Tuesday, March 11, 2014

ફરી નીકળશે ગાંધીજીની દાંડી યાત્રા


“હવે પછીની આવનારી પેઢી માટે એ માનવું મુશ્કેલ હશે કે ગાંધી જેવા કોઈ લોહી-માંસના બનેલા એક માણસનું ક્યારેક આ ધરતી પર અસ્તિત્વ હતું.” દુનિયાના સૌથી મહાન વિજ્ઞાનીઓ પૈકીના એક ગણાતા આલ્બર્ટ આઈન્સટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિવસે આ શબ્દો ઉચ્ચાર્યા હતા અને આજની સ્થિતિ જોઈને તે ખરાં અર્થમાં સાચા પણ ગણાવી શકાય. ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ જેવા ભજનોને દેશની સ્વતંત્રતાની લડત સાથે જોડનાર ગાંધીજીના યુગને પસાર થયાને આજે ઘણા દાયકાઓ વીતી ગયા છે અને એટલે જ તેમના આ ભજનના શબ્દો પણ આજે કંઈક આ પ્રમાણે સંભળાઈ રહ્યા છે, ‘રઘુપતિ રાઘવ રાજારામ, ઘાયલ હૈ ભોલા ઈન્સાન’. સમય બદલાયો છે અને લોકોના વિચારો, ‘ગાંધીગીરી’ની વ્યાખ્યાઓ તથા મૂલ્યો પણ બદલાયા છે. આવી પરિસ્થિતિમાં દેશવાસીઓને તેમની સ્વતંત્રતાના ખરા મૂલ્યનું મહત્ત્વ સમજાવવા સરકારે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે આ પ્રયાસના પાયા વર્ષ ૨૦૦૫થી નંખાયા હતા! વાસ્તવમાં વર્ષ ૨૦૦૫માં આપણા દેશના વડા પ્રધાન મનમોહન સિંઘે ‘નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ (મીઠાં સત્યાગ્રહના રાષ્ટ્રીય સ્મારક)ના એક મોટા પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. ૧૨, માર્ચ ૧૯૩૦ના રોજ શરૂ થયેલી દાંડીયાત્રાને આજે ૭૫ જેટલા વર્ષ પૂરા થવા આવ્યા છે. આથી દેશની સ્વતંત્રતાની લડતને અહિંસાના શસ્ત્રથી વધુ મજબૂત બનાવનાર ગાંધીજીની દાંડીયાત્રાના એક સન્માન સ્વરૂપે આ આખા પ્રોજક્ટને આકાર આપવામાં આવ્યો છે. મુંબઈના પવઈ ખાતે આવેલી આઈઆઈટીને આ સ્મારક માટેની ડિઝાઈન, પૂર્વ તૈયારી તથા આખા આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર માસમાં પવઈના આઈઆઈટી કેમ્પસમાં ખાસ વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ અનુસાર ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહનું દેશવાસીઓને સ્મરણ કરાવવા નવસારી પાસે આવેલા દાંડીમાં જ એ આખું, વર્ષો જૂનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. આ માટે આખા પ્રોજેક્ટને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક ભાગમાં ગાંધીજી સાથે જોડાયેલા ૮૦ સેવકોની પ્રતિમાનું નિર્માણકાર્ય નક્કી કરાયું હતું. આ તમામ શિલ્પો આઈઆઈટી, પવઈ ખાતે ગત ડિસેમ્બરમાં બનાવવામાં આવ્યા હતા, જેમાંગાંધીજીની પ્રતિમા સદાશિવ સાથેએ તૈયાર કરી હતી. આ તમામ શિલ્પો હવે દાંડી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.આ સાથે જ ગાંધીજીની ૧૫ ફૂટની કાંસાની બનેલી પ્રતિમા અને અને ગાંધીજી તેમજ તેમની દાંડીયાત્રાનું સ્મરણ કરાવતા કેટલાક મ્યુરલ(ભીંતચિત્રો)પણ દાંડી ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજા ભાગમાં દાંડીમાં બની રહેલા આ પ્રોજક્ટના સ્મારકને લઈને કેટલાક બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં દાંડીપથ, કૃત્રિમ તળાવ, સોલર પેનલ તથા અન્ય જરૂરી સાધનો મૂકવાની તૈયાર કરવામાં આવી રહી છે.

આખા સ્મારકમાં લાઈટના પિરામિડ વચ્ચે ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે તેમની અનુસરતા ૮૦ સેવકોના શિલ્પો મૂકવાની યોજના છે. દાંડીની એ ઐતિહાસિક ધરતી પર આકાશ તરફ ફેલાયેલા બે વિશાળ, ઊંચા હાથની નીચે ગાંધીજીનું મુખ્ય શિલ્પ મૂકવામાં આવશે તથા આ હાથોમાં મીઠાના સત્યાગ્રહની નિશાનીરૂપે મીઠાના સ્ફટિક પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત, હાથોમાં સોલર પેનલ પણ મૂકવામાં આવી છે. આ સાથે ગાંધીજીના શિલ્પની બેઠકમાં એલઈડીની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે કે રાત્રિના સમયે આ પિરામિડમાંથી ચમકતી લાઈટ મીઠાના સ્ફટિકની રચના કરે. ગાંધીજીની વિશાળ પ્રતિમા સાથે સત્યાગ્રહમાં ૩૯૦ કિલોમીટરની કૂચ કરનારા૮૦ સ્વયંસેવકોની યાત્રાને દર્શાવતું આ આખું જીવંત દ્રશ્ય લોકો સમક્ષ એપ્રિલ, ૨૦૧૫ સુધીમાં ખુલ્લું મૂકવાની યોજના છે.

દાંડી યાત્રા ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. આથી સ્વતંત્રતાની લડતને એક નવી જ વ્યાખ્યા પૂરી પાડનાર આ સત્યાગ્રહની ઐતિહાસિક ઘટનાને કળાની મદદથી ફરીથી યાદ કરવા આ આખા પ્રોજક્ટને તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ સરકાર આ પ્રોજેક્ટ માટે ૬૬ કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જે પૈકી ૧૦ કરોડ જેટલા રૂપિયા ગાંધીજી તથા તેમની સાથે કૂચમાં સામેલ થયેલા સાથીઓના શિલ્પો તૈયાર કરવા પાછળ ફાળવવામાં આવ્યા હતા.


દાંડી યાત્રાને સફળ બનાવનારા ગાંધીજીના સાથીદારોના શિલ્પ બનાવવા માટે આખા દેશની કળા અને શિલ્પને લગતી વિવિધ શાળા અને કોલેજોમાં જઈ ઉત્તમ શિલ્પકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદેશમાંથી પણ કેટલાક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે મુંબઈના પવઈ ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટિયુટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી)માં બે વર્કશોપમાં યોજવામાં આવ્યા હતા, જેમાં દેશ-વિદેશના ૪૧ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. દિલ્હી, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ વગેરે જેવા રાજ્યો તથા શ્રીલંકા, અમેરિકા, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, જાપાન, મ્યાનમાર, તિબેટ તથા ઈંગ્લેન્ડ જેવા દેશોના ઉત્કૃષ્ટ કલાકારોએ આ માટે રસ દાખવ્યો હતો. આઈઆઈટીના પ્રોફેસર કે.કે. ત્રિવેદીએ શિલ્પો બનાવવાના વર્કશોપનું સંચાલન કર્યું હતું. તેઓ કહે છે કે, “ગાંધીજીની દાંડીયાત્રાનું સ્મારક બનાવવાનું એકમાત્ર કારણ એક સામાન્ય માણસ પોતાના હક માટે કઈ રીતે લડી શકે એ લોકોને ફરી યાદ અપાવવાનું છે. અમારા કાર્યમાં ગાંધીજીના આદર્શો અને મૂલ્ચો જળવાઈ એની અમે પૂરતી તકેદારી રાખી છે. આ સ્મારક માત્ર ભારતીયો માટે નહીં, પરંતુ આખા વિશ્વ માટે છે. માર્ટિન લુથર કિંગ જુનિયરથી લઈને નેલ્સન મંડેલા જેવા મહાનુભવોને પ્રેરણા આપનાર ઐતિહાસિક ઘટનાને અમે આજના સમયમાં ફરીથી બનાવવાની કોશિશ કરી છે.”

