Wednesday, November 20, 2013

‘ધ એમ્પરર ઓફ સોન્ગ’ નૌશાદની અનકહી વાતો



હાલમાં જ ભારતીય સિનેમાએ તેના સફળતાપૂર્વકના ૧૦૦ વર્ષ પૂરા કર્યા અને આ સો વર્ષો દરમિયાન ભારતીય સિનેમાની ઘણી ‘ઈન્સાઈટ્સ’આપણે માણીપણ છે. ફિલ્મોના મુખ્ય કલાકારો, તેની કથાવસ્તુ, સંવાદો કે પછી ગીતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા અનેક પુસ્તકો હજી સુધી પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કેટલાય હીરોને ‘લેજન્ડ’ બનાવતા પુસ્તકો એક સમયે બેસ્ટ સેલરની હરોળમાં સ્થાન પામ્યા હતા, પરંતુ આ સૌમાં મ્યુઝિક ડાયરેક્ટર્સ વિશે ખૂબ જૂજ પ્રમાણમાં લખાયું છે, જેમણે સંગીતના માધ્યમથી ફિલ્મોને એક અલગ જ સ્તરની નામના અપાવી છે. સંગીતના મહાન કલાકારોએ ફિલ્મી ગીતોમાં પોતાનો આત્મા અર્પી દઈ અનેક ઉત્કૃષ્ટ ગીતો રચ્યા છે અને તેથી જ તેફિલ્મોય અમર ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમર બની ગઈ છે. આવા જ એક ‘લેજેન્ડ’ ગણાવી શકાય એવા મ્યુઝિક ડાયરેક્ટર નૌશાદ અલીના જીવન આધારિક હાલમાં એક પુસ્તક‘નૌશાદનામાઃ ધ લાઈફ એન્ડ મ્યુઝિક ઓફ નૌશાદ’લખાયું, જેના લેખક રાજુ ભરતન છે. વાસ્તવમાં રાજુ એ હિંદી સિનેમાજગતના ગીતોના પ્રખ્યાત ઈતિહાસકાર તથા ‘ઈલ્યુસ્ટ્રેટેડ વિકલી’ના પૂર્વ પત્રકાર છે.

રાજુએ આ પુસ્તકમાં નૌશાદના જીવનના અને ખાસ કરીને તેમની કારકિર્દીના લગભગ દરેક પાસાંઓને આવરી લીધા છે. તેમની સાથે ગાળેલા વર્ષોની સ્મૃતિઓ અને અંગત કિસ્સાઓને હળવી શૈલીમાં છતાં ખૂબ રસપ્રદ રીતે રાજુએ આલેખ્યા છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે તે પરંપરાગત શૈલીમાં લખાતા જીવનચરિત્રના અન્ય પુસ્તકો જેવું નથી, જેમાં નૌશાદના જુદા જુદા તબક્કાઓનું વિસ્તૃત રીતે વર્ણન કરાયું હોય. બલ્કે આ પુસ્તકમાં તેમના જીવનના શરૂઆતના વર્ષો અને ફિલ્મમાં તેમના પદાર્પણ વિશેની વાતોનો માત્ર પરિશિષ્ટમાં જ સમાવેશ કરાયો છે. વળી, ૫ મે, ૨૦૦૬ના રોજ થયેલા એમના મૃત્યુ વિશેની આખી ઘટનાને પણ માત્ર ત્રણ ફકરામાં જ આવરી લેવામાં આવી છે. રાજુએ નૌશાદના અંગત જીવનમાં ખાંખાખોળા કરવા કરતાં તેમના કાર્યકાળને વધુ પ્રાધાન્ય આપ્યું. વળી, બંધબેસતા ઉદાહરણો સાથે તેમની વાતોને સાંકળવાપુસ્તકમાં ઘણીવાર તેમણે સમયને આગળ-પાછળ પણ કર્યો છે.આ પુસ્તકમાં વિશેષ ધ્યાન તેમની શાસ્ત્રીય સંગીતના રાગોની ઉમદા આવડત પરત્વે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમના ખાસ માનવંતા કુશળ વાદકો માટે પણ એક આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. ગીતકાર શકીલ બાદયુની, મજરૂહ સુલતાનપુરી તથા મોહમ્મદ રફી, શમશાદ બેગમ અને લતા મંગેશકર જેવા ગાયકો સાથેના તેમના સંબંધો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે. નૌશાદની કવિતાઓ વિશેના લગાવને લઈએ રાજુ લખે છે કે, “નૌશાદ માટે હંમેશાં કવિતા પહેલાં આવતી અને ત્યારબાદ સંગીત આવતું. તેઓ કવિતાઓમાં સંગીત અને સંગીતમાં કવિતાઓ એ પ્રમાણે સાંકળીલેતાં કે એ બંને ક્યાં ભેગા થાય છે એ કોઈ શોધી જ ન શકે અને એ જ તેમના સંગીતને વધુ મધુર બનાવતુંહતું. આ ઉપરાંત, શકીલની કવિતાઓ અને નૌશાદનાં સંગીત એકબાજાના પરસ્પર કહી શકાય.”

