Thursday, December 19, 2013

મીણબત્તીઓથી ઉજવાતો અનોખો ફેસ્ટિવલ


સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો દુનિયાભરના લોકો માટે ઉજવણી કરવા અનેક ખાસ અવસર લઈ આવે છે. પછી એ ઉજવણી કળા જગતની હોય, નૃત્ય-નાટકને સાંકળતી હોય કે પછી વર્ષો જૂના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી હોય, વર્ષના આ અંતિમ દિવસોને તે હંમેશાં યાદગાર બનાવી દેતી હોય છે. ન્યુ યર અને ક્રિસમસની ઉજવણીને બાદ કરીએ તો પણ આખા વિશ્વમાં થતી અનેક રસપ્રદ અને અનોખી ઉજવણીના આપણે સાક્ષી બની શકીએ એમ છીએ. વિશ્વના કેટલાક દેશો તરફ નજર કરીએ તો તમને કલ્પના પણ ન હોય એવા ઘણાં ચિત્ર-વિચિત્ર ફેસ્ટિવલો ત્યાં ઉજવાતા હોય છે અને વિશ્વના ખૂણેખાંચરેથી લોકો આ ફેસ્ટિવલ્સમાં સામેલ થવા મહિનાઓ પહેલાથી પ્લાનિંગ પણ કરતા હોય છે!આ જ પ્રકારના એક ફેસ્ટિવલની ઉજવણી નેધરલેન્ડના ગુડા શહેરમાં દર વર્ષે કરવામાં આવે છે. ‘કેન્ડલ નાઈટ’ના નામે પ્રચલિત આ ફેસ્ટિવલ દર વર્ષે ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા મંગળવારે ઉજવવામાં આવે છે. અલબત્ત, આ વર્ષે તેની ઉજવણી શુક્રવાર ૧૩, ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.

વાસ્તવમાં ગુડામાં આ પ્રકારના કેન્ડલ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ ૧૯૫૬થી થઈ હતી. નોર્વેના સિસ્ટર ટાઉન કોંગ્સબર્ગ તરફથી ગુડા શહેરને સૌ પ્રથમવાર અલગ અલગ લાઈટથી ઝળહળતું ક્રિસમસ ટ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ ગુડાની રોયલ સ્ટીઅરીન કેન્ડલ ફેક્ટરી ‘ગુડા-અપોલો’એ તેની ફેક્ટરીના સો વર્ષ પૂરાં થયાના અવસર પર ફેક્ટરીની શતાબ્દી ઉજવવાના હેતુથી ગોથિક ટાઉન હોલ અને જૂના માર્કેટ સ્ક્વેરને મીણબત્તીથી શણગારવા વિશાળ માત્રામાં મીણબત્તીઓ આપી હતી અને ત્યારથી લઈને આજ સુધી ગુડામાં એક અનોખા ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. ડચ ભાષમાં આ ફેસ્ટિવલને ‘કાર્સજેસવોન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે ગુડાની સ્ટીઅરીન કેન્ડલ ફેક્ટરી તો હવે હયાત નથી, પણ તેની અન્ય એક કેમિકલ કંપની ‘ક્રોડા’ હજી પણ ગુડામાં મીણબત્તી બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે અને આજ સુધી તેઓ જ ગુડાના કેન્ડલ નાઈટના મીણબત્તી માટે મુખ્ય સ્પોન્સર રહ્યા છે. આ કંપની ફેસ્ટિવલના દિવસે શહેરના અતિપ્રાચીન તથા આકર્ષક સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં મીણબત્તી સપ્લાય કરે છે. મીણબત્તીથી આખા શહેરને પ્રકાશિત કરીને તેઓ પોતાના જીવનમાં પણ આ જ પ્રકારે અજવાળું પથરાય રહે તેવી પ્રાર્થના ઈશ્વરને કરતાં હોય છે. મીણબત્તી અને તેના પ્રકાશને સાંકળતો આ તહેવાર દુનિયાભરના લોકો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. 

ગુડા શહેરમાં ઉજવાતા આ ‘કેન્ડલ ફેસ્ટિવલ’માં ઉપયોગમાં લેવાતી મીણબત્તીઓની બનાવટ પણ અનોખી છે. આ મીણબત્તી સ્થિર જ્યોત સાથે સળગે છે અને કલાકો સુધી તે ઝળહળી શકે છે. ગુડાની મીણબત્તીઓને ગુણવત્તાની દૃષ્ટિએ આખા વિશ્વમાં સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તે સ્ટીઅરીન અથવા તો નેચરલ વેક્સમાંથી બનાવવામાં આવે છે તથા તેની દિવેટ પણ ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. આથી તે ભાગ્યે જ ધુમાડો ઉત્પન્ન કરે છે અને લાંબા સમય સુધી સળગી શકે છે. 

જેટલો અનેરો આ ફેસ્ટિવલનો ઈતિહાસ છે, તેની ઉજવણી પણ કંઈક એટલી જ અનેરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા દુનિયાભરના લોકોનો ગુડામાં મેળાવડો જામે છે. વળી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલાક ખ્યાતનામ લોકો પણ ગુડામાં ખાસ આ ફેસ્ટિવલ માટે હાજરી પૂરાવતા હોય છે. ગુડાનો આ ફેસ્ટિવલ પરીકથાના વર્ણનોથી કંઈ અલગ નથી. અહીં લાઈટ્સ અને સંગીતની મદદથી શિયાળાની આ ઋતુને વધાવી લેવામાં આવે છે. ક્રિસમસ પહેલાં ઉજવાતા આ ફેસ્ટિવલમાં ક્રિસમસ ટ્રીને પણ ખૂબ જ આકર્ષક ઢબે શણગારવામાં આવે છે. ફેસ્ટિવલની શરૂઆત નિશ્ચિત કરેલા દિવસની વહેલી બપોરથી જ શરૂ થઈ જાય છે અને મોડી રાત્રિ સુધી લોકો આ ફેસ્ટિવલને મન ભરીને માણતા હોય છે. નેધરલેન્ડના આ ખૂબસૂરત શહેરમાં આ ફેસ્ટિવલનો આનંદ લેવા ઘણાં સ્થળો છે. ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલના આખા દિવસ દરમિયાન શહેરની ગલીઓમાં મધુર સંગીત રણકતું રહે છે તથા મુલાકાતીઓ શહેરના થિયેટર તથા ખાસ તૈયાર કરાયેલા ક્રિસમસ ફેરને પણ માણી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. 

‘કેન્ડલ નાઈટ’ના દિવસે ગુડાના ચર્ચમાં ખાસ ક્રિસમસ કોન્સર્ટ રાખવામાં આવે છે તથા શહેરની ગેલેરી અને મ્યુઝિયમને પણ આખા દિવસ માટે ખુલ્લા રાખવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ તમામ મનોરંજન ‘કેન્ડલ નાઈટ’ના દિવસે એક પણ પૈસો ચૂકવ્યા વિના લોકો માણી શકે તેવી ખાસ સુવિધા કરવામાં આવી હોય છે. તમે આખા શહેરમાં મુક્તપણે ફરી શકો એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આખા શહેરના મ્યુઝિયમો તથા ચર્ચને ફેસ્ટિવલના દિવસે ખાસ શણગારવામાં આવતા હોય છે. ફેસ્ટિવલના દિવસે આખો દિવસ બધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે તથા શહેરની રેસ્ટોરાંમાં પણ ફેસ્ટિવલના અવસરને ધ્યાનમાં રાખીને ખાસ મેનુ તૈયાર કરવામાં આવે છે. આખું શહેર ‘કેન્ડલ નાઈટ’ના આ ફેસ્ટિવલમાં રંગાઈ જાય એ માટે ગુડામાં અનેક અવનવા પ્રબંધો દર વર્ષે કરવામાં આવે છે, જેથી વિશ્વભરના કળાપ્રેમીઓ તેમના આ અનોખા ફેસ્ટિવલને ભરપૂર માણી શકે. 

આખા દિવસ દરમિયાન શહેરના મ્યુઝિયમો, ચર્ચ તથા અન્ય સ્થળોની મુલાકાત બાદ સાંજ ઢળતાં જ આ ફેસ્ટિવલનો રંગ વધુ જામે છે. રાત્રિના ૭થી ૮ના સમયગાળા વચ્ચે શહેરના મેયર ઈસુ ખ્રિસ્તના જન્મ સમયની વાર્તા કરી કાર્યક્રમની શરૂઆત કરે છે. લોકો એક વિશાળ ક્રિસમસ ટ્રીને લાઈટ્સની મદદથી શણગારતા હોય છે. આ સાથે જ આશરે છ હજાર જેટલી મીણબત્તીઓ તેની આસપાસ મૂકવામાં આવે છે. આ વિશાળ ટ્રીની આસપાસ ઊભા રહીને લોકો ક્રિસમસ કેરોલ્સ ગાતા જોવા મળે છે. આ ઉપરાંત ઘણાં લોકો પારંપરિક ગીતો ગાઈને કે પછી નૃત્યોથી પણ ફેસ્ટિવલની સાંજને વધુ જીવંત બનાવે છે. વળી, શહેરના જૂના ટાઉન હોલ ખાતે ૧૫૦૦ જેટલી મીણબત્તીઓ સળગાવીને ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલની પ્રાચીન પ્રથાને કાયમ રાખવામાં આવે છે. આ ઉપરાંત, શહેરના માર્કેટ સ્ક્વેરની આસપાસ તમામ ઘરોની બારીઓ પાસે પણ હજારોની સંખ્યામાં મીણબત્તી સળગાવવામાં આવે છે. ગુડા શહેરનું આ માર્કેટ સ્ક્વેર ઈ.સ. ૧૪૪૮થી ૧૪૫૦ સુધીના સમયગાળામાં બંધાયું હતું, જે નેધરલેન્ડનો સૌથી જૂનો સિટી હોલ છે અને તેથી જ તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.રાત્રિના સમયે મીણબત્તીથી સજેલું આ શહેર ખૂબ જ ભવ્ય દૃશ્ય આંખ સમક્ષ ઊભું કરી દે છે. વર્ષો જૂની પરંપરાને અકબંધ રાખી સમગ્ર શહેરને મીણબત્તીથી શણગારી ગુડામાં આ અનોખા તહેવારને અત્યંત માનભેર અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. 

પરંપરાઓની જાળવણી કરતું અનોખું શહેર ગુડા


નેધરલેન્ડનું આ ગુડા શહેર માત્ર ‘કેન્ડલ નાઈટ’ ફેસ્ટિવલને કારણે જ આટલું પ્રખ્યાત નથી. આ ફેસ્ટિવલ સિવાય પણ ત્યાં ઘણા રોચક સ્થળો દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષે છે. ગુડા શહેરનો ઐતિહાસિક વારસો અદભુત છે તથા ત્યાંની કેનાલ, ઐતિહાસિક ચર્ચો તથા ડચ આર્કિટેક્ચરના ઉત્તમ નમૂનાઓ તેને વધુ ભવ્ય બનાવી દે છે. વળી, આ શહેર બ્રુઅરીઝ( જ્યાં બિયર બનાવવામાં આવે તે સ્થળ), સ્મોકિંગ પાઈપ્સ તથા સ્ટ્રુપ વેફલ્સ (એક પ્રકારની ખાદ્યવાનગી) માટે પણ પ્રચલિત છે. ગુડા શહેરની ખાસિયત એ છે કે ત્યાંના લોકોએ ‘કેન્ડલ ફેસ્ટિવલ’ની જેમ જ વર્ષોથીચાલતા તેમની સંસ્કૃતિના પ્રતીક સમા ફેસ્ટિવલો તથા શહેરના આર્કટેક્ચરની જાળવણી ખૂબ જ કાળજીપૂર્વક કરી છે અને આજે પણ લોકો એટલા જ હોંશથી તેમના વારસાને ઉજાગર કરતાં તહેવારો ઉજવતા હોય છે. આ ઉપરાંત ૧૭મી સદીથી અહીંના મ્યુઝિયમ તથા ૧૫મી સદીમાં બંધાયેલા ભવ્ય ચર્ચ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જે આજે પણ વિશ્વના કળાપ્રેમીઓ માટે અભ્યાસનો એક વિષય બની રહ્યા છે.

No comments:

Post a Comment