આઈઆઈટીમાં યોજવામાં આવેલા વર્કશોપમાં કલાકારો ગાંધીજીની અહિંસાની નીતિને તેમજ દાયકાઓ પહેલાના એ વાતાવરણને પૂરી રીતે સમજી શકે એ માટે ગાંધીજીના સિદ્ધાંતો તેમજ નીતિઓને સમજાવતા વિવિધ ટોક શો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે જ ‘ગાંધી’, ‘અ સેન્ચ્યુરી ઓફ નોનવાયોલન્ટ કોન્ફ્લિક્ટ’, ‘મહાત્માઃ લાઈફ ઓફ એમકે ગાંધી’ વગેરે જેવી ફિલ્મો તથા ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઉછરેલા આ કલાકારો માટે આ એક નવો જ અનુભવ હતો. તિબેટમાં ચાલતા ચીનના શાસનથી ત્રસ્ત થઈ મૈસુરમાં સ્થાયી થયેલા લોબે જાન્ગચુ અને થુપ્ટેન ત્સેરિંગ પોતાના આ અનુભવ વિશે કહે છે કે, “આ વર્કશોપ અમારા માટે ઘણો મહત્ત્વનો હતો. આટલા દિવસમાં અમને ગાંધીજી વિશે તેમજ અહીં આવેલા જુદા જુદા લોકો તથા તેમના રહેઠાણ વિશે ઘણી વાતો જાણવા મળી છે. કલાકાર માટે આ એક અગત્યનું પ્લેટફોર્મ તો ગણાવી જ શકાય પણ એ સાથે જ તિબેટમાં ચીનને કારણે જે સમસ્યા થઈ રહી છે તેના માટે અમને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની મદદથી લડત આપવાની પ્રેરણા પણ મળી છે. અમે ભારતમાં સ્થાયી થયા છીએ, પણ અમારે પણ ઘરે જવું છે, જ્યાં શાંતિપૂર્વકનું વાતાવરણ હોય.” આ પ્રોજેક્ટ માત્રગાંધીજીના એક સ્મારકના નિર્માણનું નહીં, પરંતુ તેમની અહિંસક વિચારસરણીના પાયા ફરીથી નાંખવામાટે નિમિત્ત બન્યું છે એવું આ કલાકારોનું માનવું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે વિદેશમાંથી આવેલા કલાકારો ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારોથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે આ પ્રોજક્ટ માટે એ દાયકાનો અને ગાંધીજીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો અને એ સમયના વાતાવરણને તથા કૂચ કરતાં સ્વયં સેવકોના હાવભાવોનું આબેહૂબ ચિત્રણ શિલ્પમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. 

આજે જ્યારે દેશમાં રાજકીય ક્ષેત્રની ઉથલપાથલ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે ત્યારે વિસરાઈ ગયેલા ગાંધીજી અને તેમના આદર્શોની યાદ અપાવવા આ પ્રકારનું આયોજન અનિવાર્ય બન્યું છે. દાયકાઓ પહેલા વિદેશી પ્રજાએ દેશને કબજે કર્યો ત્યારે ગાંધી નામના સામાન્ય માણસે દાંડી યાત્રા જેવી અહિંસક લડતથીઆઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. આજે જ્યારે ફરી ‘આમ આદમી’ના મૂલ્યની અવગણના કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીજીની જ પ્રતિમાથી ફરી એકવાર દેશમાં ક્રાંતિ સર્જવાની આ પહેલ લોકોમાં એ જ ઉત્સાહ કેળવવા આધારરૂપ બની શકશે!


11 માર્ચ, 2014ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment