Saturday, August 17, 2013

શું ગુજરાતી સાહિત્ય યુવાનોમાંથી વિલીન થઇ રહ્યું છે?





“બેટા, ‘એપલ’ ખાધું?”,”આજે નહીં બેટા, આપણે એ કાલે ‘બાય’ કરીશું.” આજકાલ દરેક મોર્ડન મમ્મીઓ પોતાના દીકરા-દીકરીઓને અંગ્રેજી ભાષાથી સુપરિચિત કરાવવા ગુજરાતી ભાષામાં એક બે અંગ્રેજી શબ્દોની સેન્ડવિચ તો કરી જ લેતી હોય છે. પ્રસ્તુત લેખમાં પણ યુવામિત્રોએ આપેલા વિચારોમાં આ પ્રકારના અંગ્રેજી શબ્દો અચૂક ઉપયોગમાં લેવાયા હશે! અહીં પ્રશ્ન આ શબ્દોના ઉપયોગનો નથી, પરંતુ આજે ગુજરાતી ભાષા અને એને લીધે ગુજરાતી સાહિત્યમાં જે અવનતિ આવી છે એ એક ચિંતાજનક બાબત છે. એવું નથી કે આજનો યુવાન વાંચવા માટે જ તૈયાર નથી. આજે ડેન બ્રાઉનથી લઈને સિડની શેલ્ડન સુધીના અંગ્રેજી લેખકો ભરપૂર માત્રામાં વંચાય જ છે, ત્યારે ગુજરાતી ભાષાની અવગણના અને ગુજરાતી સાહિત્યનું યુવાવર્ગ પ્રત્યેનું વલણ આશ્ચર્ય પમાડે એવું છે. આથી ચાલો જે જૂજ લોકો હજી પણ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છે એવા યુવાનો પાસે આ વિષેના કારણો અને ઉપાયો જાણીએ!

 હાલમાં એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને એમ.બી.એ.ની એન્ટ્રન્સ ટેસ્ટ માટે તૈયારી કરી રહેલ નિરાલી ધૂમ કહે છે કે આજે જમાનાની સાથે ચાલવાનો દોર છે. જો આપણે જમાના પ્રમાણે ન ચાલીએ તો ક્યાં ફેંકાય જઈએ એની આપણને પણ ખબર ન રહે અને હવે હાયર એજ્યુકેશનમાં અંગ્રેજી ભાષાની જરૂરિયાત તથા ડગલે ને પગલે અંગ્રેજી ભાષા પરના પ્રભુત્ત્વનું વધતું જતું મહત્ત્વ, ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટાડે છે. દરેક માતા-પિતા પોતાના બાળકને ‘સ્માર્ટ’ બનાવવા અંગ્રેજી શાળામાં દાખલ કરવા ઉત્સુક હોય છે. હું અંગ્રેજી ભાષાની વિરુદ્ધ નથી, આજે જો કોઈ પણ બાળકે ઉચ્ચતમ વિકાસ સાધવો હોય તો અંગ્રેજી ભાષા આવશ્યક છે જ, પરંતુ એ સાથે આપણી માતૃભાષાના વારસાને વિસરી જવું એ વાત સાથે હું સહેમત નથી. વળી, હવે તો એક નવી જ વિચારસરણીએ જન્મ લીધો છે. પોતાની માતૃભાષા એવી ગુજરાતીમાં જાહેરમાં વાત કરવાથી કે પછી ગુજરાતી ન્યુઝ પેપર વાંચવાથી યુવાનોને પોતાનું ‘સ્ટાન્ડર્ડ નીચું લાગવા લાગે છે. આવી મિથ્ય વિચારસરણીને દૂર કરવા તથા ગુજરાતી ભાષાને ફરી સમૃદ્ધ કરવા આજના યુવાનોને જ કમર કસવી પડશે. આજના જમાનાના ગુજરાતી લેખકોની વાત કરું તો શિશિર રામાવત, સંજીવ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા ઘણા ઉમદા નવલકથાકારો છે જે યુવાવર્ગને ધ્યાનમાં રાખીને એમની કથાઓ લખતા હોય છે અને તેથી જ ગુજરાતી ભાષાના આ લેખકો પણ ચેતન ભગત સાથે આજે વંચાતા થયા છે. હું તો માનું છું કે દરેક યુવાનોએ એમની નવલકથાઓને એક વાર તો વાંચવી જ જોઈએ. એમના વિચારો અને લેખનશૈલી ઘણે અંશે આપણને એમની કથા સાથે સાંકળે છે, જેથી એક વાંચક તરીકે એ આપણને જકડી રાખે છે. જો યુવાનો આ રીતે પણ ભાષા સાથે જોડાશે તો ગુજરાતી ભાષાનું જે સમૃદ્ધ સાહિત્ય છે એ ફરી મહેકતું થશે. વળી, ચિત્રલેખા, અભિયાન જેવા સાપ્તાહિકો તાજેતરની બધી ઘટનાઓ, નવલકથાઓ, જાણવા જેવી અનેક બાબતો સાથે હજી પણ ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવામાં સફળ નીવડ્યા છે અને એથી જ એ આશાનું એક કિરણ બની રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી બાળકો અને યુવાનોમાં બદલાવ શાળાકીય અભ્યાસ દરમિયાન જ વધુ આવતા હોય છે. આથી શાળામાં ગુજરાતીને માત્ર એક ભાષા તરીકે નહીં, પરંતુ આપણી સંસ્કૃતિનું એક અદભુત પાસું છે એ રીતે વિધાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ. આપણે એવું એક વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી યુવાનો શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મને જેટલું માણે છે એટલા જ ઉત્સાહથી ગુજરાતી નાટકોને પણ માણી શકે! હજી પણ સમય હાથમાંથી સરક્યો નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યને ફરી ઉજાગર કરી શકાય એવી સંભાવના જીવંત છે, જરૂર છે માત્ર જાગૃતિની! ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ, અશ્વિની ભટ્ટ, કવિ નર્મદ આપણા ગુજરાતી સાહિત્યને કેટકેટલીય અમૂલ્ય કૃતિઓ આપી ગયા છે. હવે માત્ર આપણે એ કૃતિઓ યુવાવાર્ગો સુધી પહોંચાડવાની જરૂર છે અને મને ખાતરી છે જો એક વાર યુવાનો એમને વાંચતા થશે તો પછી તેઓ કદી પાછું વળીને જોશે નહીં!

તો વળી, પ્રખ્યાત નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિન્યરિંગનો અભ્યાસ હાલમાં જ પૂર્ણ કરનાર હેત્વી વશી કહે છે કે જ્યારે મને ગુજરાતી સાહિત્ય વિષે વાત કરવા કીધું ત્યારે મને ખુશી તો ખૂબ જ થઇ. કારણ કે એ આપણા સૌની માતૃભાષા છે! પણ જ્યારે ખરેખર લખવા બેઠી ત્યારે થોડું અઘરું પણ લાગ્યું. તમને સવાલ થશે કે કેમ? સાચું કહું તો એનો જવાબ શોધતા મને પણ ખૂબ જ વાર લાગી હતી, પરતું ઘણું ખરું વિચાર્યા પછી મને કેટલાક તારણો મળ્યા જે તમારી સાથે શેર કરું છું. ગુજરાતી સાહિત્યનું યુવા વર્ગમાંથી વિલીન થઇ જવાનું એક સીધું અને સ્પષ્ટ કારણ મને 21st સેન્ચ્યુરી લાગે છે. હા, જેને આપણે ૨૧મી સદી પણ કહીએ છીએ. પણ આજકાલ અંગ્રેજી શબ્દોને આ જ પ્રમાણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરવાનો નવો દોર શરુ થયો છે! ખેર, ૨૧મી સદીની વાત કરીએ તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીની સદી! પરંતુ આ સદી તો પશ્ચિમી દેશોની ભેટ છે. આ આખું કલ્ચર તેમણે ઉભું કર્યું એટલે આજે આપણે જે પણ વસ્તુ ભોગવીએ છીએ એ બધી ‘વેસ્ટર્નાઈઝ’ છે અને એ સાથે જ અંગ્રેજી ભાષાનું મહત્ત્વ પણ વધ્યું. આજે જો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાને એક ત્રાજવામાં તોલીએ તો નિઃશંકપણે અંગ્રેજી ભાષાનું પલ્લું વધારે ભારી થાય. વળી, ગુજરાતી એ સ્થાનિક ભાષા છે, એટલે કે માત્ર ગુજરાત પુરતી જ સીમિત ગણાવી શકાય, જે મારી દ્રષ્ટિએ યુવાવાર્ગમાંથી ગુજરાતી સાહિત્યનું મહત્ત્વ ઓછું થવાનું બીજું કારણ ગણાવી શકાય. જ્યારે અંગ્રેજી એ એક વૈશ્વિક સ્તરની ભાષા છે અને જ્યારે એક ગુજરાતી આ સ્પર્ધાત્મક યુગમાં પોતાની કારકિર્દી ઘડવા આખી દુનિયા સાથે હોડમાં ઉતરે છે ત્યારે એ અંગ્રેજી ભાષા અને એના સાહિત્ય પ્રત્યે આકર્ષાવાનો જ! હવે આ પરિસ્થિતિમાં આપણે યુવાનનોને દોષી ઠેરવીએ એના કરતા સમયની માંગને વધુ દોષિત ઠેરવીએ તો એ વ્યાજબી ગણી શકાય. આ તો થઈ અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના નબળા પડવાના કારણો, પરંતુ જો હિન્દી ભાષા વિષે વાત કરીએ તો, આખું બોલિવૂડ હિન્દી ભાષાના પાયામાંથી ઉભું થયું છે. હિન્દી ફિલ્મો, સંગીત અને ગીતો આપણે મન ભરીને માણતા હોઈએ છીએ. જ્યારે એની સામે ગુજરાતી ફિલ્મો અને સંગીત તો કોઈ અંધારી ગલીમાં ગૂમ થયેલા હોય એવા જ લાગે છે. આથી જો ફિલ્મક્ષેત્રે પણ થોડી ઘણી જાગૃતતા અને જરૂરી સુધારાઓ કરવામાં આવે તો યુવાવર્ગ કદાચ આ માધ્યમથીય ગુજરાતી સાહિત્યમાં રસ લેતો થાય! વળી, ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખકોને માત્ર પુસ્તકો સુધી માર્યાદિત ન રાખતા ફેસબુક, ટ્વીટર, માયસ્પેસ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જીવંત કરીએ તો પણ આજનો યુવાવર્ગ વધુ રસ લેતો થઇ શકે! એમના પુસ્તકોને ઈ-બુક સ્વરૂપે જો પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો મને ખાતરી છે કે કવિ નર્મદ, દલપતરામ, કાકા કાલેલકર, શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકારોનો યુગ ફરી આવશે! 

આર્ટિકલ "મારું ઘર" સાપ્તાહિકમાં પબ્લિશ થયો છે.

No comments:

Post a Comment