Tuesday, January 29, 2013

યાદોની દોર


                    "એ જાય , કાયપોચ જ છે !!’’ ની સાથે સાથે “મેરે ફોટો કો સીને સે યાર ચિપકાલે સૈયા ફેવિકોલ સે ” થી આખેઆખું વાતાવરણ ગૂંજી રહ્યું હતું. દરેક પોતાના પતંગને એટલી ઉંચાઈ પર સ્થિર કરવા માંગતા હતા કે અન્ય કોઈ એના સુધી પહોચી પણ નહિ શકે. જિંદગીની સફળતા માટે જેમ લોકો ઝંખે છે એ જ રીતે જાણે પતંગને પણ લોકો એટલી જ ઉંચાઈ પર જોવા માંગતા હતા. દરેક અગાશી પર એમ જોવા જઈએ તો એકસમાન નજરો હતો. એ જ જુસ્સો, એ જ ઉશ્કેરાટ, એ જ ફિરકી પકડવાની રકઝક ને એ જ પેચ લાગ્યાની બૂમો!! આકાશમાં જાણે રંગબેરંગી દોરીઓ સાથે આ પતંગો આકાશરૂપી રણભૂમિ પર યુદ્ધ લડતા હોય એમ ચગતા અને "શહીદ" થતા. પતંગ ચગાવાના આનંદ સાથે " અરે પેલી બાજુ જો, પતંગ આવ્યો." " પેલી દોરી જો, પકડ ,પકડ. અરે જલ્દી ભાગ." જેવા અવાજો સાથે પતંગ પકડવાનો ઉમંગ પણ એટલો જ હતો. માનવમેદનીથી ઉભરાતી અગાશીઓ આ તમામ ધ્વનીઓ અને પિકચરના ગીતો સાથે ઝૂમી રહી હતી.બપોરના તડકામાં પણ પતંગરસિકોનો જુસ્સો ઓછો નહિ થયો હતો . 


                   સવારના અગાશી પર ચઢેલા નિસર્ગ , શૌનક , કાવ્ય , શ્રેયા, પંછી અને ગુંજન અગાશીમાં છાયડો શોધી બેઠક જમાવવા લાગ્યા . આસપાસના પતંગની હિલચાલ સાથે વાતોનો દોર શરુ થયો . આજથી ચાર વર્ષ પહેલા એક જ શાળાના કમ્પાઉંડથી શરુ થયેલી આ મિત્રતામાં આ વર્ષો દરમિયાન ઘણા ચઢાવ ઊતાર આવ્યા અને હજી પણ કોઈક કોઈક ખૂણામાં એકબીજાને લઇને ઘણી વાતોમાં વસવસો છે.છતાં પવન મળતા જેમ પતંગ ઉડવા માટે એની દિશા પકડી લે છે તે જ રીતે ભૂતકાળમાં સરી પડવા આજે સૌ તત્પર હતા . મમરાના લાડુ ને ચીકીની બધી મીઠાશ મોઢામાંથી જાણે સીધી મનમાં ઊંડે સુધી રહેલી યાદો સાથે ભળવા લાગી.એક જ બેન્ચ પર બેસતા પંછી અને શ્રેયા પાસે વાગોળવા માટે અનેક યાદો હતી.એ પૈકી પંછીએ એક કિસ્સો સંભળાવવાની શરૂઆત કરી." તને યાદ છે શ્રેયા, પેલા મીનાક્ષી ટીચર? આપણને સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા તે? અને એમના બીજા જ પિરીયડમાં નિરાલીએ આપણી ફરિયાદ કરેલી કંઈક એમને. ને જાણે શું મોટી વાત થઇ હોય એમ આખા ક્લાસ વચ્ચે આપણને પિરીયડ પછી મળવા કીધેલું. આપણે કેવા ડરી ગયેલા!" એટલે શ્રેયા તરત જ વચ્ચે બોલી પડી."ચલ ચલ, પણ એ હતી જ એવી. ને આપણે તો કઈ કરેલું પણ નહિ." ને પછી એ મીનાક્ષીબહેનની અદામાં બોલવા લાગી અને સૌ હસી પડ્યા.પંછી એ આગળ વાત વધારતા કહ્યું:"ખરી મજા તો હવે આવશે દોસ્તો, પિરીયડ પછી અમે મળવા ગયા તો એમણે અમને નિરાલીનું નામ આપ્યું. ને આ શ્રેયાનું ઝનૂન તો ખબર ને? સાલી, એટલી જોશમાં આવી ગઈ કે રમતના પિરીયડમાં નિરાલી એની ટોળકી સાથે બેઠેલી હતી તો આ બહેન "આજ ના છોડેંગે તુજે દમ દમાદમ" એવું ગાતી ગાતી પસાર થાય.જાણે શું નું શું કરી નાખશે.એની પછી ચાલે પણ  એવી રીતે ને." હજી વાત પૂરી જ થઇ ત્યાં બધા જ અલગ અલગ દિશામાં વિખેરાય મુક્ત હાસ્ય કરવા લાગ્યા.બધાની હસી સાંભળી શ્રેયા તીક્ષ્ણ નજરે પંછીને જોવા લાગી.પણ એ નજરમાં ગુસ્સો ઓછો અને હાસ્ય તથા પ્રેમ વધુ હતા.”અને પેલી કૈરવી ” શૌનાકે એના સૌથી પહેલા ક્રશને યાદ કરતા સ્મિત સાથે કહેવા માંડ્યું .”કેટલી મસ્ત દેખાતી! સાલા બધા જ એની પાછળ હતા પણ . એટલે આપણો ચાન્સ નહિ લાગ્યો બાકી તો ……” એની બડાઈ સાભળીને બધા એને મારવા લાગ્યા ”માપમાં રે . મોટો આવ્યો બાકી તો વાળો ” કાવ્યએ એને ટપલી મારતા કહ્યું અને ફરી એ જ હાસ્ય . થોડી વારના મૌનમાં જાણે એને કલ્પ્તા હોય એમ નિસર્ગ અને કાવ્ય છુપ રહ્યા અને એકમેકની આંખ મળી ને હસવા લાગ્યા :” સાચ્ચે પણ એ હતી તો એકદમ જક્કાસ. શું ફીચર્સ હતા એના એ પણ એ વખતે !!” 

                   એ સમયની નાસમજી અને નાદાનિયતને યાદ કરીને વાતો થતી રહી ને સાથે સાથે સૂર્યની ગતિ પણ પશ્ચિમ દિશા તરફ વધતી ગઈ. પતંગો ચગતા ગયા ને આકાશ રંગોથી ભરાતું ગયું . ખરેખર આકાશ પતંગોથી રંગીન લાગતું હતું કે પછી મનમાં વર્ષોથી કોઈક એક ખૂણામાં સંગ્રહાયેલી યાદોને આજે પાંખ મળી એટલે એ કોઈ સમજી શકતું જ નહિ હતું . ને સમજવું પણ શા માટે ! આજે બસ વહેવું હતું , કોઈ સાથે પણ પેચ લગાવ્યા વગર પતંગને આકાશમાં ઉડવા દેવો હતો . જાણે યાદોને વાચા મળી હોય તેમ એક પછી એક ખુલાસા થવા લાગ્યા ને અનેક કિસ્સાઓ વર્ણવતા ગયા . શાળાના શિક્ષકોથી લઇને પ્રવાસ તથા અતિમ દિવસે એક તોફાની ટુકડીએ મેડમ પર ફેકેલા ઈંડા અને ટામેટા સુધીની બધી જ વિગતો મનરૂપી ફિરકીમાંથી સરકવા લાગી . શાસ્ત્રોમાં તહેવારોનું મહત્વ સમજાવ્યું છે પણ આજે ખરા અર્થમાં તહેવારને માણી રહેલા આ મિત્રો ભૂતકાળના દરવાજાને ધક્કો મારી બંધાયેલી યાદોને મુક્ત કરી રહ્યા હતા. 


                   સાંજ ઢળી , ને આકાશમાં કન્દિલના “પ્રકાશ” સાથે યાદોના દીવા પણ તીવ્ર જ્યોતથી સળગવા લાગ્યા . આજે ફરી એકવાર ઉત્સવ દરેકના જીવનમાં આનાદની લહેર લઇ આવ્યું હતું અને ફરી એકવાર વીતી ગયેલા દિવસો સાથે સંગમ કરવા ભેગા થવાના વાયદા સાથે સૌ વિખૂટા પડ્યા .

No comments:

Post a Comment