Wednesday, November 27, 2013

‘લેડી ઓફ ફૂડ’ની આખરી વિદાય



“જો તમારે તમારી દીકરીને પરણાવવી હોય તો તેને તરલા દલાલના ક્લાસમાં મૂકો.” વર્ષો પહેલાં આ કઠન ભારતના દરેક ઘરમાં ખૂબ પ્રસિદ્ધ થયેલું. લગભગ કોઈપણ ઘર એવું ન હશે જેમાં તરલા દલાલની રેસિપીએ સ્થાન ન લીધું હોય! ‘લેડી ઓફ ફૂડ’, ‘મોસ્ટ પોપ્યુલર કૂકવુક ઓથર’ કે પછી ‘માસ્ટરશેફ’ જેવા શબ્દોથી વારંવાર નવાજાતા તરલા દલાલ સમગ્ર ભારતના પહેલા મહિલા હતા કે જેમણે મહિલાઓના રોજીંદા કાર્યને એક ‘બિઝનેસ’નું સ્વરૂપ આપ્યું અને કૂકિંગ માટેનો લોકોનો આખો દૃષ્ટિકોણ બદલવામાં મોટી સફળતા મેળવી. 

તરલા દલાલ મહારાષ્ટ્રના અલિબાગ નજીક વર્ષ ૧૯૩૬માં થયો હતો અને નવીન દલાલ સાથે લગ્ન થયા બાદ તેઓ વર્ષ ૧૯૬૦માં મુંબઈમાં સ્થાયી થયા હતા. લગ્નના લગભગ ૬ વર્ષ પથી તેમણે મુંબઈના તેમના ઘરમાં જ કૂકરી ક્લાસીસની શરૂઆત કરી અને કૂકિંગના ક્ષેત્રમાં એક અનોખા ઈતિહાસની રચના થઈ. તેમનો આ ક્લાસ એટલો બધો પ્રસિદ્ધ થયો કે એ સમયમાં વિદ્યાર્થીઓના ‘વેઈટિંગ લિસ્ટ’ની નોંધ લેવી પડતી હતી! વળી, જ્યારે તેમણે શેફ અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું ત્યારે આ ફિલ્ડ હાલ જેટલું ગ્લેમરસ પણ નહોતું. તેમણે જે સમયે કૂકિંગ ક્લાસ શરૂ કર્યા એ સમયે સ્થાનિક કરિયાણાની દુકાનમાં ઓલિવ ઓઈલ મળવું પણ મુશ્કેલ હતું અને સફેદ તથા રેડ ગ્રેવીમાં બનાવેલા પાસ્તા પણ વિદેશી ફૂડ ગણવામાં આવતા અને એવા સમયે તેમણે કૂકિંગ ક્લાસ શરૂ કરીને ઘણી સ્ત્રીઓને પોતાના ક્લાસ માટે આકર્ષી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૪માં તેમનું પહેલું પુસ્તક ‘ધ પ્લેઝર્સ ઓફ વેજીટેરિયન કૂકિંગ’ પ્રસિદ્ધ થયું હતું અને ખૂબ ઝડપથી તે પુસ્તકે માર્કેટમાં ‘બેસ્ટ સેલર’માં સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક પ્રસિદ્ધ થતાંની સાથે તેની લગભગ ૧,૫૦,૦૦ જેટલી કોપી વેચાઈ હતી. આ ઉપરાંત, તેમણે અન્ય ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો લખ્યા છે અને હજી સુધી આશરે ૩ કરોડ કરતાં પણ વધુ કોપી વેચાઈ ચૂકી છે. આ જ કારણોસર તેમને વિશ્વના સૌથી વધુ વંચાતા પાંચ કૂકરી લેખકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું તથા તેમના પુસ્તકો ગુજરાતી, મરાથી, બંગાળી અને ડચ તથા રશિયન જેવી ભાષાઓમાં અનુવાદિત થયાં હતા. 

૯૦ના દાયકામાં જ્યારે ટેલિવિઝનનો એક નવો યુગ શરૂ થયો હતો ત્યારે તરલા દલાલના કૂકરી શોએ આ નવા માધ્યમ દ્વારા પણ ધૂમ મચાવી હતી. ટીવીની એક પ્રાઈવેટ ચેનલ પર ‘તરલા દલાલ શો’ તથા ‘કૂક ઈટ અપ વિથ તરલા દલાલ’ના નામે તેમણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. આ શો લગભગ ત્રણ વર્ષ સુધી એશિયા, ગલ્ફ, બ્રિટન અને અમેરિકામાં ટેલિકાસ્ટ થયો હતો. આ ઉપરાંત, તેમણે દ્વિમાસિક મેગેઝિન ‘કૂકિંગ એન્ડ મોર’ પણ શરૂ કર્યું હતું. તેમણે ઘણા બધા ક્યુઝિન્સ(રાંધણશૌલી)માં પોતાનો હાથ અજમાવ્યો છે, પરંતુ તેમાં ઈન્ડિયન ક્યુઝિનમાં તે સૌથી વધુ નિષ્ણાત હતા અને ખાસ કરીને ગુજરાતી ક્યુઝિનમાં તે અદ્વિતીય હતા.

આ ઉપરાતં, તેમણે ‘ટોટલ હેલ્થ સીરિઝ’ના નામથી એક આખી કૂકબુક સીરિઝની શરૂઆત પણ કરી હતી. આજે જ્યારે જમાનો ઝડપી બન્યો છે ત્યારે રેડી-ટુ-કૂકના નવા પર્યાયની શરૂઆત તેમણે કરી હતી. ‘તરલા દલાલ મિક્સીસ’ના આશરે ૧૮ જેટલા જુદા જુદા પ્રકારો તેમણે રેડી-ટુ-કૂક પેકેટ્સ દ્વારા બજારમાં મૂક્યા હતા. વળી, ઈ-યુગની શરૂઆત થતાં તેમણે ત્યાં પણ પોતાની કાર્યક્ષમતા દાખવી અને તરલા દલાલના નામથી એક વેબસાઈટ શરૂ કરી, જે ખૂબ જ ઝડપથી પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ તથા ઈટાલિયન ક્યુઝિન ધરાવતી ભારતની સૌથી મોટી ફૂડ વેબસાઈટ બની રહી. 

વર્ષ ૨૦૦૫માં ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરે તેમને ‘વિમેન ઓફ ધ યર’ના ટાઈટલથી નવાજ્યા હતા. ચેમ્બરે તરલાની કૂકિંગના ક્ષેત્રમાં અસામાન્ય પ્રગતિ તથા તેમના સાહસને બિરદાવવા આ બિરુદ તેમને આપ્યું હતું. આ ઉપરાંત, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ તેમને પૂર્વરાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલના હાથે પદ્મશ્રીનો માનવંતો એવાર્ડ પણ આપવામાં આવ્યો હતો. વળી, આ ક્ષેત્રમાં એવોર્ડ મેળવનાર તેઓ સૌથી પહેલા ભારતીય હતા.

તરલા દલાલે સ્ત્રીઓના સામાન્ય કાર્ય કઈ રીતે એક પ્રોફેશનમાં ફેરવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ ખૂબ જ સફળતાપૂર્વક આપ્યું છે. ઘણી ગૃહિણીઓ તેમની અંદરના પેશનને ઓળખઈ શકતી નથી અને જો ઓળખી લે તો તેને પ્રોફેશનમાં કઈ રીતે ઢાળવું તે જાણી શકતી નથી. જ્યારે તરલા દલાલે સમય સાથે તાલ મિલાવી દરેક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની કળાને વધુ ને વધુ નિખારી હતી અને આથી જ દરેક ગૃહિણીઓ માટે તે એક આદર્શ પુરવાર થયા છે. તેમને ‘વુમન એમ્પાવરમેમેન્ટ’ના સંકેત તરીકે ઓળખવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી. 

તેમની કારકિર્દી જેટલી સમૃદ્ધ છે, તેટલું જ તેમનું પારિવારિક જીવન પણ સમૃદ્ધ હતું. તેમના પતિનું વર્ષ ૨૦૦૫માં મૃત્યુ થયા બાદ તેઓ મુંબઈમાં તેમના દીકરા સાથે સ્થાયી થયા હતા, પરંતુ હાલમાં જ૭૭ વર્ષની વયે ૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું અને આખા દેશમાં એક ગમગીન માહોલ છવાય ગયો હતો. તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા જ તેઓ પુણે તેમના પુત્ર દીપકના ઘરે રોકાય હતા અને તેમની યાદોને વાગોળતા દીપકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “પોતાની કારકિર્દીમાં અનેક શિખરો સર કરવાની સાથે તેમણે કદી પરિવારને અન્યાય નથી કર્યો. તેમણે ઘરના કાર્યોને ક્યારેય અવગણ્યા નથી.”

તરલા દલાલના જીવનના અંતિમ દિવસો તેમના પૌત્રો સાથે સમય વીતાવવાનું વધુ પસંદ કરતા હતા.

No comments:

Post a Comment