Thursday, November 14, 2013

પ્રાચીન ભારતનો અનોખો ક્વીઝ કાર્યક્રમઃ‘અવધાનમ્’


 હાલમાં ન્યુઝ ચેનલો પર પ્રાઈમ ટાઈમના શોમાં એક નાનકડાં બાળક કૌટિલ્ય પંડિતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નાનકડી ઉંમરમાં જ તેના મગજના થયેલા અદભુત વિકાસથી માત્ર તેના માતા-પિતા જ નહીં, પણ દેશના મનોચિકિત્સક પણ આશ્ચર્યમાં ડૂબી ગયા છે. કૌટિલ્યના ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજકારણ અને આના જેવા બીજા અનેક ઊંડાણપૂર્વક અભ્યાસ માગી લેતા વિષયો માટેના ‘સહજ’ જ્ઞાન માટે તેને હવે આખા દેશમાં ‘ગૂગલ બોય’ તરીકે ઓળખવામાં આવે છે. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ્યાં સામાન્ય રીતે બાળકો ‘એબીસી’ના પાઠો ભણતાં હોય છે, ત્યાં કૌટિલ્ય આખા દેશની નદીઓના નામોને આવરી લેતી કવિતા ઠાઠથી ગાતો નજરે ચડે છે. કૌટિલ્યના જ્ઞાન અને યાદશક્તિને જ્યારે આજે આખા દેશમાં પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે શું તમે જાણો છો કે મુઘલોના સમયથી આપણા દેશમાં કળા, સાહિત્ય, મેમોરી (યાદશક્તિ) અને એકાગ્રતાને બિરદાવતો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવે છે?

વાસ્તવમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં ‘અવધાનમ્’ના નામથી એક પ્રચલિત કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. ‘અવધાનમ્’ એ એક એવી પ્રક્રિયા છે, જેમાં તમારી યાદશક્તિની સાથે સાહિત્ય અને તેના વિશેની સમજની પણ કસોટી કરવામાં આવે છે. સામાન્ય રીતે યાદશક્તિને મેથેમેટિકલ ગણતરીઓ સાથે જોડવામાં આવતી હોય છે અને સાહિત્યને કળા સાથે સાંકળવામાં આવે છે, પણ વ્યક્તિની યાદશક્તિ, એકાગ્રતા અને સાહિત્ય વિશેની ઊંડાણપૂર્વકના જ્ઞાનને એકસાથે સાંકળી આ અનોખી પ્રક્રિયા ‘અવધાનમ્’ રૂપે વર્ષોથી આપણા દેશમાં ચાલતી આવી છે. ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયા દરમિયાન તમારું જ્ઞાન અને એકાગ્રતા એ જ એકમાત્ર સાધન હોય છે, જે તમને આ આખી પ્રક્રિયામાં સફળ બનાવે છે. આ ઉપરાંત અન્ય કોઈ બાહ્ય સાધનો આપવામાં આવતા નથી. વળી, તેમાં એકસાથે એક કરતાં વધુ કાર્યો કરવાના હોવાથી તમારા સંયમ, એકાગ્રતા અને ધ્યાનની ખૂબ જ ચીવટાઈપૂર્વક કસોટી કરવામાં આવે છે. આમ ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ હોય છે. 

જે વ્યક્તિ ‘અવધાનમ્’ ની પ્રક્રિયામાં સંપૂર્ણપણે સફળ થાય છે તેને ‘અવધાની’ કહે છે. ‘અવધાનમ્’માં એક સ્પર્ધક હોય છે અને તેને કેટલાક પ્રશ્નો પૂછીને તેની કસોટી કરવામાં આવતી હોય છે. આ પ્રશ્નો પૂછવા માટે સાહિત્યનો ઊંડો અભ્યાસ ધરાવતી સિદ્ધહસ્ત વ્યક્તિઓ કે પછી અગાઉ આ પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયેલા અવધાનીઓને નીમવામાં આવતા હોય છે, જેમને ‘પૃચ્છક’ કહેવામાં આવે છે. જે પૃચ્છક પહેલો પ્રશ્ન પૂછે તેને ‘પ્રધાન પૃચ્છક’ કહેવામાં આવે છે. જોકે તેનું મહત્ત્વ અન્ય પૃચ્છક જેટલું જ હોય છે. પૃચ્છક સ્પર્ધકને એક પ્રશ્ન પૂછે છે અને તેના આધારે સ્પર્ધક એક પંક્તિ રચે છે અને તેનું ગાન કરે છે. ત્યારબાદ અન્ય પૃચ્છક ફરી એને એક પ્રશ્ન કરે છે, જેને આધારે તે સ્પર્ધક બીજી પંક્તિ રચે છે અને તેનું ગાન કરે છે. આમ છેલ્લા પ્રશ્ન સુધી સ્પર્ધક પંક્તિની રચના કરે છે અને તેનું ગાન કરે છે. પૃચ્છક સામાન્ય રીતે કોઈ એક શબ્દને આધારે આખી પંક્તિ રચવા અથવા તો કોઈ એક શબ્દના ઉપયોગ વિના આખી પંક્તિ રચવા કે પછી કોઈ એક નિશ્ચિત બંધારણમાં કવિતા રચવા માટે સ્પર્ધકને પ્રશ્ન પૂછી શકે છે.

અહીં પડકાર એ છે કે તેણે રચેલી પંક્તિ અને તેનો પ્રશ્ન અનુસાર ક્રમ યાદ રાખી અંતમાં આખી કવિતા રજૂ કરવાની હોય છે, જેને ‘ધારણા’ કહે છે. વળી, આ આખી પ્રક્રિયા દરમિયાન કેટલાક પૃચ્છકો એવા પણ નીમવામાં આવ્યા હોય છે જે સ્પર્ધકનું ધ્યાનભંગ કરવા માટે કેટલાક અપ્રસ્તુત પ્રશ્નો પૂછતા હોય છે. આ પ્રશ્નોના સ્પર્ધક કેટલી કુશળતા અને ચતુરાઈથી ઉત્તર આપે છે તેના પર તેની બુદ્ધિમત્તાને આંકવામાં આવતી હોય છે અને આ સાથે જ એક પૃચ્છક ઘંટ પણ વગાડતો હોય છે. આ તમામ પ્રક્રિયાની સાથે સ્પર્ધકે કેટલી વાર આ ઘંટ વગાડવામાં આવ્યો હતો તેની પણ ગણતરી મનમાં રાખવાની હોય છે. આમ, એકસાથે તમારું મન જુદા જુદા કામો કેટલું એકાગ્ર છે તેની ખરી કસોટી ‘અવધાનમ્’માં કરવામાં આવે છે. 

‘અવધાનમ્’ની પ્રક્રિયા અનેક દિવસો સુધી પણ ચાલી શકે છે.પૃચ્છકોની સંખ્યા જેમ વધુ તેમ ‘અવધાનમ્’ વધુ કઠિન બને છે. જો પૃચ્છકોની સંખ્યા આઠ હોય તો તેને ‘અષ્ટવધનમ્’, સો હોય તો ‘શતવધનમ્’ અને હજાર હોય તો ‘સહસ્રવધનમ્’ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પૃચ્છકનું કામ નિશ્ચિત હોય છે અને એ પ્રમાણે આખા ‘અવધાનમ્’ની રચના કરવામાં આવી હોય છે. આ ઉપરાંત, કેટલાક ઓછા જાણીતા પણ રસપ્રદ ‘અવધાનમ્’ના પ્રકાર પણ જાણવા જેવા છે, જેમાં ‘ચિત્રવધનામ્’(ચિત્રોના ઉપયોગથી પ્રશ્નોત્તરી), ‘નૃત્યવધનામ્’(નૃત્યના માધ્યમથી પ્રશ્નોત્તરી), ‘ગણિતવધનમ્’(ગણિત આધારિત પ્રશ્નોત્તરી) અને ‘નેત્રવધનમ્’(આંખોથી પ્રશ્નોત્તરી)નો સમાવેશ થાય છે. 

અકબરના સમયમાં શરૂઆત

વાસ્તવમાં કળા અને જ્ઞાનના ફેલાવા માટે પ્રખ્યાત એવા અકબરના સમયથી સંસ્કૃત ભાષાના સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે ‘અવધાનમ્’ની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કન્નડ અને તેલુગુ ભાષા સાથે સંકળાયેલા કવિઓએ આજ સુધી ‘અવધાનમ્’ને જીવંતરાખ્યું છે. સૌપ્રથમ ‘અવધાનમ્’ વર્ષ ૧૮૫૦માં માદાભુશી વેંકટાચાર્યના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યું હતું.લેખક આર. એકમ્બરાચાર્યાલુ પ્રમાણે વર્ષ ૧૮૩૫માં વેંકટાચાર્યએ ‘અષ્ટવધનમ્’(આઠ પૃચ્છક)અને ‘શતવધનમ્’(સો પૃચ્છક) માટેના નિયમો ઘડ્યા હતા. વેંકટાચાર્ય ફ્રેન્ચ અને લેટિન ઉપરાંત બીજી અન્ય આઠ ભાષાઓના પણ જાણકાર હતા અને તેમણે આ બધી જ ભાષાઓમાં ‘અવધાનમ્’ રજૂ કર્યું હતું. ત્યારબાદ ચેલૈલા વેંકટ શાસ્ત્રી અને દિવકાર્લા તિરૂપથી શાસ્ત્રીની જુગલબંધીએ ‘અવધાનમ્’ને ફરી જીવંત કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશમાં ફરી ‘અવધાનમ્’નો પુનરોદ્ધાર કર્યો. ૨૦મી સદીની શરૂઆતમાં આંધ્રપ્રદેશની શાળા અને કોલેજોમાં ‘અવધાનમ્’ને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અલબત્ત, તેના પદ્ધતિસરના અભ્યાસના અભાવે ‘અવધાનમ્’માં રસ લેતા લોકોનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. આજે આંધ્રપ્રદેશમાં લગભગ ૪૦ જેટલા અવધાનીઓ છે, જેમણે આ વર્ષો જૂનો વારસો જાળવી રાખ્યો છે. 

સૌથી નાનો અવધાની

સૌથી નાની વય ધરાવતો અવધાની શ્રીકાંત
અન્ય બાળકોની જેમ જ શ્રીકાંત પણ એની શાળાના પહેલા દિવસે રડતો હતો અને ત્યારપછીના દિવસો દરમિયાન પણ તે રડતો જ રહ્યો. શાળાના આચાર્યએ જ્યારે આ વાત નોંધી ત્યારે એમણે શ્રીકાંતનેઆ માટેનું કારણ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે તેણે ઘરે જવું છે, કારણ કે અહીં શાળામાં તે કશું જ નવું નથી શીખતો. આચાર્ય થોડાં અચકાયા અને તેમણે શ્રીકાંતને એક કાવ્ય પઠન કરવા કહ્યું અને તેમના આશ્ચર્યની વચ્ચે એકપણ ભૂલ વગર શ્રીકાંતે એ કવિતા ખૂબ સારી રીતે ગાઈ. આચાર્યને સમજાયું કે શ્રીકાંત એની ઉંમરના બાળકો કરતાં વધુ જિજ્ઞાસુ અને હોંશિયાર છે. આજે આ જ બાળકે માત્ર ૧૫ વર્ષની ઉંમરે સૌથી યુવાન ‘અવધાની’નું બિરૂદ મેળવીને તેના માતા-પિતા અને શિક્ષકોને ગર્વ અપાવ્યું છે. જ્યારે બીજી બાજુ આશરે જિંદગીના છ દાયકા પસાર કરી ચૂકેલા ડો. મેદસાની મોહન સૌથી લાંબી ‘અવધાનમ્’ની કસોટીમાંથી પસાર થયા હતા. તેઓ૧૮મી ફેબ્રુઆરીથી ૨૦મી માર્ચ સુધી ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા અને તેથી જ તેમને ‘અપૂર્વ પંચ સહસ્રવધનમ્ સર્વભૌમા’ના બિરૂદથી નવાજવામાં આવ્યા હતા. ડો. મોહનની આ અનોખી સિદ્ધિને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ્માં સમાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત સૌથી વૃદ્ધ જીવીત અવધાની સી.વી. સુબન્ના છે, જેમની ઉંમર લગભગ ૮૪ વર્ષની છે અને હાલમાં આંધ્રપ્રદેશના પ્રોદુત્તુર શહેરમાં જીવનના અંતિમ દિવસો ગાળી રહ્યા છે.

12મી નવેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

2 comments:

  1. અદ્‍ભુત માહિતી આપવા બદલ આભાર... 'અવધાન‌મ્‍' વિષયને મારી આગામી ઇંગ્લીશ નવલકથામાં એક પ્રતિકરૂપે સમાવિષ્ટ કરવા વિશે હું ગંભીરપણે વિચારી રહ્યો છું...

    ReplyDelete