Friday, August 9, 2013

એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે....




અવુલ પકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ જે સામાન્ય રીતે ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નામે જાણીતા છે, તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧માં તમિલનાડુરાજ્યના રામેશ્વરમમાં થયો હતો. તેમણે સેન્ટ જોસેફ કોલેજમાંથી ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.) માંથી એરોસ્પેસ એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા અનેક એવોર્ડ્સથી નવાજાયેલા અબ્દુલ કલામ આજના યુવાનોની સાથે રહી તેમના સ્વપ્નોને સાકાર કરવા માટે બળ આપવાનું કાર્ય કરે છે. 'મિસાઈલ મેન' તરીકે જાણીતા કલામ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા પર પણ રહી ચુક્યા છે. અબ્દુલ કલામે તેમની આત્મકથા 'વિંગ્સ ઓફ ફાયર', ઉપરાંત 'ઇન્ડિયા ૨૦૨૦' અને 'ઇગ્નાઈટેડ માઈન્ડ' જેવા અનેક પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા છે. હાલમાં જ તેમની એક ચળવળના ભાગરૂપે તેઓ 'ઇગ્નાઈટેડ માઈન્ડ: ધ પાવર' વિષય પર તેમના વિચારો આપવા સુરતની એક શાળાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથેની ખાસ મુલાકાતમાં થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

તમારૂ વિજ્ઞાની બનવા માટેનું પ્રેરકબળ કયું?
મારા વિજ્ઞાની બનવા પાછળ એક શિક્ષક જવાબદાર છે. જ્યારે મારા એક શિક્ષકબોર્ડ પર પક્ષી કઈ રીતે ઉડે એ સમજાવતા હતાઅને જે રીતે સમજાવતા હતા, હું મુગ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ તેમણે મને દરિયાકિનારે લઇ જઈ પક્ષીઓને ઉડતા બતાવ્યા. આ બે ઘટનાઓએ મારા મનમાં ઉડ્ડયનને લગતું કંઇક કરવાની પ્રેરણા આપી અને હું વિજ્ઞાની બન્યો.

યુવાપેઢીને મળવા માટે તમે વર્ષ ૧૯૯૯માં 'સાયન્ટિફિક એડવાઈઝર'નાપદેથી રાજીનામું આપ્યું. આ ચળવળનો હેતુ શું હતો અને દેશના યુવાનો પર તેની અસર શું થઇ?
છેલ્લા ૧૨ વર્ષોમાં હું ૧૫ મિલિયન વિદ્યાર્થીઓને મળ્યો છું અને આ વિદ્યાર્થીઓ માત્ર કોઈ એક નિશ્ચિત પ્રદેશના નહીં, પરંતુ સમગ્ર દેશના છે. મેં તેમના સ્વપ્નોને જોયા છે, જાણ્યા છે અને મારું કાર્ય તેમને વિશ્વાસ આપવાનો છે. "તમે મહાન બની શકો છો. તમે અદ્વિતીય છો." આ શબ્દોથી તેમનામાં સફળતાના શિખરે પહોંચી શકવાની આશા જન્માવવાનું અને આ જ વિશ્વાસ અને સ્વપ્નાઓને વિદ્યાર્થીઓમાં પહોંચાડવાનું કાર્ય હું કરું છું.

તમે આટલા યુવાનોને મળો છો. તમને ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?
મારી દ્રષ્ટિએ યુવાનો સમૃદ્ધ અને સ્વસ્થ સમાજમાં રહેવા માગે છે. તેઓ દેશને વિકસતો જોવા માગે છે અને આ વિકાસમાં સહભાગી બનવા માગે છે. તેમણે જીવંત વાતાવરણમાં ઉછરવું છે અને તેમણે પણ દેશની સમૃદ્ધિને વધારવી છે.

યુવાનો માટે તમે 'વ્હોટ કેન આઈ ગિવ મુવમેન્ટ' મિશન શરૂ કર્યું હતું. આ મિશનથી સમાજમાં શું અસર થઇ?
૧૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમે આ મિશનની શરૂઆત કરી અને તેનો એકમાત્ર હેતુ યુવાનોને કશુંક 'આપવાનો' હતો. જ્યારે પણ હું આ મિશન વિશે કશે પણ વાત કરું છું ત્યારે ત્રણ મહત્ત્વના સંદેશાઓ રજૂ કરું છું:૧.આ મિશન શાળાઓ અને કોલેજોના વિધાર્થીઓ તથા આજના યુવાનોના આત્મબળ અને સ્વયમસંચાલનથી ચાલતું મિશન છે. ૨. આ મિશનમાં કશે પણ પૈસાનો વ્યવહાર સમાવિષ્ટ નથી. આ માત્ર યુવાનોને પ્રેરવા માટેની વિનામૂલ્ય સેવા છે જેમાં યુવાનોને એકબીજાને તથા તેમની આસપાસની કમ્યુનિટીને કંઇક આપવાનો સંદેશો મળે.૩. અને આ માટે નેતૃત્ત્વ કરવાની આવડત તેમનામાં જાતે જ ઉદભવે છે. દૂર બેઠેલા કોઈ નેતાઓ આમાં સામેલ નથી.

આજના યુવાનોને તમે સ્વપ્નો જોવા પ્રેરણા આપો છો, પરંતુ તેમનું વિઝન ઝાંખું છે. તેમની ઈચ્છા પ્રમાણે તેઓ સ્વપ્નો જોઈ નથી શકતા. તો યુવાનો કઈ રીતે વિકાસમાં મદદરૂપ થઇ શકે?
વાસ્તવમાં બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નોથી જીવનમાં આગળ વધે છે. માતા-પિતાએ તેમના બાળકોના ભવિષ્યને સુંદર આકાર આપવો હોય છે અને આથી જ ૯૦% બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નાઓ સાથે જીવતા હોય છે અને ઘણીવાર બાળકોના અને માતા પિતાના વિચારો વચ્ચે સંઘર્ષનો પણ જન્મ થાય છે. બાળકો માટેની માતા-પિતાની લાગણીઓ ઉત્તમ જ હોય છે, પરંતુ હું અંગત રીતે માનું છું કે હવે સમય આવી ગયો છે કે બાળકો પોતાના સ્વપ્નાઓને જીવે. બાળકોએ માતા પિતાને પોતાના રસ અને આવડત અંગે વિશ્વાસ અપાવવો જોઈએ અને એ અરસપરસના પ્રેમ અને હૂંફથી જ શક્ય બને છે.

આપણી શિક્ષણપ્રથા વિશે તમારું શું માનવું છે તથા આપણા દેશમાં યુવાન વિજ્ઞાનીઓ માટે સંશોધનોની  કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
ઉચ્ચતર અભ્યાસની ગુણવત્તા સુધારવા આપણે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાના શિક્ષણને સુધારવું જોઈએ. પ્રાથમિક શિક્ષણના સુધારા માટે આપણી પાસે ફરજીયાતપણે સર્જનાત્મક શિક્ષકો, સર્જનાત્મક અભ્યાસક્રમ અને સર્જનાત્મક વર્ગખંડો હોવા જરૂરી છે.

તમારું એક પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં તમે ભારતને જ્ઞાનક્ષેત્રે સુપરપાવર તરીકે કલ્પ્યું છે અને આપણો દેશ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાય એવું સ્વપ્ન પણ જોયું છે, પરંતુ આજની વાસ્તવિકતાને જોતા શું એ શક્ય લાગે છે?
મારુ ધ્યેય સુપર પાવર કરતા આર્થિક રીતે સમૃદ્ધ દેશ બનવાનું છે, જે નિરક્ષરતા અને ગરીબીથી મુક્ત હોય. વર્ષ ૨૦૦૮ સુધી આપણી પ્રગતિ વ્યવસ્થિતપણે ચાલી રહી હતી, પરંતુ ત્યારબાદ તેમાં કેટલીક અડચણો આવી છે. આમ છતાં, આપણી પાસે હજી બીજા સાત વર્ષો બાકી છે અને તે દરમિયાન પણ ઘણા પડકારો આપણી સમક્ષ ઉભા થઇ શકે છે. આપણે હવે પછીના સાત વર્ષોમાં આપણો જી.ડી.પી. ગ્રોથ ૧૦% જેટલો મેળવવા માટે પ્રયાસ કરવાનો છે. મારા મત પ્રમાણે આ ગ્રોથ રેટ હાંસલ કરવા આપણે આર્થિક દ્રષ્ટિએ જરૂરી એવા ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં કામ કરવાનું છે. જેમાં PURA (પ્રોવિઝન ઓફ અર્બન એમેનિટીઝ ઇન રૂરલ એરિયા- ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓની જોગવાઈ), નાના દરજ્જાના ઉદ્યોગો અને કૃષિક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ત્રણેય ક્ષેત્રો આર્થિક વિકાસ માટે મહત્ત્વના છે અને 'આપણે એ કરી શકીશું' એવા આત્મબળથી ઘણો મોટો સુધારો થઇ શકે છે. 

તમે 'સ્પેસ બેઝ્ડ સોલર પાવર'ના મજબૂત સમર્થક છો. વર્ષ ૨૦૧૨માં ચીન સાથે પણ સોલર પાવર સેટેલાઈટના સામૂહિક વિકાસ માટેની વાટાઘાટો થઇ હતી. આ વિશે થોડી માહિતી આપી શકો?
હાલની સોલર સિસ્ટમથી આપણે દિવસ દરમિયાન ૬થી ૮ કલાક સુધી સૌરઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ જો આ ટેકનોલોજી અવકાશમાં વિકસાવીએ તો ચોવીસ કલાક સૌરઉર્જા મેળવી શકાય. આ એક ખૂબ જ જટિલ મિશન છે, જેમાં અવકાશ ક્ષેત્રે કાર્યરત તમામ દેશોના સહકાર અને જ્ઞાનની જરૂરિયાત છે. આ સમગ્ર મિશનમાં અવકાશમાંથી ભરપૂર માત્રામાં સૌરઉર્જાને પૃથ્વી પર લાવી ઓછી કિંમતે તેનો ઉપયોગ કરવા અંગેના પ્રયોગોનો સમાવેશ થાય છે.   

હાલમાં જ ઉત્તરાખંડમાં હજારો લોકો કુદરતી હોનારતના ભોગ બન્યા. વિજ્ઞાન આ લોકોના જીવ કઈ રીતે બચાવી શકવા સક્ષમ હતું?
ભારત પાસે કેટલાક પોલરમેટ્રિક રડારની સુવિધા ઉપલબ્ધ છે. આ રડારની મદદથી આપણે વાદળમાંથી કેટલો વરસાદ વરસવાની સંભાવના છે એ પણ નોંધી શકીએ છીએ. આમ વરસાદની ગંભીરતા સૂચવતા આ પ્રકારના સાધનો ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં અનિવાર્ય છે અને એના થકી જ આપણે હજારો લોકોના જીવ બચાવી શક્યા હોત.

આપણે 'મિડ ડે મિલ' તથા પાકિસ્તાન તરફથી વારંવાર આતંકવાદી હુમલાઓ જેવી અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. વિજ્ઞાન આ પ્રકારની સમસ્યામાં કઈ રીતે મદદરૂપ થઇ શકે?
આ એક આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે. મિડ ડે મિલની વાત કરીએ તો તમે જે અનાજ ખરીદો છો એ પહેલા નિશ્ચિત પ્રક્રિયાઓમાંથી પસાર થવું જોઈએ. આ માટે આપણે એક ટેસ્ટ લેબોરેટરી પણ વિકસાવવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ગુણવત્તાની જાળવણી કરવી જોઈએ. જે વાસણો આ તમામ અનાજ માટે વપરાય છે, જેમાં રાંધવામાં આવે છે એની ગુણવત્તા ચકાસવી પણ અત્યંત જરૂરી છે. આ માટે જરૂર પડે તો નિયમિત ઇન્સપેક્શન પણ ગોઠવવું જોઈએ અને સૌથી મહત્ત્વનું એ છે કે આ બાળકો માટે કેટલાક દયાળુ લોકોએ એક મિશન તરીકે કામ હાથ ધરવું જોઈએ. અનેક ટેકનોલોજી આપણને આ સ્થિતિ નિવારવામાં મદદરૂપ થઇ શકે છે, પરંતુ વિકાસ માટે વ્યૂહાત્મક યોજના કે પોલિસીની સૌથી વધારે જરૂર છે.

વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતે માનવ મંગળયાત્રા અને સમાનવ ચંદ્રયાત્રા વિશેના સ્વપ્નો સેવ્યા છે. આ વિશે તમારી શું માન્યતા છે?
હાલના ટેકનોલોજીકલ વિકાસને જોતા વર્ષ ૨૦૩૦ સુધીમાં નિશ્ચિતપણે આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકીશું એવી મારી ધારણા છે. ઈસરોના ચેરમેન પણ આ હકીકતને સમર્થન આપે છે. હું પૃથ્વી, ચંદ્ર અને મંગળ ગ્રહો વચ્ચે ઇકોનોમિક કનેક્ટિવિટી એટલે કે આર્થિક વ્યવહાર સંભવિત થશે એવી કલ્પના કરું છું.       

'ઇગ્નાઈટેડ માઈન્ડ'માં તમે 'સાધુસંતો પાસેથી શીખ' નામે એક આખું પ્રકરણ લખ્યું છે. ધર્મ અને સાયન્સ વચ્ચે શું સંબંધ છે?
સાયન્સ તર્ક પર આધાર રાખે છે અને ધર્મ શ્રદ્ધાના પાયા પર ઘડાયેલું છે. વિજ્ઞાનની ટેકનોલોજી આર્થિક સમૃદ્ધિ લાવે છે. તે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે અને ટેકનોલોજી જ તેમના જીવનમાં સુખાકારી લાવે છે, પરંતુ ધર્મ તેમના જીવનને શાંતિપૂર્ણ બનાવે છે. આથી એ બંનેનું સહઅસ્તિત્વ જીવનમાં જરૂરી છે.

૧૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "સાયન્સ ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment