Sunday, August 11, 2013

બોડી મૉડિફિકેશનની પ્રાચીન પ્રથા



દીપિકા પાદુકોણ હોય કે પછી સૈફ અલી ખાન, આપણે સૌએ તેમને પોતાના પ્રિયતમના નામના ટેટૂ લગાવેલા જોયા છે અને સાચું કહીએ તો એ પછી જ આજના યુવાનોમાં પોતાના પ્રેમની સાબિતીરૂપેય ટેટૂ કરાવાનું એક નવું જ વલણ અસ્તિત્વમાં આવ્યુ છે. ટેટૂ કરાવવું કે પછી કાન, હોઠ, નાક અથવા આંખ પાસે પિયર્સિંગ કરાવવું (કાણાં પડાવવું) આજના યુવાનોને 'કૂલ' લાગતું હોય છે. આ તમામ વસ્તુઓને જો કોઈ એક નામ આપવું હોય તો એને'બોડી મૉડિફિકેશન' કહી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટેટૂ અને પિયર્સિંગ જે આજના જમાનાના સ્ટાઈલ ટ્રેન્ડતરીકે પ્રખ્યાત છે એ તો વાસ્તવિક રીતે ખૂબ જૂની પ્રથા છે. કેટલાક દેશોમાં તો સામાજિક પ્રથાના ભાગરૂપે પણ બોડી મૉડિફિકેશન કરાવવામાં આવે છે. તો ચાલો એવા કેટલાક દેશોની સફરે જઈએ જ્યાં ખાસ કરીને સ્ત્રીઓએ બોડી મૉડિફિકેશનના ભાગરૂપ કેટલાક પીડાદાયક ફેરફારો શરીરમાં કરવા પડતા હોય છે.

કેટલીક બાબતોમાં ભારતની અને ગ્રીક સંસ્કૃતિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. એક ઉદાહરણ લઇએ તો ગ્રીકની સંસ્કૃતિમાં પણ દિવસો સુધી લગ્નની તૈયારીઓ અને ઉજવણી થતી હોય છે. પરંતુ જેમ આપણે ત્યાં સુંદરતા, આધ્યાત્મિકતા અને કુદ્રષ્ટિથી બચવા માટે કપાળ પરમધ્યમાં ચાંદલો કરવામાં આવે છે, તે જ પ્રમાણે ગ્રીક સંસ્કૃતિમાં ઉચ્ચ ચારિત્ર્યના ભાગરૂપે દિવ્ય શક્તિ ધરાવતા અર્ધમાનવ કે પછી પવિત્ર ગણાતા પક્ષીઓનાઆકારવાળી કાનની કડી પહેરવામાં આવે છે. આ ઉપરાંત, મૂળ અમેરિકાની એઝ્ટેક્સ અને મયાન્સ જેવી સંસ્કૃતિઓમાં સમૃદ્ધિ અને જાતીય ફળદ્રુપતાના સંકેતરૂપે સોનાની રિંગ પહેરવાનું ચલણ છે. આ પ્રમાણે પિયર્સિંગ કરાવી કાનની કડી કે પછી રિંગ પહેરવી એ હવે એક સામાન્ય બાબત છે, પરંતુ કેટલીક જાતિઓમાં તો ખૂબ લાંબા ગાળા સુધી કેટલીક વસ્તુઓને રોજિંદા જીવનમાં પહેરી રાખી શરીરનો કુદરતી આકાર જ બદલી નાંખવામાં આવે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મ્યાનમાર (બર્મા)માં વસતી કાયન જાતિ છે!

કાયન જાતિની સ્ત્રીઓ ગળામાં પિત્તળની બનેલી ભારે કોઈલ્સ પહેરવા ટેવાયેલી છે. ના, અહીં કોઈ સમૃદ્ધિ કે પછી સંપત્તિના દેખાવાનાભાગરૂપ નહીં, પરંતુ ગળાના આકારને વધુ સુંદર બનાવવા માટે આ પ્રકારની એક કરતા વધુ કોઈલ ગળામાં પહેરવામાં આવે છે. આ પ્રકારની સુડોળ અને સુરેખ ગરદનને સૌંદર્યની નિશાની ગણવામાં આવે છે. નાની વયથી લઈને મોટી ઉંમરની તમામ મહિલાઓ આ પ્રકારની કોઈલ ગળામાં પહેરેલી નજરે ચડે છે. 
આ ઉપરાંત, આપણા પાડોશી દેશ એવા ચીનની વાત કરીએ તો, ઊંચા અને નીચા એમ બંને દરજ્જાની યુવાન છોકરીઓના પગ વાળવાની એક અજબ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. ચિત્ર જોઇને થોડી વિચિત્રતાઓ અનુભવ થાય, પરંતુ ચીનના પુરુષો આ પ્રકારના વળેલા પગ પ્રત્યે ખૂબ આકર્ષાય છે.આ પ્રથામાં યુવાન છોકરીઓના પગોને એક વિશિષ્ટ પ્રકારના પ્રવાહીમાં મુકવામાં આવે છે, ત્યારબાદ તેમને પગમાં મસાજ કરી, પગની એક એક આંગળીઓને વાળવામાં આવે છે અને પછી પગને એક કપડામાં મજબૂતાઈથી બાંધવામાં આવે છે. થોડા થોડા સમયે એ કપડાને ખોલી ફરી બાંધવામાં આવે છે અને જ્યારે પગનું કદ૪ ઇંચ જેટલું થઇ જાય ત્યારે એ કપડું કાઢી નાંખવામાં આવે છે. આ પ્રથા બાદ સ્ત્રીઓ કોઈ પણ પ્રકારનું કામ કરી શકતી નથી અને તેથી જ તેમને કોઈ ધનવાન પુરુષની કે પછી કોઈ નોકરિયાત માણસની પત્ની તરીકે જ બાકીનું જીવન પસાર કરવાનું હોય છે. આ પ્રકારના બોડી મૉડિફિકેશનથી સ્ત્રી સંપૂર્ણરીતે પુરુષ પર નિર્ભર રહે છે અને કોઈ સામાજિક પ્રસંગે પણ પુરુષ વિના ઘરની બહાર નીકળી શકતી નથી. 

તો વળી, કેટલીક સંસ્કૃતિમાં આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અથવા તો પીડામાંથી મુક્ત થવા થોડા સમય પૂરતો શરીરમાં ફેરફાર કરવામાં આવે છે. અમેરિકાની એક જાતિમાં પુરૂષો કેટલાક ધાર્મિક પ્રસંગો દરમિયાન તેમના ખભા અથવા તો છાતી પર પિયર્સિંગ કરાવી પોતાના શરીરને હવામાં અદ્ધર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન, ભૂતકાળમાં આજ પ્રકારના રિવાજમાંથી પસાર થઇ ચુકેલી વ્યક્તિ એ પુરૂષના શરીરમાં છેદ કરે છે અને ત્યારબાદ તેને હવામાં અદ્ધર લટકાવે છે. આ પ્રકારનીપ્રક્રિયાઓને ધર્મ સાથે જોડી સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયેલો એ પુરૂષ ઈશ્વરની વધુ નજીક પહોંચે છે એવું માનવામાં આવે છે. હજી પણ કેટલીક જગ્યાએ શરીરમાં આ પ્રકારના કામચલાઉ કે પછી કાયમીફેરફારો કરવામાં આવે છે. જ્યારે ચીનમાં પ્રચલિત પગ વાળવાની પ્રક્રિયા હવે મોટે ભાગે બંધ થઇ ગઈ છે. પ્રાચીન સમયની પ્રથાને તથા ધર્મ અને પરિવારના વારસાને જાળવવા તેમજ સંસ્કૃતિને સન્માનિત કરવાની સાથે હવે પશ્ચિમી દેશોમાં બોડી મૉડિફિકેશન એ કળા સંબંધિત કે પછી પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે.

આધુનિક સમયમાં પ્રચલિત બોડી મૉડિફિકેશન

કાનમાં અને નાકમાં પહેરવામાં આવતી કડીઓ આજે ભલે મોડર્ન દેખાવ પૂરો પાડતી હોય પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે નાકમાં કડી પહેરવાનો રિવાજ મધ્ય પૂર્વના દેશોમાં ૪૦૦૦ વર્ષ જૂની પ્રથા છે. ભારતમાં ૧૬મી સદીથી આ પ્રથા શરૂ થઇ હતી, જે હજી પણ કેટલાક સ્થળોએ એક પ્રથાના ભાગરૂપે જ જીવંત છે, પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓએ એને 'ફેશન' તરીકે અપનાવતા આજે એક પ્રકારનું 'ફેશન સિમ્બોલ' બની ગયું છે. અલબત્ત, બાઈબલમાં પણ કાન અને નાક વીંધાવવા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દક્ષિણપૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં હોઠો પર પિયર્સિંગ કરાવવાનું ચલણ પણ પ્રખ્યાત છે. વળી, ‘ટેટૂ એ ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવ્યું હતું. આમ છતાં, એનો માનવશરીર પર પ્રયાસ ૧૦,૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જેમાં સમય પ્રમાણે પદ્ધતિસરનો બદલાવ થતો રહ્યો છે.    

૬ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Friday, August 9, 2013

એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે....




અવુલ પકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ જે સામાન્ય રીતે ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નામે જાણીતા છે, તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૩૧માં તમિલનાડુરાજ્યના રામેશ્વરમમાં થયો હતો. તેમણે સેન્ટ જોસેફ કોલેજમાંથી ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.) માંથી એરોસ્પેસ એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા અનેક એવોર્ડ્સથી નવાજાયેલા અબ્દુલ કલામ આજના યુવાનોની સાથે રહી તેમના સ્વપ્નોને સાકાર કરવા માટે બળ આપવાનું કાર્ય કરે છે. 'મિસાઈલ મેન' તરીકે જાણીતા કલામ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા પર પણ રહી ચુક્યા છે. અબ્દુલ કલામે તેમની આત્મકથા 'વિંગ્સ ઓફ ફાયર', ઉપરાંત 'ઇન્ડિયા ૨૦૨૦' અને 'ઇગ્નાઈટેડ માઈન્ડ' જેવા અનેક પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા છે. હાલમાં જ તેમની એક ચળવળના ભાગરૂપે તેઓ 'ઇગ્નાઈટેડ માઈન્ડ: ધ પાવર' વિષય પર તેમના વિચારો આપવા સુરતની એક શાળાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથેની ખાસ મુલાકાતમાં થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

તમારૂ વિજ્ઞાની બનવા માટેનું પ્રેરકબળ કયું?
મારા વિજ્ઞાની બનવા પાછળ એક શિક્ષક જવાબદાર છે. જ્યારે મારા એક શિક્ષકબોર્ડ પર પક્ષી કઈ રીતે ઉડે એ સમજાવતા હતાઅને જે રીતે સમજાવતા હતા, હું મુગ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ તેમણે મને દરિયાકિનારે લઇ જઈ પક્ષીઓને ઉડતા બતાવ્યા. આ બે ઘટનાઓએ મારા મનમાં ઉડ્ડયનને લગતું કંઇક કરવાની પ્રેરણા આપી અને હું વિજ્ઞાની બન્યો.

યુવાપેઢીને મળવા માટે તમે વર્ષ ૧૯૯૯માં 'સાયન્ટિફિક એડવાઈઝર'નાપદેથી રાજીનામું આપ્યું. આ ચળવળનો હેતુ શું હતો અને દેશના યુવાનો પર તેની અસર શું થઇ?
છેલ્લા ૧૨ વર્ષોમાં હું ૧૫ મિલિયન વિદ્યાર્થીઓને મળ્યો છું અને આ વિદ્યાર્થીઓ માત્ર કોઈ એક નિશ્ચિત પ્રદેશના નહીં, પરંતુ સમગ્ર દેશના છે. મેં તેમના સ્વપ્નોને જોયા છે, જાણ્યા છે અને મારું કાર્ય તેમને વિશ્વાસ આપવાનો છે. "તમે મહાન બની શકો છો. તમે અદ્વિતીય છો." આ શબ્દોથી તેમનામાં સફળતાના શિખરે પહોંચી શકવાની આશા જન્માવવાનું અને આ જ વિશ્વાસ અને સ્વપ્નાઓને વિદ્યાર્થીઓમાં પહોંચાડવાનું કાર્ય હું કરું છું.

તમે આટલા યુવાનોને મળો છો. તમને ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?
મારી દ્રષ્ટિએ યુવાનો સમૃદ્ધ અને સ્વસ્થ સમાજમાં રહેવા માગે છે. તેઓ દેશને વિકસતો જોવા માગે છે અને આ વિકાસમાં સહભાગી બનવા માગે છે. તેમણે જીવંત વાતાવરણમાં ઉછરવું છે અને તેમણે પણ દેશની સમૃદ્ધિને વધારવી છે.

યુવાનો માટે તમે 'વ્હોટ કેન આઈ ગિવ મુવમેન્ટ' મિશન શરૂ કર્યું હતું. આ મિશનથી સમાજમાં શું અસર થઇ?
૧૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમે આ મિશનની શરૂઆત કરી અને તેનો એકમાત્ર હેતુ યુવાનોને કશુંક 'આપવાનો' હતો. જ્યારે પણ હું આ મિશન વિશે કશે પણ વાત કરું છું ત્યારે ત્રણ મહત્ત્વના સંદેશાઓ રજૂ કરું છું:૧.આ મિશન શાળાઓ અને કોલેજોના વિધાર્થીઓ તથા આજના યુવાનોના આત્મબળ અને સ્વયમસંચાલનથી ચાલતું મિશન છે. ૨. આ મિશનમાં કશે પણ પૈસાનો વ્યવહાર સમાવિષ્ટ નથી. આ માત્ર યુવાનોને પ્રેરવા માટેની વિનામૂલ્ય સેવા છે જેમાં યુવાનોને એકબીજાને તથા તેમની આસપાસની કમ્યુનિટીને કંઇક આપવાનો સંદેશો મળે.૩. અને આ માટે નેતૃત્ત્વ કરવાની આવડત તેમનામાં જાતે જ ઉદભવે છે. દૂર બેઠેલા કોઈ નેતાઓ આમાં સામેલ નથી.

આજના યુવાનોને તમે સ્વપ્નો જોવા પ્રેરણા આપો છો, પરંતુ તેમનું વિઝન ઝાંખું છે. તેમની ઈચ્છા પ્રમાણે તેઓ સ્વપ્નો જોઈ નથી શકતા. તો યુવાનો કઈ રીતે વિકાસમાં મદદરૂપ થઇ શકે?
વાસ્તવમાં બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નોથી જીવનમાં આગળ વધે છે. માતા-પિતાએ તેમના બાળકોના ભવિષ્યને સુંદર આકાર આપવો હોય છે અને આથી જ ૯૦% બાળકો તેમના માતા-પિતાના સ્વપ્નાઓ સાથે જીવતા હોય છે અને ઘણીવાર બાળકોના અને માતા પિતાના વિચારો વચ્ચે સંઘર્ષનો પણ જન્મ થાય છે. બાળકો માટેની માતા-પિતાની લાગણીઓ ઉત્તમ જ હોય છે, પરંતુ હું અંગત રીતે માનું છું કે હવે સમય આવી ગયો છે કે બાળકો પોતાના સ્વપ્નાઓને જીવે. બાળકોએ માતા પિતાને પોતાના રસ અને આવડત અંગે વિશ્વાસ અપાવવો જોઈએ અને એ અરસપરસના પ્રેમ અને હૂંફથી જ શક્ય બને છે.

આપણી શિક્ષણપ્રથા વિશે તમારું શું માનવું છે તથા આપણા દેશમાં યુવાન વિજ્ઞાનીઓ માટે સંશોધનોની  કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
ઉચ્ચતર અભ્યાસની ગુણવત્તા સુધારવા આપણે સૌપ્રથમ પ્રાથમિક કક્ષાના શિક્ષણને સુધારવું જોઈએ. પ્રાથમિક શિક્ષણના સુધારા માટે આપણી પાસે ફરજીયાતપણે સર્જનાત્મક શિક્ષકો, સર્જનાત્મક અભ્યાસક્રમ અને સર્જનાત્મક વર્ગખંડો હોવા જરૂરી છે.

તમારું એક પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં તમે ભારતને જ્ઞાનક્ષેત્રે સુપરપાવર તરીકે કલ્પ્યું છે અને આપણો દેશ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાય એવું સ્વપ્ન પણ જોયું છે, પરંતુ આજની વાસ્તવિકતાને જોતા શું એ શક્ય લાગે છે?
મારુ ધ્યેય સુપર પાવર કરતા આર્થિક રીતે સમૃદ્ધ દેશ બનવાનું છે, જે નિરક્ષરતા અને ગરીબીથી મુક્ત હોય. વર્ષ ૨૦૦૮ સુધી આપણી પ્રગતિ વ્યવસ્થિતપણે ચાલી રહી હતી, પરંતુ ત્યારબાદ તેમાં કેટલીક અડચણો આવી છે. આમ છતાં, આપણી પાસે હજી બીજા સાત વર્ષો બાકી છે અને તે દરમિયાન પણ ઘણા પડકારો આપણી સમક્ષ ઉભા થઇ શકે છે. આપણે હવે પછીના સાત વર્ષોમાં આપણો જી.ડી.પી. ગ્રોથ ૧૦% જેટલો મેળવવા માટે પ્રયાસ કરવાનો છે. મારા મત પ્રમાણે આ ગ્રોથ રેટ હાંસલ કરવા આપણે આર્થિક દ્રષ્ટિએ જરૂરી એવા ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં કામ કરવાનું છે. જેમાં PURA (પ્રોવિઝન ઓફ અર્બન એમેનિટીઝ ઇન રૂરલ એરિયા- ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓની જોગવાઈ), નાના દરજ્જાના ઉદ્યોગો અને કૃષિક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ત્રણેય ક્ષેત્રો આર્થિક વિકાસ માટે મહત્ત્વના છે અને 'આપણે એ કરી શકીશું' એવા આત્મબળથી ઘણો મોટો સુધારો થઇ શકે છે. 

તમે 'સ્પેસ બેઝ્ડ સોલર પાવર'ના મજબૂત સમર્થક છો. વર્ષ ૨૦૧૨માં ચીન સાથે પણ સોલર પાવર સેટેલાઈટના સામૂહિક વિકાસ માટેની વાટાઘાટો થઇ હતી. આ વિશે થોડી માહિતી આપી શકો?
હાલની સોલર સિસ્ટમથી આપણે દિવસ દરમિયાન ૬થી ૮ કલાક સુધી સૌરઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ જો આ ટેકનોલોજી અવકાશમાં વિકસાવીએ તો ચોવીસ કલાક સૌરઉર્જા મેળવી શકાય. આ એક ખૂબ જ જટિલ મિશન છે, જેમાં અવકાશ ક્ષેત્રે કાર્યરત તમામ દેશોના સહકાર અને જ્ઞાનની જરૂરિયાત છે. આ સમગ્ર મિશનમાં અવકાશમાંથી ભરપૂર માત્રામાં સૌરઉર્જાને પૃથ્વી પર લાવી ઓછી કિંમતે તેનો ઉપયોગ કરવા અંગેના પ્રયોગોનો સમાવેશ થાય છે.   

હાલમાં જ ઉત્તરાખંડમાં હજારો લોકો કુદરતી હોનારતના ભોગ બન્યા. વિજ્ઞાન આ લોકોના જીવ કઈ રીતે બચાવી શકવા સક્ષમ હતું?
ભારત પાસે કેટલાક પોલરમેટ્રિક રડારની સુવિધા ઉપલબ્ધ છે. આ રડારની મદદથી આપણે વાદળમાંથી કેટલો વરસાદ વરસવાની સંભાવના છે એ પણ નોંધી શકીએ છીએ. આમ વરસાદની ગંભીરતા સૂચવતા આ પ્રકારના સાધનો ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં અનિવાર્ય છે અને એના થકી જ આપણે હજારો લોકોના જીવ બચાવી શક્યા હોત.

આપણે 'મિડ ડે મિલ' તથા પાકિસ્તાન તરફથી વારંવાર આતંકવાદી હુમલાઓ જેવી અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. વિજ્ઞાન આ પ્રકારની સમસ્યામાં કઈ રીતે મદદરૂપ થઇ શકે?
આ એક આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે. મિડ ડે મિલની વાત કરીએ તો તમે જે અનાજ ખરીદો છો એ પહેલા નિશ્ચિત પ્રક્રિયાઓમાંથી પસાર થવું જોઈએ. આ માટે આપણે એક ટેસ્ટ લેબોરેટરી પણ વિકસાવવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ગુણવત્તાની જાળવણી કરવી જોઈએ. જે વાસણો આ તમામ અનાજ માટે વપરાય છે, જેમાં રાંધવામાં આવે છે એની ગુણવત્તા ચકાસવી પણ અત્યંત જરૂરી છે. આ માટે જરૂર પડે તો નિયમિત ઇન્સપેક્શન પણ ગોઠવવું જોઈએ અને સૌથી મહત્ત્વનું એ છે કે આ બાળકો માટે કેટલાક દયાળુ લોકોએ એક મિશન તરીકે કામ હાથ ધરવું જોઈએ. અનેક ટેકનોલોજી આપણને આ સ્થિતિ નિવારવામાં મદદરૂપ થઇ શકે છે, પરંતુ વિકાસ માટે વ્યૂહાત્મક યોજના કે પોલિસીની સૌથી વધારે જરૂર છે.

વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતે માનવ મંગળયાત્રા અને સમાનવ ચંદ્રયાત્રા વિશેના સ્વપ્નો સેવ્યા છે. આ વિશે તમારી શું માન્યતા છે?
હાલના ટેકનોલોજીકલ વિકાસને જોતા વર્ષ ૨૦૩૦ સુધીમાં નિશ્ચિતપણે આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકીશું એવી મારી ધારણા છે. ઈસરોના ચેરમેન પણ આ હકીકતને સમર્થન આપે છે. હું પૃથ્વી, ચંદ્ર અને મંગળ ગ્રહો વચ્ચે ઇકોનોમિક કનેક્ટિવિટી એટલે કે આર્થિક વ્યવહાર સંભવિત થશે એવી કલ્પના કરું છું.       

'ઇગ્નાઈટેડ માઈન્ડ'માં તમે 'સાધુસંતો પાસેથી શીખ' નામે એક આખું પ્રકરણ લખ્યું છે. ધર્મ અને સાયન્સ વચ્ચે શું સંબંધ છે?
સાયન્સ તર્ક પર આધાર રાખે છે અને ધર્મ શ્રદ્ધાના પાયા પર ઘડાયેલું છે. વિજ્ઞાનની ટેકનોલોજી આર્થિક સમૃદ્ધિ લાવે છે. તે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે અને ટેકનોલોજી જ તેમના જીવનમાં સુખાકારી લાવે છે, પરંતુ ધર્મ તેમના જીવનને શાંતિપૂર્ણ બનાવે છે. આથી એ બંનેનું સહઅસ્તિત્વ જીવનમાં જરૂરી છે.

૧૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "સાયન્સ ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, August 6, 2013

પડદે કે પીછે: રિયલ લાઈફની વાસ્તવિકતા




જિન દિલોમેં રહા મેં બરસો તક, એક હિસ્સા ઉનમેં મેરા ભી થા,
ફિર વહીં રહેના હૈ મુજે, ઘર યાદ આતા હૈ મુજે!

જીવનના અમૂલ્ય વીસ-પચ્ચીસ વર્ષ માતા-પિતાની હૂંફ અને છાયામાં રહેલી દરેક સ્ત્રી આ ગીતોના શબ્દને સદા પંપાળતી રહેતી હોય છે. સૂજેલી આંખો કે પછી ચહેરા પર આંગળીઓની છાપવાળી એકાદ સ્ત્રી તો આપણે સૌએ એકાદ વાર તો નિહાળી જ હશે! અને આ દ્રશ્ય કોઈ નાનકડા ગામ કે તાલુકાનું નહીં, આપણાકહેવાતા વિકસિત સમાજનું જ વર્ણન છે,જયાં સ્ત્રીઓ પર હાથ ઉઠાવવો એ પૌરુષત્વનું એક પરિમાણ છે! સમગ્ર વિશ્વમાં, હા, અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા દેશોથી લઈને અનેક વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ આ પ્રકારની ઘરેલું હિંસાનો ભોગ બનતી આવી છે! કેટલીક વિખ્યાત સ્ત્રીઓ એવી છે જેઓએ લાખો-કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે, પરંતુ માધ્યમોએ જેમને સ્ટાર્સ કે સેલિબ્રિટીનું બિરુદ આપ્યું છે એ સ્ત્રીઓ પણ આ પ્રકારના ડોમેસ્ટિક અબ્યુસ (ઘરેલું હિંસા)નો ભોગ બની છે, પરંતુ સહન કરવા કરતા તેમણે એની સામે અવાજ ઉઠાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

તાજેતરમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ (૧૯૯૯) યુકતા મુખીએ પણ એના પતિ પ્રિન્સ તુલી સામે પોતાના પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન દહેજ તથા અસ્વાભાવિક કામવાસના ઉપરાંત ઘરેલું હિંસાના આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. યુકતા મુખી અને પ્રિન્સ તુલીએ ૨ નવેમ્બર, ૨૦૦૮ના રોજ નાગપુર ગુરૂદ્વારામાં પરંપરાગત શિખ શૈલીમાં લગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી યુકતા મુખી એના ત્રણ વર્ષના નાના બાળક સાથે એના માતા-પિતાને ત્યાં રહે છે. ૨૦ વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ બોલિવૂડમાં થોડી ઘણી ફિલ્મોમાં અભિનય કરીને ઠરીઠામ થયેલી યુકતા મુખી હોય કે પછી દેશના નાના કોઈ ગામમાં રહેતી અને પતિને જ સર્વસ્વ માનતી નિરક્ષર સ્ત્રી, બંનેની સ્થિતિમાં ઝાઝો તફાવત નથી, કારણ કે બંને સરખી જ હિંસાના સાક્ષી બન્યા છે. હા, ફરક માત્ર એટલો છે કે યુકતા મુખી દેશની એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે અને તેથી જ તેણે અવાજ ઉઠાવવાની હિંમત કરી, જે અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણાદાયક વાત બની રહે છે.

પ્રસિદ્ધ ટીવી કલાકાર અને 'પ્રેરણા'ના નામે જાણીતી થયેલી શ્વેતા તિવારી અને રાજા ચૌધરીના લગ્ન ભંગાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ૧૮ વર્ષની કાચી ઉંમરે લગ્ન કરી અને ઘરેલું હિંસાનો ભોગ બની,૧૪ વર્ષ સુધી એ ભૂલને નિભાવી,ગયા વર્ષે એ કાનૂની રીતે લગ્નમાંથી મુક્ત થઇ! તાજેતરમાં તેણે બીજા લગ્ન કર્યાં છે. બોલિવૂડની રીલ થોડી પાછળ લઇ જઈએ તો 'સત્યમ, શિવમ, સુન્દરમ'માં બોલ્ડ અને આકર્ષક દેખાવવાળી ઝિન્નત અમાન આપણી નજરે ચઢે છે. ફિલ્મી પડદા પર અભિનયથી દેશના તમામ લોકોને ઘાયલ કરનારી ઝિન્નત અમાન એની ઓફ સ્ક્રીન લાઈફમાં પોતે ઘણીવાર ઘાયલ થઇ ચુકી છે. હા, બે વાર લગ્ન કર્યા હોવા છતાં બંને વાર એ ઘરેલું હિંસાનો ભોગ બની હતી. 

વર્ષ ૧૯૭૦માં મિસ એશિયા પેસિફિકનું બિરુદ મેળવનાર ઝિન્નત અમાને ૨૦ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ તે સમયના પ્રખ્યાત અભિનેતા સંજય ખાન સાથે નિકાહ કર્યા પરંતુ જાહેરમાં વારંવાર થતી મારપીટ અને શારીરિક અપમાનથી ત્રાસીને તેણે સંજય ખાનથી છુટા પડવાનું નક્કી કર્યું. એક વાર તો સંજય ખાને તેને એટલી ક્રૂરતાથી મારી હતી કે તેની એક આંખને ઘણું નુકસાન પહોંચ્યું હતું. આથી ૨૪ નવેમ્બર, ૧૯૭૯ના રોજ ઝિન્નત અમાને સંજય ખાન સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું. ત્યારબાદ લગભગ ૬ વર્ષના સમયગાળા બાદ ફરીથી ઝિન્નત અમાને મઝહર ખાન સાથે લગ્ન કર્યા. મઝહર ખાન પણ બોલિવૂડનો એક જાણીતો કલાકાર હતો, પરંતુ ઝિન્નત અમાનનું આ બીજું લગ્નજીવન પણ નિષ્ફળ નીવડ્યું. મઝહર ખાન પણ વારંવાર ઝિન્નત અમાનને મારતો અને શારીરિક ઈજા પહોંચાડતો. આથી ફરી ઝિન્નત અમાને આ લગ્નજીવનને ટૂંકાવ્યું. અહીં, સમાજની ઈજ્જત કે પછી 'સ્ત્રી એટલે તો સહનશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ' જેવી ઉક્તિઓને અપનાવવા કરતા ઝિન્નત અમાને બહાદુરીપૂર્વક પોતાની પર થયેલા અત્યાચારોને વાચા આપી હતી અને એ જમાનામાં પણ ડાઈવોર્સ આપવાની હિંમત દેખાડી હતી. આજે પણ સ્ત્રીએ પોતાના પર થતા દરેક અત્યાચાર સામે અવાજ ઉઠાવતા શીખવું જોઈએ. જ્યારે બગીચામાં કોઈ એક વૃક્ષના નાના પાંદડા પર જીવાત લાગે છે ત્યારે વિના વિલંબે એ પાંદડું કાઢી નાખવામાં આવે છે, જેથી કરીને આખા બગીચાને બચાવી શકાય, પરંતુ જ્યારે કોઈ પતિ કે પ્રિયતમ પહેલી વખત આ પ્રકારની હિંસા આચરે છે, ત્યારે એને શરૂઆથી જ શા માટે અટકાવવામાં નથી આવતી? દરેક સ્ત્રીએ એ પહેલા અત્યાચાર સમયે જ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી કરીને તેમના જીવનરૂપી આખો બગીચો સલામત રહે.

આપણો સમાજ વિકસી તો રહ્યો છે, પણ સાથે જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ છે એમાંથી શું તે સંપૂર્ણ રીતે મુક્ત થયો છે ખરો? તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ભારતમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ઘરેલું હિંસાના અનેક કેસો હવે વધતા જાય છે. પ્રખ્યાત બ્રિટીશ ફૂડ રાઈટર અને જર્નાલિસ્ટ નિગેલા લોસે પણ એના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો દાવો કરી છૂટાછેડા માટે અરજી કરી હતી. વળી, બાર્બાડોસમાં જન્મેલી અને આર એન્ડ બી સોલ મ્યુઝિક માટે જાણીતી થયેલી રિહાનાએ પણ વર્ષ ૨૦૦૯માં એના બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉન વિરુદ્ધ શારીરિક હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી. એના ગંભીર રીતે જખમી ચહેરાને જોઈ પોલીસે તરત જ ક્રિસને કેદ કર્યો હતો. વિશ્વમાં દરેક જગ્યાએ  સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં અમેરિકા પણ બાકાદ રહ્યું નથી. અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી હેલી બેરી પણ તેના પૂર્વ બોયફ્રેન્ડ ગેબ્રિઅલ ઓબ્રેય તરફથી શારીરિક હિંસાનો ભોગ બની હતી અને એના પરિણામ સ્વરૂપ બેરીના એક કાનની શ્રવણશક્તિને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું!

બધાને આવી ભૂલો સુધારવાની તકો નથી મળતી અને વળી, આ બધામાં, જન્મેલા બાળકોની શું સ્થિતિ થતી હશે? 'એતો બાળક આવશે એટલે બધું સરખું થઇ જશે' આ પ્રકારની જડ અને ખોટી માન્યતા તથાસંકુચિત વિચારસરણીએ કેટલી સ્ત્રીઓ અને કેટલા બાળકોની જિંદગીને નરક બનાવી છે.આમ છતાં, " ગામડાની સ્ત્રીઓ આપણા કહેવાતા 'શહેરી સમાજ' કરતાં વધુ બહાદુર અને નિખાલસ હોય છે. તેઓ સમાજની પરવા કર્યા વગર તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. જ્યારે શહેરની સ્ત્રીઓ પોતાના પર થતાં અત્યાચારોને ચાર દીવાલોની વચ્ચે દાબી દેવામાં જ હોંશિયારી સમજે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવ કરતા બધું સારું હોવાનો દેખાડો કરે છે."આ શબ્દોપ્રખ્યાત બંગાળી લેખિકા અને કાર્યકર્તા તસ્લીમા નસરીનના છે. તેઓઆગળ કહે છે કે, " મધ્યમ વર્ગના અને કેટલાક ચુનંદા લોકો જ સૌથી વધારે ઘરેલું હિંસાના ભોગ બનતા હોય છે અને તે પણ સ્ત્રીને જેની સાથે સૌથી વધુ આત્મીયતા હોય એવા પતિ કે પછી બોયફ્રેન્ડ પાસેથી જ આવી હિંસાનો સામનો કરવો પડતો હોય છે. "

સ્ત્રીઓના હક માટે લડત આપતી જાણીતી કાર્યકર્તા રંજના કુમારી કહે છે કે," મોટી હસ્તીઓના આ પ્રકારના પગલાઓથી હું ખૂબ ખુશ થઇ છું. ભ્રામક પ્રતિષ્ઠાને સાચવવા કરતા, ડર્યા વગર હવે એ લોકો પણ અવાજ ઉઠાવતા થયા છે. આથી તેમને અનુસરતી બીજી કેટલીય સ્ત્રીઓને આમ કરવા માટે પ્રોત્સાહન મળશે." આ તો માત્ર એવી સ્ત્રીઓ છે જેણે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે, પરંતુ જો સાચ્ચે જ આ મુદ્દા માટે ઊંડાણપૂર્વક વિચારવા અને રિસર્ચ કરવા જઈએ તો ઘણી ગંભીર અને ચોંકાવનારી હકીકતોનો સામનો કરવો પડે એમ છે. 

૬ જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, July 29, 2013

રઝિયા સુલતાન: બાળમજૂરીથી યુ.એન. પુરસ્કાર સુધીની સફર



આમિરખાનની એક પ્રખ્યાત ફિલ્મ 'તારે ઝમીં પર'માં એક ગીત દરમિયાન આમિર ખાન ચાની લારી પર કામ કરતા એક નાના છોકરાને પાસે બોલાવી ચા-બિસ્કીટ આપતો હોય એવું દ્રશ્ય ફિલ્માવાયું હતું. ફિલ્મમાં આ સીન બાળમજૂરી જેવા દૂષણ માટે ખૂબ જ સાંકેતિક અને આંખોમાં પાણી લાવી દે એ પ્રકારનું હતું, પરંતુ જો વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસકરવા જઈએ તો આનાથી પણ વધુ ગંભીર વાસ્તવિક ચિત્રો ઉપસી શકે એમ છે, જેને પગ તળે કચડી આપણો ભારત દેશ શ્વાસ લઇ રહ્યો છે!ભારતની કુલ ૧.૨૭ અબજ વસતીમાંથી ૪૪ કરોડ તો માત્ર બાળકો છે. એનો અર્થ એ થાય કે વિશ્વનું દર પાંચમું બાળક ભારતીય છે!સરકારી આંકડાઓ પ્રમાણે આ બાળકો પૈકીનાએક કરોડ વીસ લાખ જેટલા બાળકોબાળમજૂરો છે, પરંતુ અન્ય સરકારી આંકડાઓની જેમ આ આંકડા પણ હકીકતનું પૂરી રીતે સ્પષ્ટીકરણ કરતા નથી, કારણ કે બિનસરકારી સંસ્થાઓના એક સરવે પ્રમાણે આ સંખ્યા લગભગ ૬ કરોડ જેટલી છે!

'છોટુ પેલું ટેબલ સાફ કર, બીજા ગ્રાહકો લાઈનમાં ઉભા છે.', 'છોટુ ટેબલ નંબર ૭નું બિલ લઇ આવ' આવા કેટલાય 'છોટુ'ને આપણે રોજ આપણી આસપાસ જોઈએ છીએ અને એની અવગણના કરીને કે પછી એની સાથે બે ઘડી વાત કરીને ત્યાંથી જતા રહીએ છીએ, પરંતુ કેટલાક લોકો હજી પણ હયાત છે જે વર્ષોથી ચાલતી આવતી આ પ્રણાલીને બદલવા કટિબદ્ધ થયા છે. "બાળકોના માતા-પિતા પોતાના જ સંતાન પાસે કામ કરાવવા મજબૂર હોય છે અને તેઓ સરળતાથી આ 'કમાણી' જતી કરવા તૈયાર નથી હોતા! કામ છોડી શાળાએ મોકલવા જેવી વાત માટે એમને તૈયાર કરવા એ સૌથી કઠિન પરીક્ષા હતી, પરંતુ અમે દૃઢતાપૂર્વક આ કામ માટે મંડી પડ્યા. અમે આ નિરક્ષર માબાપને સમજાવ્યું કે, જેટલું તેઓ શાળામાં ભણીને કમાઈ શકશે તેટલું આ મજૂરી દ્વારા ક્યારેય નહીં કમાઈ શકે અને અંતે એમાંનાં કેટલાક લોકો આ વાત સમજ્યા." આ શબ્દો ૧૬ વર્ષની કિશોરી રઝિયા સુલતાનના છે. હાલમાં ૧૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ યુ.એન.એ શિક્ષણના ફેલાવામાં રઝિયા સુલતાનની અવર્ણનીય કામગીરી માટે એને સૌ પ્રથમ મલાલા એવોર્ડ એનાયત કર્યો હતો. આ સામાન્ય કિશોરીની અસામાન્ય જીવનકથા જાણવા જેવી છે. ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં મેરઠ નામનું એક શહેર વસેલું છે. આ શહેરમાં નાંગલાકુંભા કરીને એક નાનકડા ગામમાં રહેતી રઝિયા બાળપણમાં બાળમજૂરીનો ભોગ બની ચુકી છે. માત્ર ચાર વર્ષની નાની વયે એ ગામની અન્ય કિશોરીઓની જેમ ફૂટબોલના સીવણનું કાર્ય કરતી હતી, પરંતુ એક બિનસરકારી સંસ્થાએ એને આ કાળી મજૂરીમાંથી ઉગારી લીધી અને શાળામાં પ્રવેશ અપાવ્યો. મહાન બનવા માટે ખાસ સંસાધનો કે પછી સુવિધાઓની જરૂર નથી હોતી, માત્ર કંઇક બદલવાની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોવો જરૂરી છે. આ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરનાર રઝિયાએ ૪૮ જેટલા બાળકોને આવી મજૂરીમાંથી મુક્ત કરાવી શાળાકીય અભ્યાસમાં લગાવ્યા છે.

પોતાના ગામમાં શિક્ષણ માટેની ક્રાંતિ લાવનાર આ કિશોરીએ માત્ર બાળમજૂરી કરતા બાળકોને તેમાંથી ઉગાર્યા નથી, પરંતુ એમના શિક્ષણ અને વ્યવસ્થા માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. શાળામાં બાથરૂમ,હેન્ડપંપ, પૂરતા વર્ગખંડો અને પુસ્તકાલય તથા બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ પૂરતી સુવિધા ન હોય એવી સ્થિતિમાં વધુ બાળકોને શાળામાં જવા પ્રેરવા ખૂબ જ મુશ્કેલ કાર્ય બની રહે છે. આથી ક્રમશઃ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી રઝિયાએ પોતાના વિચારનું અમલીકરણ શરૂ કર્યું. જ્યારે દસ સભ્યોની પંચાયતમાં એ મુખ્યા તરીકે પસંદગી પામી ત્યારે એણે ગામની પંચાયતને આ પ્રવૃત્તિ માટે વધુ બળવાન બનાવી, પરંતુ અહીં પણ રસ્તો સરળ ન હતો. કેટલાક લોકો આ ચળવળ માટે એના વિરોધી બન્યા તથા એની આ ફરિયાદોની અવગણના કરી,પરંતુ પોતાના લક્ષ્યને વળગીને રહીરઝિયાએ કામ ચાલુ રાખ્યું અને અંતે ૨૨ જેટલી શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા. રઝિયાએ આ પ્રવૃત્તિ માત્ર પોતાના મેરઠ જિલ્લા સુધી માર્યાદિત ન રાખતા અન્ય વિસ્તારોમાં પણ ફેલાવી. એણે બિનસરકારી સંસ્થાના યુવા નેતા તરીકે બધા જ ધર્મોના લોકોમાં શિક્ષણ અને બાળમજૂરી વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કર્યા હતા. વળી, વિવિધ ઘરે ઘરે ફરીનેય નિરક્ષરતા અને બાળમજૂરી ભારતને કેટલે અંશે પાંગળું બનાવી રહી છે એ વિશે લોકોને સમજૂતી પૂરી પાડી હતી. રઝિયાનું આ શાળાકીય અભ્યાસની મહત્તા અને સાક્ષરતા અભિયાન નેપાળ સુધી વિસ્તર્યું હતું.

૧૬ વર્ષની નાની ઉંમરમાં પોતાના પર વીતેલી યાતનાઓના દુઃસ્વપ્નને વિસરી, ભારતમાં આવા અભૂતપૂર્વ પરિવર્તનની શરૂઆત કરવા બદલ રઝિયા યુ.એન.ના પ્રથમ મલાલા પુરસ્કારની હકદાર બની છે.ગત વર્ષે પાકિસ્તાનની યુવતી મલાલા યુસુફ્ઝાઈએ કિશોરીઓના પાકિસ્તાનમાં ભણતર પરના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો. સ્ત્રીઓની પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં સ્થિતિ કેવી હોય છે એ આપણે સૌ ઘણી સારી રીતે જાણીએ છીએ. એવા સંજોગોમાં રૂઢિચુસ્તોને પડકારવાની હિંમત દાખવનાર મલાલા પરતાલિબાનોએ ગોળી છોડી તેની હત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેમાં તે ગંભીરપણે ઘવાઈ હતી, પરંતુ મલાલાનો અડીખમ અભિગમ અને કાર્યનિષ્ઠાએ પાકિસ્તાન જેવા દેશમાં પણ પરિવર્તનની શરૂઆત કરી હતી. આથી એની આ બહાદુરી અને વિચારશીલતા માટે યુ.એન.ના સેક્રેટરી જનરલ બેન કિ-મૂને ૧૨મી જુલાઈને 'મલાલા ડે' તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ પાછળનો હેતુ બાળકોમાં શિક્ષણ વિશે જાગૃતતા ફેલાવવાનો અને વધુમાં વધુ બાળકોને શિક્ષિત બનાવવાનો છે અને આ જ દિવસના વિવિધ કાર્યક્રમ અંતર્ગત ભારતની આ સામાન્ય કિશોરી રઝિયા યુ.એન. પુરસ્કારની પ્રથમ દાવેદાર બની હતી.રઝિયાના માતા-પિતા પાસે એની આ સફળતાને બિરદાવવા માટે શબ્દો નથી. તેઓ પોતાને સૌથી નસીબદાર માની રહ્યા છે અને રઝિયાની આ હિંમત અને કાર્યપ્રણાલી માટે તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

ભારતમાં વર્ષ ૧૯૪૮માં ફેક્ટરી એક્ટ, વર્ષ ૧૯૫૨માં માઈન્સ એક્ટ, વર્ષ ૧૯૮૬માં બાળમજૂરીના પ્રતિબંધ માટેનો એક્ટ, વર્ષ ૨૦૦૦માં જુવેનાઈ જસ્ટિસ માટેનો ચિલ્ડ્રન એક્ટ અને વર્ષ ૨૦૦૯માં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ માટેના એક્ટ જેવા અનેક કાયદાઓબનાવવામાં આવ્યા છે. સરકારી પાના પરના આ કાયદાઓ અને વિવિધ શહેરોના રસ્તા પર હાથ ફેલાવતા બાળકોની સ્થિતિમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો તફાવત છે. આંકડાઓ અને હકીકતોની આ માયાજાળમાં આપણે બાળમજૂરીનો ભોગ બનતા બાળકોને કદાચ અવગણી રહ્યા છીએ. આથી જો રઝિયાની જેમ આપણે પણ માત્ર આપણી આસપાસ નજર દોડાવાની શરૂઆત કરીશું તો ઘણા બધા 'છોટુ'ને આવી કારમી ગુલામીમાંથી મુક્ત કરી શકીશું.

30મી જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, July 22, 2013

...જ્યારે બિરજુ મહારાજ કુલીને ભેટી પડ્યાં!





"દરેક કથક નૃત્યમાં એક વાર્તા રહેલી છે અને આ નૃત્યની શૈલી એ મારી જીવનગાથા છે. ઘૂંઘરુંની લયબદ્ધતા એ મારા હૃદયનો ધબકાર છે અને નૃત્યમાં અભિનય તથા મુદ્રાઓ થકી હલનચલન એ મારો શ્વાસ છે." એક ઇન્ટરવ્યુમાં જ્યારે પત્રકારે એક નૃત્યકાર તરીકે પોતાને વ્યાખ્યાયિત કરવા જણાવ્યું ત્યારે બિરજુ મહારાજે એક અનોખી શૈલીમાં આ પ્રકારનો ઉત્તર આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પંડિત બિરજુ મહારાજ ઈશ્વરી પ્રસાદજીના સીધા વંશજ છે. ઈશ્વરી પ્રસાદજી એ સૌપ્રથમ જાણીતા થયેલા કથક ગુરુ હતા. એમના વિશે એવું કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ એમના સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે ઈશ્વરી પ્રસાદજીને કથક નૃત્યનું પુનઃસ્થાપન કરવા જણાવ્યું હતું. ઈશ્વરી પ્રસાદજી ૧૦૦ વર્ષની દીર્ઘ આયુ સુધી કથક નૃત્યને એમના પુત્રો તથા અનુયાયીઓ સુધી પહોંચાડતા રહ્યા હતા. આવા કુળમાં જન્મેલા અને પરિવારની પરંપરાગત નૃત્યની શૈલીને આગળ વધારનારબિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ લખનૌમાં થયો હતો. તેમના પિતા તથા ગુરુ લખનૌ ઘરાનાના પ્રસિદ્ધ કથક નૃત્યકાર જગન્નાથ મહારાજ હતા,જેઓ અછ્છન મહારાજ તરીકે પણ ઓળખાતા હતા. બિરજુ મહારાજનું મૂળ નામ 'દુખહરણ' હતું, પરંતુ પાછળથી કૃષ્ણ ભગવાનના પર્યાય એવું 'બ્રિજમોહન' નામ રાખવામાં આવ્યું હતું. સમય જતા 'બ્રિજમોહન નાથ મિશ્રા' નામટૂંકાઈને તેમનું નામ 'બિરજુ' તરીકે પ્રસિદ્ધ થયું હતું.

કલાની ઉચ્ચ સમજ અને નૃત્ય તથા સંગીતના બંને ક્ષેત્રોમાં પ્રસિદ્ધિના શિખરો સર કરનાર બિરજુ મહારજની શ્રેષ્ઠ શિષ્યા સાસ્વતી સેને હાલમાં જ પોતાના ગુરુની સ્મરણાંજલિ રૂપે 'બિરજુ મહારાજ: ધ માસ્ટર થ્રુ માય આઈઝ' ('બિરજુ મહારાજ:એક શ્રેષ્ઠ નૃત્યકાર મારી દ્રષ્ટિએ)પુસ્તક પોતાના ગુરૂનેઅર્પણ કર્યું છે. સાસ્વતી સેન સત્યજીત રેની ફિલ્મ 'શતરંજ કે ખિલારી (૧૯૭૭)'માં મનમોહક નૃત્યના કારણે પ્રસિદ્ધ થયા હતા. બિરજુ મહારાજે દિલ્હીના જોરબાઘમાં સ્થાપેલા કલાશ્રામમાં તેઓ કથક ગુરુ તરીકે પણ ફરજ બજાવે છે. સાસ્વતી સેન પુસ્તક અંગે જણાવતા કહે છે કે," એક દસકા પહેલા હું ઠુમરીવિશેનાકેટલાક પુસ્તકો પર કામ કરતી હતી. આ પુસ્તકોનીપ્રક્રિયા દરમિયાન મને બિરજુ મહારાજ વિશે પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને જ્યારે આ પ્રકાશન તરફથી મહારાજજી પર પુસ્તક લખવા માટેની મને તક મળી, ત્યારે એમના વિશે લખવા હું મંડી પડી!"મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલા અને ૨૧૬ જેટલા પૃષ્ઠ ધરાવતા આ પુસ્તકમાં કુલ આઠ જેટલા પ્રકરણો સમાવવામાં આવ્યા છે. બિરજુ મહારાજના જન્મથી લઈને તેમના જીવનના દરેક તબક્કાને આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે વર્ણવવામાં આવ્યા છે. બાળપણથી જ લખનૌના કાલકા-બિંદાદિન ઘરાનાના મહાનુભવો વચ્ચે ઉછરેલા બિરજુ મહારાજ આજે કઈ રીતે કથક નૃત્યના પ્રતિનિધિ તરીકે પ્રસ્થાપિત થયા એ આ પુસ્તકમાં ઘણી સુંદર રીતે આલેખાયું છે.

સાસ્વતી સેન બિરજુ મહારાજની મુખ્ય તથા ઉત્તમ શિષ્યા હોવાની સાથે જ એમને વ્યક્તિગત રીતે પણ ખૂબ ઊંડાણપૂર્વક જાણે છે.છેલ્લા ચાર દાયકાથી એક આદર્શ શિષ્યાની ભૂમિકા ભજવનાર સાસ્વતી સેને બિરજુ મહારાજને પરિવારના એક જવાબદાર વડા, એક ઉત્સાહી ગુરુ, એક અદભુત કલાકાર તથા એક દયાળુ વ્યક્તિત્વ ધરાવતા ઉમદા વ્યક્તિ તરીકે પણ અનુભવ્યા છે. તેમણે બિરજુ મહારાજસાથેની કેટલીક પળોના જીવંત કિસ્સાઓ પણ આલેખ્યા છે. એક વાર દિલ્હીના સ્ટેશન પર મહારાજજીનો સામાન ઊંચકતો કુલી એમનો બાળપણનો મિત્ર નીકળ્યો. બિરજુ મહારાજ તરત જ એને ભેટી પડ્યા અને ભગ્નહૃદયેઆંસુ સારવા લાગ્યા હતા. વળી, દિલ્હીના મિન્ટો રોડ પર વધુ પડતા ભારથી લાદેલી હાથલારી ચલાવતા એક મજદૂરને પણ તેમણે લારી ખેંચવામાં મદદ કરી હતી.

સંગીત અને સાધના વ્યક્તિને જેટલા ઊંચા સ્તર પર લઇ જાય છે એટલા જ ઊંડે સુધી જમીનમાં એના પગ પણ રાખે છે.ખરા અર્થમાં એક ઉચ્ચ નૃત્યકાર તરીકે પ્રતિષ્ઠિત થયેલા બિરજુ મહારાજની આ અનુયાયી એમની સાથેના ઘણા કિસ્સાઓને વાગોળે છે. તેઓ કહે છે કે બિરજુ મહારાજની પોતાના ગુરુ તરીકેની અસંખ્ય સ્મૃતિઓ અને એક તટસ્થ લેખક તરીકે એમની આત્મકથા લખવા વચ્ચે સંતુલન સાધવુ એ ખૂબ મુશ્કેલ હતું. આ પુસ્તકમાં મેં વારાણસી અને લંડન, બ્રિટન, ન્યુ યોર્ક તથા અમેરિકામાં બિરજુ મહારાજે કરેલા કથક નૃત્યના કેટલાક જવલ્લે જ જોવા મળતા નૃત્યોની ઝાંખી એક અલગ જ અંદાજમાં વર્ણવવાના પ્રયત્નો કર્યા છે. પહેલા કથક વ્યક્તિગત રીતે થતુંદરબારી નૃત્યઅને નિશ્ચિત વિષય અનુરૂપ સંગીત પર થતું નૃત્ય હતું. ત્યારબાદ વર્ષ ૧૯૬૦થી સમૂહમાં કથક નૃત્ય કરવાનો પ્રારંભ થયો. કથક નૃત્યમાં મુખ્યત્વે ચક્કર(ગોળ ફરવું) અને તત્કાર(પગ વડે કરવામાં આવતા સ્ટેપ્સ) મુખ્ય હતા, પરંતુ બિરજુ મહારાજે આ નૃત્યમાં થોડી છૂટછાટ લઈને કથક નૃત્યશૈલીને વધુ સમૃદ્ધ બનાવ્યું. તેઓ સંગીતનીરચના ઉપરાંત નૃત્યનાટિકાના ગીતો માટે પણ શબ્દોની રચના કરતા હતા. તેઓ હંમેશાં કોઈ નવા વિચારો સાથે બહાર આવતા અને પોતાના શિષ્યોને નૃત્યમાં કઈ રીતે વધુ ઓતપ્રોત કરી શકાય એ માટેના પ્રયત્નો કરતા હતા. નૃત્યકારોને હાથ અને મોઢાના અભિનય શિખવાડવામાં એક નવીનતા દાખવતા બિરજુ મહારાજ પ્રેક્ષકોને પણ મનોરંજનની ચરમસીમાએ લઇ જતા.નૃત્ય અને સંગીતને અનુભવવાની એમની ઢબ અદભુત હતી. માલકૌંસ રાગ દરમિયાન એમણે પ્રેક્ષકોને રાગનો સાચો મહિમા અનુભવાય એ માટે કેટલાક દ્રશ્યો તાદ્રશ કરવા જણાવ્યું હતા. તેમણે રાગને સ્નાન કર્યા પછી અનુભવાતી શરીરની તાજગી, નિઃવસ્ત્ર શરીર પર વસ્ત્રોનું આચ્છાદન, મજબૂત ખભા અને મોહક અદાની ચાલ સાથે સાંકળી એક અનોખું ચિત્ર પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યું હતું. તેઓ રાગને ભવ્ય વસ્ત્રો, આભૂષણો, માથાના પહેરવેશ અને અત્તરોથી સજાવતા હતા.

નૃત્ય ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ મહારથ હાંસલ કરનાર બિરજુ મહારાજ તબલા અને નાલ વગાડવાના શોખીન છે. આ ઉપરાંત,તેઓ સિતાર, સરોદ, વાયોલિન, સારંગી જેવા વાજિંત્રો કોઈ પણ જાતની વિશિષ્ટ તાલીમ વિના ખૂબ જ સરળતાથી વગાડી શકવા માટે સક્ષમ છે. તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત આધારિત નૃત્યોનું પણ નિરૂપણ કર્યું છે. વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ 'દિલ તો પાગલ હે'માં માધુરી દિક્ષિતની કથક શૈલીમાં જુગલબંધી અને 'ગદર' ફિલ્મમાં 'આન મિલો સજના' ગીતની કથક નૃત્યશૈલી તેમણે જ નિર્દેશિત કરી હતી. વળી, દેવદાસ (૨૦૦૨)માં માધુરી દિક્ષિત પર ફિલ્માવાયેલા 'કાહે છેડે મોહે'માં તેઓ મુખ્ય ગાયક હતા અને તેમણે જ ગીતનું સંગીત અને નૃત્ય તૈયાર કર્યું હતું.

બંગાળમાં થતા મન્મથનાથ ઘોષ ઉત્સવની ઉજવણી દરમિયાન બિરજુ મહારાજે સંગીત ક્ષેત્રના ધુરંધરો સામે સૌ પ્રથમવાર એમની વ્યક્તિગત કૃતિ રજૂ કરી હતી. બધા લોકોએ એક યુવાન નૃત્યકાર તરીકે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી એમણે પાછા વળીને જોયું નથી. એમની કારકિર્દીનો આલેખ હંમેશાં ઉપર તરફ જ વધ્યો છે.એમની આ અભૂતપૂર્વ કારકિર્દી માટે તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ૨૮ વર્ષની નાની વયથી જ તેમણે સંગીત નાટક એકેડમી એવોર્ડ, આંધ્ર રત્ન, નૃત્ય વિલાસ, આધારશીલા શિખર સમ્માન, નૃત્ય ચૂદામણિ, શિરોમણિ સમ્માન, રાજીવ ગાંધી પીસ એવોર્ડ જેવા મોટા દરજ્જાના પુરસ્કારો પોતાને નામ કર્યા હતા. તેમને બનારસની હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગર્હ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનનીય પદવી પણ મળી છે.

ભારતની પરંપરાને જાળવી, નૃત્યને આજના યુગની શૈલીમાં ઢાળનાર બિરજુ મહારાજ આપણા સમયની જીવંત પ્રતિભા ગણાવી શકાય. ભારતની વર્ષો જૂની નૃત્યશૈલી અને સંગીતના રાગોને નવીનતાથી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરનાર આ મહાનુભવ હંમેશાં આપણા માટે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા રહે એવી અભ્યર્થના!

23મી જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.