Monday, November 11, 2013

વિશ્વની દમદાર મહિલાઓના અવાજોનો પડઘો ઝીલાયો



સમયઃ ડિસેમ્બર, ૨૦૧૨, સ્થળઃ દિલ્હી

અંધારી રાતે એક બસમાં એક મેડિકલ સ્ટુડન્ટ સાથે ક્રૂરતાપૂર્વક અમાનવીય વર્તન આચરવામાં આવે છે અને તેના મિત્રને પણ ઢોર માર મારવામાં આવે છે. છોકરીની સ્થિતિ એટલી ગંભીર થાય છે કે આ ઘટનાના થોડા દિવસ સુધી તો તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોય છે અને અંતે તેનું કરૂણ મોત થાય છે. આ વાત હવે લગભગ એક વર્ષ જેટલી ‘જૂની’ થઈ ગઈ છે અને આપણે પણ આવી ઘટનાઓથી ઘણાંખરાં અંશે ટેવાઈ ચૂક્યા છીએ, પણ ત્યારે જ પ્રશ્ન થાય કે આપણા જીવનમાં ક્યારેક આ સ્થિતિ સર્જાશે ત્યારે પણ શું આપણો આ સમાજ મીણબત્તીકૂચ કરીને તથા ન્યૂઝ ચેનલો એક બે ડિબેટનું સંચાલન કરીને નવી ‘મેટર’ની શોધમાં પડી જશે કે પછી આપણને ન્યાય આપવા કોઈ ‘કૃષ્ણ’ અવતારની રાહ જોવી પડશે?

અને આ સ્થિતિ ભારત જેવા એશિયાના માત્ર પછાત દેશોની નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ કંઈક અંશે અસલામતી અનુભવતી હોય છે. આજે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી મહિલાઓ અવકાશ સુધી પહોંચી ગઈ છે, ત્યારે હજીય સ્ત્રીની ક્ષમતા અને બુદ્ધિશક્તિને પુરુષો સાથે સરખાવવામાં આવે છે અને તેની સાથે જ જાતીય ભેદભાવોનું પ્રમાણ વધે છે. આથી જ બ્રિટનના સૌથી મોટા બ્રોડકાસ્ટિંગ હાઉસ ‘બીબીસી’એ એક અનોખા પ્રોગ્રામની શરૂઆત કરી, જે ‘૧૦૦ વુમન સિઝન’ના નામથી ઓળખાયો. આ પ્રોગ્રામનો હેતુ સ્ત્રીઓને એકબીજાના વિચારો અને સમજની આપ-લે કરવા પૂરતો સમય અને અવકાશ આપવાનો હતો. વાસ્તવમાં બીબીસીએ ૭ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ ‘૧૦૦ વુમન સિઝન’ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો અને તેની પૂર્ણાહુતિના ભાગરૂપે ૨૫મી ઓક્ટોબરે બીબીસીના લંડન હેડક્વોટર્સ ખાતે એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં દુનિયાની ૭૦ દેશોની ૧૦૦ સર્વશ્રેષ્ઠ મહિલાઓએ ડિબેટ તથા ઓપન ડિસ્કસન કર્યું હતું. 

આ મહિલાઓની પસંદગી તેમની લોકપ્રિયતાને આધારે ન કરતાં જીવનમાં વાસ્તવિક અનુભવોને વધુ પ્રાધાન્ય આપીને કરવામાં આવી હતી, જેમાંરાજકરણી, વકીલ, બિઝનેસવુમન, સામાજિક કાર્યકરો, લેખિકાઓ, સંગીતકાર, એક્ટર્સ, સ્પોર્ટ્સપર્સન અને કોમેડિયનોનો પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વળી, આ કોન્ફરન્સમાં કેનિયાની ૨૦ વર્ષની એક યુવાન મહિલા જોઈસ ઓકા અરુગા જેવા તદ્દન નવા ચહેરાને પણ સ્થાન અપાયું હતું. વાસ્તવમાં જોઈસે તેના પિતાના મૃત્યુ બાદ તેના ભાઈ-બહેનોને ઉછેરવા માટે ઘરકામ કરવા જવું પડતું હતું અને તેને લીધે તેણે અભ્યાસ પણ છોડવો પડ્યો હતો. જોકે બીબીસીની આ પહેલથી તેને શૈક્ષણિક તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક મહિલાઓ પોતાના સ્વનિરીક્ષણ માટે તથા દુનિયાભરના કેટલાક ચિંતાજનક મુદ્દાઓ વિશે વાતચીત કરવા બીબીસીના આ મંચ પર હાજર થઈ હતી. 

કોન્ફરન્સની શરૂઆત મલાલા યુસુફઝાઈ પર ફિલ્માવાયેલી એક ડોક્યુમેન્ટરીથી કરવામાં આવી હતી. કોન્ફરન્સને શરૂ કરતાં ફિયોના ક્રેકે જણાવ્યું હતું કે, “આ આખા પ્રોજેક્ટનું મૂળ ભારતમાં છે. નવી દિલ્હીની ઘટના પછી સ્ત્રીઓના હકોને લઈને એક નવી ડિબેટની શરૂઆત થઈ.”આ આખી કોન્ફરન્સ મુખ્ય ચાર ડિબેટની એક થીમ પર યોજવામાં આવી હતી. પહેલી ડિબેટ આપણી આસપાસ રોજિંદા જીવનમાં ઘટી રહેલી ઘટનાઓ તથા મુખ્ય સમાચારોને આધારિત રાખવામાં આવી હતી, જેને ‘ન્યુઝ ઓફ ધ ડે’નામ આપવામાં આવ્યું હતું. આ ડિબેટમાં ૧૦૦ મહિલાઓએ ત્રણ વિષયો જેવા કે, ફોન ટેપિંગ, સીરિયાની કટોકટી અને તેની મહિલાઓ પર અસર તથાવણઝારા સમાજ પ્રત્યે દાખવાતા ભેદભાવને પ્રાધાન્ય આપ્યું હતું. બીજી ડિબેટનું ‘ધ બિગ આઈડિયા’ તરીકે સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં છ મહિલાઓએ સ્ત્રીઓ કઈ રીતે પોતાના જીવનધોરણને સુધારી શકે એ વિશે કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું. આ ડિબેટમાં સેન્ટ્રલ અમેરિકાના ગૌટમાલા શહેરની એટર્ની જનરલ ક્લોડિયા પેઝ-ઈ-પેઝ એ ઘરેલું હિંસા આચરનારાઓ માટે કાયદાકીય પ્રક્રિયા વધુ સખત કરવાની ભલામણ કરી હતી અને ત્યાં ઉપસ્થિત ૨૪ ટકા જેટલી સ્ત્રીઓએ આ વાત માટે સમર્થન આપ્યું હતું. આ ડિબેટમાં બ્રિટનની એક વકીલ, અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર, ઓપન સોસાયટી ફાઉન્ડેશનની સિનિયર એડવાયઝર, ટીવી પ્રેઝન્ટેટર તથા લેખિકા અને સામાજિક કાર્યકરે પણ અલગ અલગ વિષયોને આવરી લઈ અર્થપૂર્ણ ડિબેટ કરી હતી. 

કોન્ફરન્સની ત્રીજી ડિબેટ થીમમાં મહિલાઓને એક રસપ્રદ વિષય આપવામાં આવ્યો હતો, જે પૈકી ચાર મહિલાઓ જુદા જુદા ધર્મ સાથે સંકળાયેલી હતી, જ્યારે એક મહિલા સ્ટેન્ડ અપ કોમેડિયન કે જે નાસ્તિકવાદમાં માનનારી હતી તેમની વચ્ચે એક દમદાર ડિબેટ યોજવામાં આવી હતી. બ્રિટનની સ્ટેન્ડ અપ કોમેડિયન કેટ સ્મુર્થવાઈટનું માનવું છે કેદરેક ધર્મના ઈતિહાસમાં ક્યાંક ને ક્યાંકસ્ત્રીઓ પ્રત્યે ઊંડો દ્વેષભાવ સીધી કે આડકતરી રીતે રાખવામાં આવ્યો છે. સ્ત્રીનું માન સન્માન દુભાયુ હોય એવા ઘણાં કિસ્સાઓ દુનિયાના વિવિધ ધર્મના પવિત્ર ગ્રંથોમાં પણ પંકાયેલા છે અને તેને આધારે કેટ સ્મુર્થવાઈટે ‘શું વિશ્વાસ અને નારીવાદ સહઅસ્તિત્વ ધરાવે છે?’ના વિષય આધારિત કેટલાક મહત્ત્વના મુદ્દા લોકો સમક્ષ મૂક્યા હતા. તેની સામે રોઝ નામની મહિલા પાદરીએ પોતાના અનુભવોને આધારે જ કેટના ચર્ચાયેલા મુદ્દાઓનો જવાબ આપવા કહ્યું હતું કે, “આત્મવિશ્વાસ એ કોઈપણ સ્ત્રીને સ્વતંત્રતા અપાવે છે. અલબત્ત, તેના વિશ્વાસમાં ક્યારેક અન્ય સ્ત્રી પ્રત્યેની દ્વેષ ભાવના આડે આવી જતી હોય છે, પણ એ સમગ્ર રીતે સ્ત્રીને વ્યાખ્યાયિત કરતી નથી.” રોઝ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમના કહેવા પ્રમાણે તેમણે ઈશ્વરને અનુભવ્યા છે અને આજે તેમનું અસ્તિત્વને તેમને જ આભારી છે. આથી દુનિયામાં પુરુષોનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ સ્ત્રીઓનું પણ છે અને તેથી જ આત્મવિશ્વાસ અને નારીવાદ સહઅસ્તિત્વ ધરાવે છે. રોઝના આ વિચારોને ત્યાં બેઠેલી મહિલાઓ પૈકી ૭૮ ટકા મહિલાઓએ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત અન્ય એક મહિલા પાદરીએ ચર્ચમાં ચાલતી પેઢી દર પેઢીની શાસન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટેના પોતાના પ્રયત્નો વિશે પણ લોકોને જણાવ્યું હતું. આ કોન્ફરન્સની ડિબેટનો ચોથો થીમ સ્ત્રીના માતૃત્વને આધારે રાખવામાં આવ્યો હતો. માતૃત્વ એ કોઈપણ સ્ત્રી માટે એક આશીર્વાદ સમાન બાબત છે, પણ શું એ જ આશીર્વાદ સ્ત્રીને પુરુષ સમોવડી થવામાં અવરોધરૂપ બને છે? આ વિષય આધારિત પણ એક ખાસ ડિબેટ યોજવામાં આવી હતી. આ સમગ્ર ડિબેટમાં કોલમ્બિયન રાજકરણી ઈન્ગ્રીડ બેટનકોર્ટે પોતાના અનુભવોને વાગોળીને ત્યાં ઉપસ્થિત સૌને લાગણીશીલ કરી મૂક્યા હતા. ઈન્ગ્રીડ તેના બાળકોના બાળપણના ઘણાં વર્ષો સુધી એમનાથી દૂર રહી હતી. જંગલમાં ગેરિલાઓ (નાનાં નાનાં અલગ અલગ જૂથોએ છૂપાઈને અનિયમિતપણે ચલાવેલા યુદ્ધનો સિપાઇઓ)એ તેમનું અપહરણ કરી વર્ષો સુધી પોતાના ઘર-પરિવારથી દૂર રાખ્યા હતા અને તેને કારણે જ ઈન્ગ્રીડ પોતાના બાળકોના મહત્ત્વના દિવસોમાં તેમની સાથે રહી શક્યા નહોતા. ઈન્ગ્રીડના મત પ્રમાણે માતૃત્વ એ દરેક સ્ત્રીના સર્વશ્રેષ્ઠ પાસાંઓને બહાર લાવે છે અને તેથી જ તેનું મહત્ત્વ ઘણું વધારે આંકવામાં આવે છે. વળી, બ્રિટનની પોલિટિકલ એક્ટિવિસ્ટે ડેબોરાહ હોપકિન્સે માતૃત્વની ડિબેટમાં સિંગલ પેરેન્ટના મુદ્દાને મહત્ત્વ આપ્યું હતું. 

આ ઉપરાંત, ‘યુરોપિયન બેન્ક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવેલોપમેન્ટ’ના ચીફ કાઉન્સેલર મિશેલા બર્ગમેને આજની મહિલાઓને કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ દ્વારા થતી સમસ્યાઓને વર્ણવતાં કહ્યું હતું કે, “આજની મહિલાઓ માટે માત્ર ‘ગ્લાસ સિલિંગ’ જ નહીં, પણ આજુબાજુ ગ્લાસ વોલ પણ બની રહી છે.” વાસ્તવમાં ‘ગ્લાસ સિલિંગ’એ એક રાજકીય શબ્દ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ અને અનેક અલ્પસંખ્યકો માટે કોર્પોરેટ વિશ્વમાં તેમના ભણતર અને અનુભવોની અવગણના કરીને આગળ પ્રગતિ સાધવા માટે કેટલાક અવરોધ ઊભા કરવામાં આવતા હોય છે, જેને ‘ગ્લાસ સિલિંગ’ તરીકે ઓળખાય છે, પરંતુ મિશેલા પ્રમાણે તો આ અવરોધકો હવે એટલા વધી ગયા છે કે તેઓ લગભગ બધી જ બાજુએથી ઘેરાઈ ચુક્યા છે. આથી સ્ત્રીઓ પોતાની કારકિર્દીમાં ઊંચાઈઓ સર કરી શકતી નથી.

આ આખી કોન્ફરન્સનો હેતુ વિશ્વભરની મહિલાઓને રોજીંદા જીવનમાં ભોગવવી પડતી યાતનાઓથી મુક્ત કરવા તથા કેટલાક વાસ્તવિક કિસ્સાઓના આધારે પોતાના જીવનની નવી શરૂઆત કરવા પ્રેરક બળ પૂરું પાડવાનો હતો અને તેથી જ બહુ જાણીતી અને ચર્ચિત મહિલાઓને આ કોન્ફરન્સમાં સ્થાન આપવાને બદલે સામાન્ય હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી બજાવતી કે પછી જીવનના કપરા સમયમાં પોતાની મર્યાદા કરતાં વધુ સંયમ અને હિંમત દાખવનારી મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી.

 બીબીસીની સિનિયર એડિટર રૂપા અને હોસ્ટ રૂપા ઝા
ભારતની મહિલાઓનો પણ સમાવેશ કરાયો

બીબીસીની આ ‘૧૦૦ વુમન સિઝન’ કોન્ફરન્સમાં ભારતની ત્રણ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ કોમેડિયન અદિતી મિત્તલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર દિવ્યા શર્મા તથા અન્ય એક એન્જિનિયર આઈરિના ચક્રબોર્તીનો પણ સમાવેશ કરવામાં આવ્યોહતો. આઈરિના ચક્રબોર્તીએ આ કોન્ફરન્સમાં મહિલાઓની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, “ભારતમાં યુવતીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું ઘણું મુશ્કેલ છે, કારણ કે તેમના જ્ઞાનને પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઉપયોગમાં લેવાને બદલે બાળકોના હોમવર્કમાં ઉપયોગ કરવામાં આવે છે.” સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે આ આખા કાર્યક્રમનુંસંચાલન કરનાર બીબીસીની સિનિયર એડિટર રૂપા ઝા પણ એક ભારતીય મહિલા જ છે અને તેમણે કોન્ફરન્સમાં આવેલી મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે “અમે દુનિયાની ખૂબ શક્તિશાળી ૧૦૦ મહિલાઓને ભેગી કરવા ઈચ્છતા નહોતા. અહીં ઉપસ્થિત મહિલાઓ એવી છે, જેમણે તેમની મર્યાદાની સીમાને વિસ્તારીને દુનિયાભરની મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું છે.”


12 નવેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment