામાં કદાચ આ ઈ-ટૂલ હજી એટલું સફળ નથી થયું .બસ આ જ કમી પરીધિના જીવનમાં મનનએ પૂરી કરી હતી. એના જીવંત ઈ-ટૂલ બની ને! મનન એના દરેક પ્રશ્નને સમજી , એની દરેક ઈચ્છાને માન આપી , વાસ્તવિકતાને એની સાથે જોડી શક્ય એટલી બધી જ માહિતી પૂરી પાડતો.

                          ભવિષ્યની ચિંતામાં ગરકાવ પરિધિના મનનું સમાધાન પણ મનને આ જ કુશળતાથી કર્યું.જીવનમાં ઘણીવાર એક એવો વળાંક આવે છે જ્યાં પૂરી નિષ્ઠા અને આત્મવિશ્વાસથી આળ ડગલા નહિ ભરાય તો આ સ્પર્ધાત્મક જગત આપણને ક્યાં દુર હડસેલી મૂકે એની કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી .પરીધિ પણ આ જ વળાંક પર હતી . એણે કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી તો મેળવી પણ એની આત્મા , એનું મન ડાન્સ અકાડમીમાં થનગનતું હતું . ‘નટરાજ ’ ડાન્સ અકાડમી , જ્યાં પરિધિ માત્ર ચાર વર્ષની હતી ત્યારથી ભરતનાટ્યમની તાલીમ લઇ રહી હતી અને સાથે કેટલાય રંગમંચ પર નૃત્યો ને કેટલાય પારિતોષિક પોતાને નામ કર્યા હતા . વળી, પેરિસ , ન્યુયોર્ક અને કેનડામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાય થાટથી દેશની પ્રતિષ્ઠા વધારી હતી . પરંતુ હવે સમય હતો જીવનની વાસ્તવિકતાનો સામનો કરવાનો . પોતાના શોખ અને “પ્રેક્ટિકલ લાઈફ” વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો.મન વિચારોમાં ફંગોળાતું રહ્યું , પ્રશ્નોના ઉત્તર -પ્રતિઉત્તર આપતું રહ્યું. અલબત્ત, પાણીમાંથી બહાર કાઢેલી માછલીની જેમ તરફડતું આ મન મનનના દેખાડ્યા માર્ગ પર ચાલી નિરાંત થયું હતું . એણે લંડનની એક પ્રતિષ્ઠિત ડાન્સ અકાડમીમાં ટ્રેઈની તરીકે અરજી આપવાનું સૂચવ્યું ને પરિધિએ હિંમતપૂર્વક પોતાની કસોટી આપવા સંમતિ દર્શાવી હતી. ચાર વર્ષ સુધી કરેલા અભ્યાસને બાજુ પર મૂકી અલગ જ ક્ષેત્રમાં ઝંપલાવવું એ સરળ નહિ હતું. "બેટા, આમાં કોઈ ભવિષ્ય નથી. શું કરીશ ડાન્સ કરીને", "અરે, બે રોટલી કમાવા જે ડિગ્રી લીધી છે એ જ કામ લાગે. ડાન્સ નહિ ", "જો પરીધિ સ્વપ્ના જોવા એ અલગ વસ્તુ છે અને જીવન જીવવું એ અલગ વસ્તુ છે. દીકરા સપનાથી પેટ નહિ ભરાય ". આવા બીજા અનેક સૂચનો પરીધિના વિશ્વાસને ડગમગાવા પૂરતા હતા. 

                          એ ધડકતા ર્હદયે આખો લેટર વાચી ગઈ.એના સર્ટીફીકેટસ , ટ્રોફી અને અનુભવને જોઈ માત્ર ટ્રેઈની તરીકે નહિ પણ સાથે સાથે ઇન્ડિયન ક્લાસિકલ નૃત્ય શીખવવા માટે પણ પરીધિને આમંત્રિત કરવામાં આવી હતી . જીવનની કસોટીમાં સ્વપ્નોને મહત્તા આપી સંપૂર્ણ રીતે સફળ થ આગળ વધવા હવે એ તૈયાર હતી .અંતે જીત એના સ્વપ્નો જોવાના જુસ્સાની થઇ હતી .એ જાણતી હતી કે સપનાની દુનિયા પસંદ કરીને કદાચ એ ભૌતિકરૂપથી એના સાથી મિત્રો જેટલી સફળ નહિ થઇ શકે. પણ એણે તોળેલા સફળતાના ત્રાજવામાં સ્વપ્નોનું પલ્લું હમેશા ઉપર રહેતું હતું.એને મન સપના અને ઉપજાવ દેખાતા કરિયર વચ્ચેન માત્ર એક જ તફાવત હતો.જિંદગીના અંતિમ ક્ષણોમાં બગીચાના કોઈ બાકડા પર બેઠા બેઠા સાર્થક થયેલા સ્વપ્નો  યાદ કરીને ચહેરા પર સ્મિત ઉપસી આવે અને જીવનનો પૂરો થાક ઉતારી જાય એ જ ખરા અર્થમાં સપનાને જીવેલું ગણાય. ઉપજાવ કરિયર કદાચ આ સંતોષ ક્યારેય નહીં આપી શકે. સપનાને જીવવનો આનંદ અનેક ભૌતિક વસ્તુઓ કરતા વધુ મધુર છે એ પરીધિના માનસપટ પર હમેશા સત્યરૂપે છવાયેલું રહેતું અને અંત પણ એ જ થયો. સૌથી નાની ઉમરમાં ભારતીય નૃત્યને પ્રતિષ્ઠા અપાવનાર યુવતીમાં એનું નામ મોખરે હતું અને એ બદલ એની સન્માનિત કરવામાં આવી.







3 comments:

  1. Again, a very good piece. It is heart-warming to realize that you know the language. There is certain clarity in your narrative. Keep it up!

    ReplyDelete
  2. Really it means a lot to me sir!! thank you sooo much!! :)

    ReplyDelete