જો કે આ પુસ્તકના કેટલાક અંશો દરમિયાન લેખક વાંચકોને જકડી રાખવામાં નિષ્ફળ થતાં હોવાનું અનુભવાય, છતાં તેની માહિતી અને હકીકતો ખૂબ જ રસપ્રદ છે. એક કિસ્સો ટાંકતા રામુ લખે છે કેજ્યારે એક પુસ્તકના મુખપૃષ્ઠ પર નૌશાદે લતા મંગેશકરનો ફોટો જોયો ત્યારે તેમનો ચહેરો પડી ગયો હતો અને તેથી તેમણે લતા મંગેશકરને કઈ રીતે ઉર્દુ ભાષાના વિવિધ શબ્દોના સચોટ ઉચ્ચારો, પ્રયોગો અને લયમાં બેસાડવાની રીતો સમજાવી હતી તે વિશે રાજુ સાથે વાતો કરી હતી અને ત્યારબાદ ખૂબ જ સહજતાથી તેમણે રાજુને પૂછ્યું હતું કે, “સંગીતની સમગ્ર રચના કરનારને સ્થાને માત્ર તેના એક ઈન્ટરપ્રિટરને શા માટે મુખપૃષ્ઠ પર સ્થાન આપવામાં આવ્યું?” આમ આવા અનેક સંવાદો અને કિસ્સાઓ રાજુએ ખૂબ જ સુંદરતાથી પુસ્તકમાં વીણી લીધા છે. 

નૌશાદની એ સમયના સંગીતકાર સી રામચંદ્ર સાથે બરાબરની હરીફાઈ જામી હતી અને આ વિશે પણપુસ્તકમાં ખાસી એવી માહિતી આપવામાં આવી છે. રાજુએ વર્ષ ૧૯૫૦ના પાછળના કેટલાક વર્ષોમાં શંકર-જયકિશને નૌશાદને આપેલી ચુનોતી વિશે પણ પુસ્તકમાં લખ્યું છે. વળી, શરૂઆતના વર્ષોમાં નૌશાદની પ્રિય ગાયિકા રહી ચૂકેલી શમશાદ બેગમની તેમણે લતા મંગેશકરના ઉદય સાથે તેમની પત્ની આલિયાના સૂચનને માન આપીને કઈ રીતે અવગણના કરી એ વિશે પણ રાજુએ વિસ્તૃત વર્ણન કર્યું છે. આ ઉપરાતં, સુરૈયા-દેવાનંદના પ્રેમપ્રકરણના તેઓ કેટલા તીવ્ર વિરોધી હતા તેની પણવિસ્તૃત વાતો આ પુસ્તકમાં આવરી લેવાય છે. નૌશાદ બોલિવૂડમાં તેમના સ્ટ્રગલિંગના દિવસો ક્યારેક ભૂલ્યા નહોતા. કામ માટે એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો સુધી રખડવું તથા આવકની અનિશ્ચિતતા વિશેની સતત ચિંતા એમની સ્મૃતિમાં હંમેશાં અકબંધ રહી હતી અને એટલે જ તેઓ તેમના પુત્રોને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા ઈચ્છતા હતા.

આ ઉપરાંત રાજુએ નૌશાદના તલત મહમૂદ સાથે કામ નહીં કરવાના વાસ્તવિક કારણને પણ પુસ્તકમાં વર્ણવ્યું છે. વાસ્તવમાં ઘણાં લોકો એવું માને છે કે તલત મેહમૂદે એકવાર નૌશાદની હાજરીમાં સ્મોકિંગ કર્યું હતું અને તેના કારણે નૌશાદ નારાજ થયાં હતા અને તેમની સાથે કાર્ય કરવાનું બંધ કર્યું હતું, પરંતુ હકીકત કંઈક અલગ હતી. નૌશાદ જ્યારે મુકેશ અને તલત મેહબૂબની ગાયિકી દરમિયાન કમ્પોઝિશન કરતાં ત્યારે તેઓને તેમનું સંગીત એક સીમા પૂરતું મર્યાદિત થઈ જતું હોય એવો અનુભવ થતો, પરંતુ જ્યારે તેઓ મોહમ્મ્દ રફી સાથે કામ કરતાં ત્યારેતેમને કમ્પોઝિશન માટે પૂરતી સ્વતંત્રતાનો અનુભવ થતો. આથી પોતાનું સંગીત એક સીમામાં ન બંધાય જાય એ માટે તેમણે તલત સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. આમ આવી અનેક હકીકતોને, નૌશાદ સાથે થયેલા વાસ્તવિક સંવાદોને આધારે રાજુએ આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે, જે પુસ્તકને વધુ લોકપ્રિય બનાવી રહ્યું છે. 

નૌશાદ જેવા મહાન કલાકારના જીવનચરિત્ર વિશે વાંચવું એમ પણ એક રસપ્રદ વાત છે અને જ્યારે પાંચ દાયકા સુધી તેમની સાથે સમય ગાળી ચૂકેલા કોઈ લેખકે તેમની યાદોના નિચોડને પુસ્તકમાં કંડાર્યો હોય તો તે પુસ્તક વધુ રસાળ અને જીવંત બની જાય છે. રાજુ ભરતનના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને નાની નાની વાતોની રસપ્રદ રીતે રજૂઆતને કારણે સંગીતપ્રેમીઓ તથા ખાસ કરીને નૌશાદ જેવા મહાન કલાકારના હાર્ડકોર ફેન માટે આ પુસ્તક વાંચવા માટે બિલકુલ યોગ્ય છે.

૮૨ વર્ષની વયે આપ્યું સંગીત

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં નૌશાદ અલી બેનમૂન સંગીતકારોની હરોળમાં સ્થાન પામે છે. તેમનો જન્મ અને ઉછેર ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં થયો હતો. રૂઢિચુસ્ત ઈસ્લામિક પરિવારમાં જન્મ થયો હોવા છતાં સંગીત માટેના તેમના અનહદ લગાવને કારણે તેઓ વર્ષ ૧૯૩૭માં મુંબઈ પોતાનું નસીબ અજમાવવા આવી ગયા. તેમણે વર્ષ ૧૯૪૦માં સૌપ્રથમ ફિલ્મ ‘પ્રેમ નગર’માં પોતાનું સંગીત આપ્યું, પણ ખરી સફળતા એમને વર્ષ ૧૯૪૪માં આવેલી ‘રતન’ નામની ફિલ્મથીમળઈ હતી અને ત્યારબાદ થોડાં જ વર્ષોમાં નૌશાદે હિંદી સિનેમાના સંગીતજગતમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી, જે લગભગ વર્ષો સુધી કાયમ રહી હતી. તેમની ઘણી ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી અને ડાયમંડ જ્યુબિલીનો પણ સ્વાદ ચાખ્યો હતો. અનેક ઉત્કૃષ્ટ ફિલ્મો જેવી કે ‘અંદાઝ (૧૯૪૯)’, ‘બૈજુ બાવરા (૧૯૫૨)’, ‘મધર ઈન્ડિયા (૧૯૫૭)’ તથા ‘મુઘલ-એ-આઝમ’ આજે પણ તેના બેજોડ સંગીત માટે લોકપ્રિય છે. તેમણે વર્ષ ૨૦૦૫માં ‘તાજ મહલઃ એન એટરનલ લવ સ્ટોરી’ નામની ફિલ્મમાં ૮૬ વર્ષની ઉંમરે પોતાનું સંગીત આપ્યું હતું, જે તેમની અંતિમ ફિલ્મ પુરવાર થઈ હતી. તેના એક વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૦૬માં તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. નિરંતર સારું સંગીત આપવા માટે નૌશાદની હઠ તથા જાહેરમાં લોકો સામે પોતાની એક આગવી છબી જાળવી રાખવા માટેની તેમની સલૂકાઈ અવર્ણનીય હતી અને એથી જ નૌશાદ સાથે આશરે ૫૦ વર્ષ સુધી સંપર્કમાં રહેલા રાજુ ભરતને સંગીતના આ ઉસ્તાદ વિશે કેટલીક અકથિત વાતો વર્ણવવાનું બીડું ઝડપ્યું હતું. નૌશાદને વર્ષ ૧૯૮૨માં ‘દાદાસાહેબ ફાડકે એવોર્ડ’ તથા વર્ષ ૧૯૯૨માં ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment