Friday, September 6, 2013

મહિલા પોલીસ: કલ, આજ ઔર કલ


વર્ષ ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ'તેજસ્વિની' માં આપણે એક દમદાર સ્ત્રી પોલીસ ઓફિસર તરીકે વિજયા શાંતિની ભૂમિકાને ખૂબ વધાવી હતી. આજે આ ફિલ્મને લગભગ વીસ જેટલા વર્ષ થયા પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા દેશમાં હજી પણ સ્ત્રી પોલીસ ઓફિસરોની સંખ્યા ઘણી જૂજ છે. સ્ત્રીના અનેક રૂપો આપણે આખી જિંદગી અનુભવીએ છીએ અને માણતા રહીએ છીએ, પરંતુ એ સાથે જ એની મમતા અને લાગણીશીલ સ્વભાવને કારણે, આપણે એની સાહસિકતા અને હિંમતને પ્રાચીનકાળથી અવગણતા આવ્યા છીએ! આજે જ્યારે બળાત્કારોની સંખ્યા પ્રતિદિન વધતી જાય છે ત્યારે સ્ત્રી પર થયેલા શારીરિક બળાત્કાર કરતા, કેસની કાર્યવાહી દરમિયાન થતા માનસિક બળાત્કાર વધુ પીડાદાયક હોય છે. આપણા દેશમાં સ્ત્રી પોલીસ ઓફિસરો કે જજની સંખ્યા ઘણી ઓછી હોવાથી દેશમાં આટઆટલા બળાત્કાર થવા છતાં ન્યાય પ્રણાલીની સમગ્ર કાર્યવાહીમાં કેટલાય એવા કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે, જેનાથી હવે પીડિતો ફરિયાદ નોંધાવતા અચકાય છે.

આંધ્રપ્રદેશની ઇન્સ્પેકટરજનરલ ઓફ પોલીસ (આઈજી) અંજના સિન્હા સ્ત્રીઓની ભૂતકાળમાં પોલીસમાં ભરતી અને આજના સમયની સ્થિતિ વિશે ઘણા રિસર્ચ પછી કેટલીક માહિતી પ્રકાશમાં લાવ્યા છે. 'ક્રાઈમ અગેન્સ્ટ વુમન'ના જોરશોરથી ચાલતા આંદોલનમાં આપણે પોલીસ ઓફિસરોમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યાને કઈ રીતે અવગણી શકીએ?જો ભૂતકાળના થોડા ચોપડા ફંફોસીએ તો વર્ષ ૧૯૭૦માં ખાખી વર્દી પહેરેલીપહેલી મહિલા નજરે ચઢશે. કિરણ બેદી જેવા પ્રભાવશાળી આઈપીએસ ઓફિસરે સ્ત્રીને એક નવી વ્યાખ્યા અને ઓળખાણ આપી. આ મહિલાની અત્યંત પ્રભાવશાળી કારકિર્દી જોઈ ૧૯૭૦ના દાયકામાં ઘણી સ્ત્રીઓએ પોલીસમાં ભરતી થવા માટે અરજી કરી હતી, પરંતુ જેમ જેમ ઉદ્યોગીકરણ થતું ગયું તેમ તેમ સમાજમાં સ્ત્રી એક એક તબક્કે પીસાતી ગઈ. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એક સરવે પ્રમાણે વર્ષ ૨૦૧૦માં સમગ્ર ભારતનીજુદી જુદી પોલીસ સેવાઓમાં માત્ર ૩૦,૦૦૦ જેટલી જ સ્ત્રીઓ ફરજ બજાવતી હતી. યુએનના આ સંબંધિત એક સરવેમાં એશિયાના ૧૩ દેશો પૈકી સૌથી ઓછી મહિલા પોલીસ કર્મચારી ભારતમાં જોવા મળે છે! છેલ્લા કેટલાક વર્ષોમાંપોલીસસેવામાંસ્ત્રીઓ અને પુરુષોને અલગ જ દરજ્જો આપવામાં આવ્યો છે. બંનેને એક સમાન ગણવા કરતા 'સ્ત્રીઓની વિરુદ્ધ પુરુષો' એવું વલણ દાખવવામાં આવે છે. સ્ત્રીઓ હંમેશાં આ વ્યવસાયમાં ઊંચા દરજ્જાને લાયક હોવા છતાં એ પદથી વંચિત જ રહી છે. આથી જ કેટલાક મહત્ત્વના અને પડકારરૂપ કાર્યોમાં તેને ઊંચા હોદ્દાથીદૂર રાખવામાં આવે છે. 

વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ સુધીમાં આંધ્રપ્રદેશમાં મહિલા પોલીસની જગ્યા ખાલી રહી હતી, કારણ કે ભરતી માટે પૂરતા પ્રમાણમાંસ્ત્રીઓએ ઉત્સાહ બતાવ્યો ન હતો. તો વળી, વસ્તી પ્રમાણે ભરતી માટેની સંખ્યાયોગ્ય ન હોવાથી રાજસ્થાન, હરિયાણા અને આસામ જેવા રાજ્યોમાંમહિલાપોલીસ માટે ભરતી થઇ શકી ન હતી.આ ઉપરાંત, પોલીસમાં દાખલ ન થવા માટેના સ્ત્રીઓના બીજા કેટલાક કારણો પણ જવાબદાર ગણાવી શકાય. સ્ત્રીઓ પણ પુરુષો જેટલ જ સશક્ત હોવા છતાં ભરતીની ભેદભાવભરી પ્રક્રિયા, સામાજિક મૂલ્યો, પસંદગી માટેની પ્રક્રિયા અને ભરતીની પોલિસી જેવા અનેક પરિબળો સ્ત્રીઓની સંખ્યા પોલીસોમાં હંમેશાં નીચી રાખે છે. વળી, કેટલીક શારીરિક કસોટીઓ સ્ત્રી રમતવીરો માટે જ રાખી હોવા છતાં તેમાંથી દરેક સ્ત્રી ઉમેદવારને પાસ થવું પડતું હોવાથી સ્ત્રીઓની પસંદગી જૂજ બને છે.

વર્ષ ૨૦૦૭ના કોમનવેલ્થ યુમન રાઈટ્સ ઇનિશિયેટિવના અંતર્ગત થયેલા એક સરવેમાં ઘણી ચોંકાવનારી બાબત બહાર આવી હતી. સ્ત્રીઓ હવે પોલીસમાં પોતાની કારકિર્દી ઘડવા તૈયાર હોતી નથી, કારણ કે તેમને પોલીસની નોકરી વિશેની સાચી માહિતી જ હોતી નથી. વળી, કેટલીક સ્ત્રીઓને પરિવારમાંથી રોકવામાં આવે છે તો કેટલીક સ્ત્રીઓ મીડિયાએ ઉપજાવેલા પોલીસના ચિત્રોથી સહેમીને પોલીસમાં નોકરી લેવાનું ટાળે છે અને જો કેટલીક જૂજ સ્ત્રીઓ પોલીસની વર્દીમાં દેખાવા પણ લાગે તો એમની આપવીતી રૂંવાટા ખડા કરી દે એ પ્રકારની હોય છે. રક્ષક એવા પુરૂષ કર્મચારીઓ તરફથી જ ભેદભાવ, જાતીય સતામણી અથવા ધાકધમકીઓનાં ભોગ સ્ત્રીઓએ બનવું પડતું હોય છે. વળી, સ્ત્રીઓને ઊંચા દરજ્જા પર પહોંચવા જ ન દેવાતા, પોલીસમાં ભરતી થયેલી સ્ત્રીઓ કોઈ આદર્શ મહિલા ઓફિસર કે પછી મહિલામેન્ટરની મદદ લઈનેય પ્રગતિ સાધી શકતી નથી.અને આ જ કારણોસર પોલીસદળ છોડીને જનાર સ્ત્રીઓની સંખ્યામાં હવે ઘણો વધારો થયો છે. ઘરની જવાબદારીઓ અને પારિવારિક સંબંધોને મહત્ત્વ આપનાર સ્ત્રીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓને અવગણે છે. આથી સમાજની વિચારસરણીને એકવાર તોડવાની હિંમત દાખવનાર સ્ત્રીઓને પણ પોલીસમાં જોડાયા પછી નિરાશાજનક વાતાવરણ, ઉચ્ચ અધિકારીઓ તરફથી થતી સતામણી અને જાતિવિષયક ફરિયાદોનો સામનો કરવો પડે છે.

બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ડેટા પ્રમાણે વર્ષ ૨૦૧૧માં સમગ્ર ભારતમાં માત્ર ૪૪૨ જેટલા સ્ત્રી પોલીસ સ્ટેશન ઉપલબ્ધ હતા, જેમાં તમિલનાડુમાં ૧૯૬, ઉત્તરપ્રદેશમાં ૭૧, આંધ્રપ્રદેશમાં ૩૨, ગુજરાતમાં ૩૧, રાજસ્થાનમાં ૨૪, પંજાબમાં ૫, છત્તીસગઢમાં ૪ અને હરિયાણામાં માત્ર ૨ જ મહિલા પોલીસ સ્ટેશન ઉપલબ્ધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હજી ૧૩ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો તો એવા છે જ્યાં હજી પણ એક પણ મહિલા પોલીસ સ્ટેશન બંધાયું નથી. વળી, આપણી રાજધાની દિલ્હી કે જયાં, રોજ બળાત્કાર કે પછી જાતીય સતામણીના એક કરતા વધુ કેસો નોંધાતા હોય છે ત્યાં પણ એકેય મહિલા પોલીસ સ્ટેશન ઉપલબ્ધ નથી! દિલ્હીમાં ૮૨,૦૦૦ પોલીસ અધિકારો પૈકી મહિલા પોલીસ અધિકારીઓ માત્ર ૫,૨૦૦ જ છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના થઇ છે. આ પ્રકારની પહેલથી દેશના તમામ લોકોને અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશના લોકોને સ્ત્રીઓની વધુ સારી સલામતી અને રક્ષણ માટેનો સંદેશો પહોંચે એ જરૂરી છે. દિલ્હીમાં થયેલા બહુ ચર્ચિત દામિની બળાત્કાર પ્રકરણ બાદ અહીં સ્થાનિક પોલીસેમહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના માટે અરજી કરી હતી અને જે મંજૂર થતા રાજ્યને માત્ર મહિલા કર્મચારીવાળુંપહેલુંપોલીસ સ્ટેશન મળ્યું!

૨7મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Wednesday, September 4, 2013

એ.આર.રહેમાનના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાથેનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યુ


આજે, પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે, ત્યારે એક મ્યુઝિક ચેનલ પર કોક સ્ટુડિયો નામના કાર્યક્રમમાં ગુરુ-શિષ્યની એક નવી જ જુગલબંધી યોજવામાં આવી હતી. આ ગુરુ એટલે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, જેમને એમ તો કોઈ પરિચયની આવશ્કતા નથી, આમ છતાં એક ગુરુ તરીકે ઓળખ આપીએ તો એ.આર.રહેમાન, હરિહરન, સોનુ નિગમ અને શિલ્પા રાવ જેવા અનેક ઉત્તમ સંગીતકારો એમના શિષ્યો રહી ચુક્યા છે.આ કાર્યક્રમમાં એ.આર.રહેમાન અને ઉસ્તાદ ગુલામ મુસ્તફાના અન્ય ચાર પુત્રો તથા એક પૌત્રએ એક અદભુત સંગીતમય સંધ્યાનું સર્જન કર્યું હતું.અલ્લાહની દુઆ છે કે મારા દરેક શિષ્યો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આ શબ્દો રામપુર-સહસ્વાન-ગ્વાલિયર જેવા પ્રતિષ્ઠિત ઘરાનામાં જન્મેલા અને ૮૨ વર્ષની વયે પણ સંગીતની ઉત્તમ આરાધના કરનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના છે. સંગીત પ્રત્યેના અદ્ધિતીય લગાવ અને યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવી સર્વશ્રેષ્ઠ પદવીઓથી નવાજવામાં આવ્યા છે. જુનિયર તાનસેનનું બિરુદ મેળવનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાને માત્ર આપણા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી નામના મેળવી છે. તેમણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ પોતાનું અદભુત પ્રદાન આપ્યું છે. આવા ઉત્તમ સંગીતકાર સાથે ઈ-મેઈલથી થયેલી કેટલીક વાતચીતના અંશો અહીં રજૂ કર્યા છે:

ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિશિયન તરીકેઅત્યાર સુધીની તમારી સફર કેવી રહી?
જે વ્યક્તિએ એની જિંદગીના પહેલા શ્વાસથી લઈને હજી સુધી માત્રસંગીતથી શ્વાસ લીધો હોય, તે વ્યક્તિની સ્વાભાવિક રીતે જ એક સંગીતકાર તરીકેની આખી સફર ખૂબ રસપ્રદ, સુંદર અને એજ્યુકેશનલ રહી છે એમ નિઃશંકપણે કહીશકો. હું માનું છું કે સંગીત એ હંમેશાં આત્માનો ખોરાક છે. વળી, પ્રસિદ્ધ રામપુર-સહસ્વાન-ગ્વાલિયર ઘરાનાના એક શાસ્ત્રીય મ્યુઝિશિયન તરીકે મ્યુઝિકલ પરફોર્મન્સ અને તેની તાલીમ આપવી એને હું મારી હંમેશાં મારી એક ફરજ સમજુ છું. 
    
સંગીતની સાધનામાં ઊંડે સુધી જવા માટે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેટલું લાભદાયી હતું?
મહાન સંગીતકારોથી સમૃદ્ધ એવા સાંસ્કૃતિક પરિવાર માટે કોઈને પણ ગર્વ થઇ આવે. સ્વાભાવિક રીતે જ  સર્વશ્રેષ્ઠ સંગીતકારો કે જેમને હું નાનપણથી સાંભળું છું અને જેમની પાસેથી જ મેં સંગીતની તાલીમ લીધી છે, તેમણે મને સંગીત ક્ષેત્રે આગળ વધવા ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મારે ઘરની બહાર સંગીતની તાલીમ લેવા કશે પણ જવું પડ્યું નથી. મારા ઘરે જ સંગીતનો એક અગાધ દરિયો ભર્યો પડ્યો હતો.

તમે સંગીતને કઈ રીતે વ્યાખ્યાયિત કરો?
મારા માટે સંગીત એ આરાધના છે. પ્રત્યેક વ્યક્તિ સંગીતને આધ્યાત્મિક ગણે છે અને હું પણ તેમાં સંમત છું, પરંતુ હું માનવ શરીરને હંમેશાં ગાત્ર વીણા તરીકે કલ્પું છું. જો ઈન્સ્ટ્રુમેન્ટ આધ્યાત્મિક હોય તો તેમાંથી નીકળતો ધ્વનિ સ્વાભાવિક રીતે આધ્યાત્મિક જ હોય છે.

તમે સંગીતને જીવન સાથે કઈ રીતે સાંકળો છો?
હું માનવ શરીરને સ્વર તથા આત્માને લય સાથે સાંકળું છું.

આટલી મોટી ઉંમરે પણ સંગીત કઈ રીતે તમને જીવંત રાખે છે?
હું માનું છું કે સંગીત એ મેડિટેશન માટેનું ઉત્તમ માધ્યમ છે. શુદ્ધતાથી ગવાયેલું સંગીત જો શ્રોતાઓને આનંદ અને શાંતિ આપી શકે તો સંગીતકારોને પણ તે એટલી જ શાતા આપે છે. મારા માટે સંગીત વિના જીવનની કલ્પના અશક્ય છે. સંગીત જ જીવન છે અને જીવન જ સંગીત છે.

સંગીતની અદભુત સફરની શરૂઆત કરવા સામાન્ય માણસે શું કરવું જોઈએ?
અલ્લાહની ઈચ્છાથી જીવનની શરૂઆત થાય છે. એક સંગીતકારની રચના પણ તેની જ ઇચ્છાથી થાય છે. એક બહુ જૂની કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અને હું પણ એ જ પ્રમાણે દિવસના ૧૪થી ૧૬ કલાકો સુધી સતત રિયાઝ કરતો હતો. માણસે હંમેશાં અલ્લાહના શરણે થઇ જવું જોઈએ. તમારો અલ્લાહ તમારી સામે જ બેઠો હોય અને તમને સંગીત માટેના આશિષ આપતો હોય એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ.

આજની બોલિવૂડ ફિલ્મોના સંગીત વિશે તમે શું માનો છો?
સંગીત એ સંગીત છે અને સંગીત એ એક યુનિવર્સલ ભાષા છે. હું સંગીતનો એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છું. હું હંમેશાં કોઈ પણ સંગીતને સાંભળ્યા પછી તેમાં રહેલી સારપને વધુ પ્રાધાન્ય આપુ છું.

શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં કઈ રીતે વધુ પ્રચલિત બનાવી શકાય?
આમારા પૂર્વજો દરબારી સંગીતકારો હતા તથા તેઓ રાજાઓ અને નવાબોના ગુરુ હતા. તેમને રાજાઓ તથા નવાબો તરફથી હંમેશાં ઉત્તેજન મળતું. જ્યારે આજે શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં પ્રચલિત કરવા માટે આપણી સરકારે પહેલ કરવી જોઈએ. ૨૪ કલાક પ્રસારિત થતી ઇન્ડિયન મ્યુઝિક ચેનલની શરૂઆત કરવી જોઈએ. વળી, શાળાકીય અભ્યાસક્રમમાં પણ સંગીતનો સમાવેશ કરવો જોઈએ.

જીવનના અલગ અલગ તબક્કામાં સંગીત કઈ રીતે મહત્ત્વનું છે?
સંગીત માનસિક શાંતિ આપે છે. તે મન પર ચિંતનાત્મક અસર છોડી જાય છે. સવારના શાંત વાતાવરણમાં તાનપુરાનો નાદ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સંગીતનો ઉપયોગ મેડિકલ થેરાપી તરીકે કરવામાં આવી રહ્યો છે અને એ પ્રયોગ વાસ્તવમાં સફળ પણ નીવડ્યો છે.

તમે તમારી સફળતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?
હું આજની તારીખમાં પણ રોજ કંઇકને કંઇક નવું શીખતો રહું છું અને હું માનું છું કે મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.

તમારી શ્રેષ્ઠ ગુરુદક્ષિણા શું હોઈ શકે?
અમારા પૂર્વર્જોએ ઘણા શિષ્યોને પોતાના ઘરે રાખી, સંગીત વિદ્યા આપી છે. પહેલાના સમયમાં ગુરુઓ શિષ્યોને તેમના ઘરે પોતાના બાળકોની જેમ જ રાખતા અને તેમના જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ જેવી કે ખોરાક, કપડાં, આશ્રય અને આ બધાથી ઉત્તમ, સંગીત વિદ્યા પૂરી પાડતાહતા. હું વર્ષ ૧૯૬૨થી મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં રહું છું અને મુંબઈ જ મારી કર્મભૂમિ છે. હું ઉત્તમ શિષ્યોને સંગીતની તાલીમ આપવા ઈચ્છું અને એ માટે મહારાષ્ટ્ર સરકાર પાસે એક જમીનની માગણી પણ કરી છે. એ જમીન પર હું માત્ર મુંબઈ કે મહારાષ્ટ્રના નહીં, વિશ્વભરના તમામ સંગીત ઈચ્છુક વ્યક્તિઓને આ વિદ્યા આપવા માગુ છું.

કોઈ પણ વિદ્યાર્થીને તાલીમ આપતા પહેલા તમે એનામાં કયો ગુણ જુઓ છો?
મારા દરેક શિષ્યને તાલીમ આપતા પહેલા હું તેના સંગીત પ્રત્યેના આત્મસમર્પણનું બારીકાઈથી અવલોકન કરું છું.

આજના યુવામિત્રોને શું સંદેશો આપવા માગો છો?
યુવાનો માટે માત્ર એક જ સંદેશો હું આપવા માગુ છું, હંમેશાં તમારા માતા-પિતાને, વડીલોને, ગુરુને તથા આપણા દેશને પ્રેમ અને આદર આપો.

તમારો પ્રિય રાગ કયો છે? શા માટે?
હું સંગીતને ખૂબ પૂજું છું, આમ છતાં આપણા રાગો સમય અને ઋતુને આધારિત હોવાથી મારા રાગોની પસંદગી બદલાતી રહે છે.

સંગીતમાં રિયાઝનું શું મહત્ત્વ છે?
રિયાઝ સંગીતમાં અત્યંત આવશ્યક છે. રિયાઝ્થી પરફોર્મન્સ સરળ અને ઉત્તમ બને છે.

કોક સ્ટુડિયોમાં તમારા શિષ્ય એ.આર.રહેમાન સાથેનો અનુભવ કેવો રહ્યો?
મેં અને રહેમાને પહેલી વખત જ કોક સ્ટુડિયોનો અનુભવ લીધો. એ આખો અનુભવ ખૂબ સુંદર હતો. એ ઉત્તમ સમય હતો કારણ કે મેં ત્રણ જનરેશનના કોન્સેપ્ટની મદદથી મારા પાંચ પુત્ર જેમાં મારો શિષ્ય રહેમાન, મુરતુઝા મુસ્તફા, કાદિર મુસ્તફા, રબ્બાની મુસ્તફા, હસન મુસ્તફા અને આ ઉપરાંત મારા તેર વર્ષના ખૂબ હોશિયાર પૌત્ર ફૈઝ મુસ્તફાની સાથે શ્રેષ્ઠ સંગીત આપવાનો પ્રયાસ અમે કર્યો હતો.

એ.આર.રહેમાન જેવા તમારા શિષ્યને જ્યારે સમગ્ર વિશ્વમાં આટલી નામના મળે છે ત્યારે તમને કેવી લાગણી થાય છે?
અન્ય કોઈ પણ ગુરુ કે પિતાની જેમ જ મને રહેમાન માટે ખૂબ જ ગર્વની લાગણી થાય છે. સમગ્ર વિશ્વમાંથી એને જે રીતનો સ્નેહ અને હૂંફાળો પ્રતિસાદ મળી રહ્યો છે એના માટે હું ખૂબ ખુશ છું. રહેમાન આ તમામ સિદ્ધિને લાયક છે. એ ખૂબ જ ટેલેન્ટેડ અને ઉમદા સંગીતકાર છે.

તમારા મત અનુસાર ગુરુની શું ફરજ હોય છે?
ગુરુએ શિષ્યોને સંપૂર્ણ પ્રતિબદ્ધતાના પાઠ ભણાવવા જોઈએ. શિષ્યો જીવનમાં સાચા રસ્તે ચાલે એ માટે તેમના માર્ગદર્શક બનવું જોઈએ.

અંતે, તમારી હજી કોઈ એક ખ્વાહિશ છે જે પૂરી થવાની બાકી હોય?

મ્યુઝિક! કોઈ પણ વ્યક્તિ સંગીતને સંપૂર્ણ પામી શકતું નથી. સંગીત એ એક વિશાળ દરિયો છે, જેટલા ઊંડા તમે જાઓ એટલું જ અંતર ફરી કાપવાનું બાકી રહે.

૩ સપ્ટેમ્બર , ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, August 26, 2013

રુક્મિણીનો કૃષ્ણને એક પત્ર




'કૃષ્ણ'- આ નામ વાંચતા જમાથે મોરપંખ અને હાથમાં વાંસળીધરાવતો એક શ્યામવર્ણી દેહ અવતાર આંખ સમક્ષ તરવરી ઉઠે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ જેવા આ છ ગુણ ધરાવતો હોય તે પુરૂષ બધી જ રીતે આકર્ષક હોય છે અને આ પ્રકારનો પુરૂષ દુર્લભહોય છે, પરંતુ કૃષ્ણએ જીવેલા તેમના માનવ અવતારમાં તેમણે આ તમામ ગુણોની ઝાંખી આપણને કરાવી હતી અને તેથી જ તેમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે, સર્વં પ્રવર્તતે, ઈતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ એટલે કે "હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે, એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો ભાવપૂર્વક મને ભજે છે." પરંતુ આ કહેતી વેળાએ કૃષ્ણને પણ કદાચ કલ્પના ન હશે કે આજના આ મનુષ્યોએ પોતાના જ અલગ કૃષ્ણની સ્થાપના કરી છે અને કૃષ્ણની લીલાને કોઈ નવી જ વ્યાખ્યા આપી છે! કૃષ્ણના વિવિધ કિસ્સાઓ જગપ્રસિદ્ધ છે, પણ આજે એવા એક પત્રની વાત કરવી છે, જે આજની સ્ત્રીઓને સાંકળતા એક જ્વલંત પ્રશ્નને વાચા આપે છે. એમ તો ભગવાન કૃષ્ણના જીવનમાં માતા સ્વરૂપે દેવકી અને યશોદા, મિત્ર તરીકે દ્રૌપદી, પત્ની રુક્મિણી અને પ્રિયતમ તરીકે રાધા તથા અસંખ્ય ગોપીઓ એમ અનેક સ્ત્રીઓ ખૂબ ખાસ રહી છે, પરંતુ રુક્મિણી અને કૃષ્ણના લગ્ન વિશેની વાત અત્યંત રસપ્રદ છે.

વિદર્ભના રાજા ભીષ્મક ખૂબ જ શક્તિશાળી અને શ્રદ્ધાળુ હતા. તેમને પાંચ પુત્ર, રુક્મી, રુકમરથ, રુક્મબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી અને એક માત્ર પુત્રી રુક્મિણી હતી. રુક્મિણી અત્યંત સુંદર અને બુદ્ધિમાન હતી. એનું સૌંદર્ય કોઈને પણ મોહી જાય એટલું આકર્ષક હતું. નારદમુનિ અને અન્ય સંતોનું ભીષ્મક રાજાના મહેલમાં આવાનું રહેતું અને એ રીતે રુક્મિણી સતત કૃષ્ણ વિશે માહિતી મેળવતી રહેતી. કૃષ્ણની માત્ર વાતો સાંભળીને જ રુક્મિણીને કૃષ્ણની પત્ની બનવાની અભિલાષા થઇ. કૃષ્ણ પણ રુક્મિણીના દેખાવ, ચરિત્ર, પવિત્રતા અને બુદ્ધિમત્તાથી અજાણ ન હતા. રાજા ભીષ્મકના કુટુંબમાં રુક્મિણીને કૃષ્ણ સાથે પરણાવવાની વાતો શરૂ થઇ. રુક્મિણીના બધા જ ભાઈઓ પૈકી એક માત્ર જયેષ્ઠ ભાઈ રુક્મીએ આ વિવાહ સામે વિરોધ દર્શાવ્યો અને રુક્મિણીના લગ્ન કૃષ્ણના કટ્ટર શત્રુ શિશુપાલ સાથે ગોઠવ્યા. રુક્મિણી શરૂઆતમાં ખૂબ ઉદાસ રહી, પરંતુ તે રાજપુત્રી હોવાથી રાજનીતિ જાણતી હતી. ખૂબ વિચારને અંતે તેણે કૃષ્ણને એક સંદેશો મોકલવાનું નક્કી કર્યું. રુક્મિણીએ એ પત્ર એક બ્રાહ્મણ સાથે મોકલ્યો, જેમાં તેમણે કૃષ્ણને પોતાનું જ હરણ કરવા જણાવ્યું હતુઃ

‘‘મારા વહાલા કૃષ્ણ! ઓ અચ્યુત સર્વશ્રેષ્ઠ સુંદર, જે કોઈ મનુષ્ય આપના દિવ્ય સ્વરૂપ અને લીલા ચરિત્રોનું પોતાના કાનથી શ્રવણ કરે છે એ તરત જ આપના નામ, કીર્તિ અને ગુણમાં લીન બને છે. આમ એનાં સર્વ ભૌતિક દુઃખો વિરમી જાય છે અને પોતાના હૃદયમાં આપનું સ્વરૂપ પધરાવે છે. આપના વિશેના આવા દિવ્ય સ્નેહથી, તે અંતઃકરણમાં હંમેશા આપનું દર્શન કરે છે અને આ રીતે તેની સર્વકામનાઓ પૂરી થાય છે. તે જ પ્રમાણે મેં આપના દિવ્ય ગુણો વિશે સાંભળ્યું છે. મારા વિચારો આમ સીધેસીધા પ્રગટ કરવામાં સંભવ છે, કે હું નિર્લજ્જ ભાસું, પરંતુ આપે મને પરવશ કરીને મારા હૃદયને હરી લીધું છે. સંભવ છે કે આપને શંકા જાય કે હું અપરિણીત યુવાનકન્યા છું, તેથી આને મારામાં શિથિલ ચારિત્રની શંકા જાગે; પરંતુ મારા વહાલા મુકુન્દ, આપ સર્વશ્રેષ્ઠ નરસિંહ અને પુરુષોત્તમ છો. જેણે પોતાના ઘર બહાર પગ મૂક્યો નથી એવી કોઈ પણ કન્યા અથવા શ્રેષ્ઠ સતીત્વવાળી સ્ત્રી પર આપના અપ્રતિમ ચારિત્ર્ય, જ્ઞાન, સમૃદ્ધિ, અને સ્થિતિને અનુલક્ષીને આપને વરવાની ઈચ્છા દર્શાવે. હું જાણું છું કે આપ લક્ષ્મીજીના સ્વામી છો અને આપ ભક્તો પ્રત્યે અત્યંત કૃપાળુ છો; એટલે મેં આપની સનાતન દાસી થવાનો નિર્ણય કર્યો છે. મેં આપને મારા મન થી વરેલા પતિ તરીકે સ્વીકાર્યો છે, એટલે હું આપને વિનંતી કરું છું કે આપ મને આપની પત્ની તરીકે સ્વીકારો. હે કમળનયન! આપ સર્વોચ્ચ શક્તિમાન છો. હવે હું આપની છું. જો સિંહ માટેની ભોગ્ય વસ્તુને શિયાળ ઉપાડી જતું હોય, તો તે હાસ્યાસ્પદ વસ્તુ કહેવાય. એટલે શિશુપાલ અને એના જેવા બીજા મારી સંભાળ લો. મારા વ્હાલા પ્રભુ, મેં મારા આગલા જન્મમાં કૂવા ખોદાવવા અથવા વૃક્ષો ઉગાડવા જેવાં ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક ગુરુ દેવની સેવા અને ક્રિયાકાંડાત્મક વિધિઓ અને યજ્ઞો ઊજવવા જેવાં પવિત્ર કાર્યો કર્યાં હશે. આવી પ્રવૃત્તિઓથી કદાચ મેં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કર્યાં હશે. આમ હોય તો, બલરામ પ્રભુના બંધુ એવા ભગવાન શ્રી કૃષ્ણ! કૃપા કરી અહીં આવો અને મારું પાણિગ્રહણ કરો, જેથી શિશુપાલ અને તેના સાગરિતો મારો સ્પર્શ ન કરે.’’
 ('કૃષ્ણ- પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર' પુસ્તકમાંથી પ્રસ્તુત પત્ર લેવામાં આવ્યો છે.)

પત્ર વાંચીને એક વિચાર જરૂર થઇ આવે કે સતયુગ કહેવાતા એ સમયમાં પણ એક સ્ત્રી કે જે ઘણી પૂજ્ય છે એ પોતાના પ્રિયતમને પામવા પોતાના જ હરણની યોજના બનાવે અને એમાં સફળ પણ થાય, તો શું આજની સ્ત્રીઓને આ સ્વતંત્રતાનો હક નથી? હા, આજે જમાનો આધુનિક થયો છે. લવ મેરેજની સંખ્યા અરેન્જડ મેરેજની સરખામણીમાં ઘણી વધી છે, પરંતુ હજીય એવા કેટલાક શહેરો અને વિસ્તારો છે, જ્યાં એક જ ગોત્ર અને એક જ ગામના યુવાનો એકબીજા સાથે પ્રેમ સંબંધ બાંધી શકતા નથી. જો આજની સ્ત્રીઓ સ્વતંત્ર બની છે તો શા માટે રોજ જ પ્રાઈમ ટાઈમના ન્યુઝમાં એકાદ સ્ત્રી ઓનર કિલિંગનો ભોગ બનેલી જોવા મળતી હોય છે? આપણા દેશમાં ધર્મનું માન ખૂબ જ છે. લોકોમાં શ્રદ્ધાનું પ્રમાણ ઊંચું છે, પરંતુ જ્યારે કોઈ તટસ્થ વ્યક્તિ ધર્મનો સાચો અર્થ સમજાવવા પ્રયત્નો કરે છે ત્યારે તેને કેમ નાસ્તિક માનવામાં આવા છે? જન્માષ્ટમીના આ અવસર પર જ્યારે કૃષ્ણ આખા દેશમાં પૂજાય છે ત્યારે શું આ ધર્મના ગુરુઓ એમના જીવન ચરિત્રને મૂળ સ્વરૂપે રજૂ કરતા હોય છે? કૃષ્ણએ પણ રુક્મિણીનાપ્રસ્તાવને સ્વીકારી, એમનું વાસ્તવમાં હરણ કર્યું હતું. તો શું આજના સમયમાં સ્ત્રીઓ પોતાના પ્રિયતમને પામવા જેટલી પણ સ્વતંત્ર નથી? અહીં કોઈ નારીશક્તિની વાત નથી, અહીં વાત છે માનવતાવાદની!શા માટે જાતિ, ધર્મ અને ગોત્રની આડમાં તેનો ભોગ લેવાતો રહે છે?

હાલમાં જ પંજાબના પટિયાલા શહેરમાં ૧૫ વર્ષની એક યુવતીને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી હતી. 'સન્માન' જાળવવાના નામે આવી અનેક હત્યાઓ થતી રહે છે અને તેને વ્યાજબી ગણી આ પ્રથાને ઘણા લોકો વર્ષોથી જીવી રહ્યા છે. આ સમયે પ્રશ્ન થાય કે ઓનર કિલિંગના નામે થતી આવી હત્યાઓ રોકવા શું કરવું જોઈએ? પહેલું તો લોકોની માનસિકતા સુધારવાનું ભગીરથ કાર્ય હાથે લેવું જોઈએ. માણસની પ્રકૃતિ બદલવી અઘરી છે, પણ સતત તેના પર આ દૂષણ માટે પ્રહાર કરવામાં આવે તો એની માનસિકતાને પણ બદલી શકાય છે. આજના માતા-પિતાએ તેમના બાળકોને પોતાના જીવનસાથી માટે પસંદગીની છૂટ આપવી જોઈએ. માતા-પિતાની દખલગીરી ક્યારેક જો બાળકના જીવનને ખોટા વળાંકોથી બચાવતી હોય છે, તો ક્યારેક અજાણતા જ ખોટો વળાંક પણ આપી દેતી હોય છે. પોતાના સંતાનના નિર્ણય અને પસંદગી પર વિશ્વાસ મૂકી, એની જિંદગીના નિર્ણયો માત્ર એને જ લેવા દેવા જોઈએ. ઘણીવાર માતા-પિતાની જીદથી થયેલા લગ્નજીવનની ભયાનકતાથી ત્રાસી જઈ આત્મહત્યાના કિસ્સાઓ પણ બનતા હોય છે. જીવનમાં લાગણીશીલ બનવું જરૂરી છે, પરંતુ વધુ પડતું લાગણીશીલ બનવું અત્યંત હાનિકારક છે. ઓનર કિલિંગ અટકાવવા માટે બીજો મુદ્દો કાયદાઓને વધુ કડક બનાવવાનો છે. સન્માનના નામે થતી હત્યાઓ કોઈ પણ રીતે વાજબી ઠેરવી જ ન શકાય. ઘણીવાર પ્રશ્ન થાય કે અત્યંત ધાર્મિક ગણાતા આપણા દેશમાં આ પ્રમાણે થતી હત્યાને યોગ્ય કઈ રીતે મુલવવામાં આવે છે?રુક્મિણીનો કિસ્સો દ્વાપર યુગનો છે, જ્યારે આજે કળિયુગ છે એવી દલીલ કરી શકે. હા, એ જમાનો, યુગ, સમય અને સંજોગો જરૂર અલગ હતા, પરંતુ માનવીય મૂલ્યો સનાતન હોય છે એ ભૂલવું ન જોઈએ. આજે ૨૧મી સદીમાં સ્ત્રીઓ ઘણાબધા ક્ષેત્રોમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવીને  કામ કરે છે, તો જીવનસાથીની પસંદગીમાં તેને પણ પુરૂષોની જેમ સ્વતંત્રતા મળે તેવી અપેક્ષા સહેજ પણ અનુચિત નથી.

૨7મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, August 19, 2013

ભાઈચારાનો તહેવારઃ રક્ષાબંધન



યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:,
તેન ત્વામનુબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ

હિંદુ શાસ્ત્રના આ પ્રચલિત મંત્રનો અર્થ હું તમને શક્તિશાળી રાજા મહાબલિની જેમ હાથ પર રાખડી બાંધુ છું. હે રાખડી, સદા મજબૂતાઈથી બંધાયેલી રહેજે. અસ્થિર ન થતી. એવો થાય છે. રક્ષાબંધનના પર્વનું સમગ્ર દેશમાં એક આગવું મહત્ત્વ છે. ભાઈ-બહેનના પ્રેમને સાર્થક કરતો આ તહેવાર લાગણીઓનો એક અદભુત પ્રવાહ લઈ આવે છે. રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલી પૌરાણિક ગાથાઓ અને દંતકથાઓ ઘણી પ્રચલિત છે, પરંતુ ભારતના એક મહાન પુરૂષ રવિન્દ્રનાથ ટાગોરે આ પર્વને એક નવી જ વ્યાખ્યા આપીહતી.

વર્ષ ૧૯૧૩માંસમગ્ર એશિયામાંથી સૌ પ્રથમ નોબેલ પ્રાઈઝના પુરસ્કારથી નવાજાયેલા રવિન્દ્રનાથ ટાગોર વિશે અનેક વાતો પ્રસિદ્ધ થઈ ચુકી છે, પરંતુ તેમની દરેક બાબતનું અર્થઘટન કરવાની લાક્ષણિકતા અલૌકિક હતી.તેમની દૂરંદેશી, બુદ્ધિમત્તા અને કલ્પનાશક્તિ અદભુત હતી. તેમણે જાતિ, ધર્મ, રાજકારણ અને ભૌગોલિક પ્રાંત જેવા અનેક મુદ્દાઓ પર ઘણું કામ કર્યું હતું. વર્ષ ૧૯૦૫માં ભારત જ્યારે અંગ્રેજોના તાબા હેઠળ હતું ત્યારે અંગ્રેજોએ બંગાળને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાનુ કાવતરુ ઘડ્યું. આથી રવિન્દ્રનાથ ટાગોરે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે પ્રયત્નો શરૂ કર્યાં. તેમણે તદ્દન નવી ઢબે રક્ષાબંધનના તહેવારની ઉજવણી શરૂ કરી. તેમના મત અનુસાર રાખડી એ માત્ર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ કે આત્મીયતાનુ ચિહ્ન નથી, પરંતુ એ સમગ્ર માનવજાતિના હિતની નિશાની છે. તેમણે આ તહેવારની ઉજવણી સમાજના લોકો સાથે હળીમળીને તથા એકબીજાને રક્ષણ આપી સામાજીક જીવનને વધુ મધુર બનાવવાની પ્રેરણા આપી.

આજના સમયમાં પણ રવિન્દ્રનાથ ટાગોરનું આ સ્વપ્ન અને સંદેશો આપણને સૌને બંધબેસે છે. તેમણે રક્ષાબંધનને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને ભાઈચારાની લાગણી ફેલાવવા માટેનું એક માધ્યમ ગણી આ તહેવારની મહત્તામાં ઘણો વધારો કર્યો હતો. જાતિ અને ધર્મના બંધનોમાંથી ઉપર ઉઠીને માનવતાવાદ વિશે તેમણે સમજૂતી આપી હતી. આથી ભાઈ બહેનના આ તહેવારને તેમણે માનવતાના સંદેશાઓ ફેલાવવાનું માધ્યમ બનાવ્યું. તેમણે સ્થાપેલા શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરે લોકોને સંબોધન કર્યું, જેથી લોકોમાં પ્રેમ અને વિશ્વાસની ભાવના જન્મી. લોકોએ તેમના પાડોશી, મિત્રો અને પરિવારના સભ્યોને રાખડી બાંધી અને રક્ષાબંધના આ તહેવારની સીમા અનંત સુધી વિસ્તરી. આજે પણ શાંતિના એક પ્રતીક તરીકે રાખડીએ આપણી વચ્ચે એ જ સુમેળતા સાધી છે. ભાઈ બહેનના સંબંધોને જોડતો આ તહેવાર અનન્ય છે અને રવિન્દ્રનાથ ટાગોરે તેને ભાઈચારા સાથે જોડી એક નવી જ પ્રથાની શરૂઆત કરી હતી. ગરીબ હોય કે અમીર દરેક દરજ્જાના લોકોએ તેમના આ વિચારને વધાવી લીધો અને આછા પીળા રંગના દોરાને હાથના કાંડા પર બાંધવાની શરૂઆત થઇ. રાખીના આ તહેવાર પર રવિન્દ્રનાથ ટાગોરની બહેન બર્નાકુમારીએ તેમને રાખડી મોકલી હતી અને તેના આધારે તેમણે 'બંગ્લાર માટી બંગ્લાર જલ' નામનું પ્રસિદ્ધ ગીત લખ્યું હતું જેનો અર્થ 'બંગાળની ધરતી અને બંગાળનું પાણી સદા સુખી રહે' એવો થાય છે.

૨૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Saturday, August 17, 2013

શું ગુજરાતી સાહિત્ય યુવાનોમાંથી વિલીન થઇ રહ્યું છે?





“બેટા, ‘એપલ’ ખાધું?”,”આજે નહીં બેટા, આપણે એ કાલે ‘બાય’ કરીશું.” આજકાલ દરેક મોર્ડન મમ્મીઓ પોતાના દીકરા-દીકરીઓને અંગ્રેજી ભાષાથી સુપરિચિત કરાવવા ગુજરાતી ભાષામાં એક બે અંગ્રેજી શબ્દોની સેન્ડવિચ તો કરી જ લેતી હોય છે. પ્રસ્તુત લેખમાં પણ યુવામિત્રોએ આપેલા વિચારોમાં આ પ્રકારના અંગ્રેજી શબ્દો અચૂક ઉપયોગમાં લેવાયા હશે! અહીં પ્રશ્ન આ શબ્દોના ઉપયોગનો નથી, પરંતુ આજે ગુજરાતી ભાષા અને એને લીધે ગુજરાતી સાહિત્યમાં જે અવનતિ આવી છે એ એક ચિંતાજનક બાબત છે. એવું નથી કે આજનો યુવાન વાંચવા માટે જ તૈયાર નથી. આજે ડેન બ્રાઉનથી લઈને સિડની શેલ્ડન સુધીના અંગ્રેજી લેખકો ભરપૂર માત્રામાં વંચાય જ છે, ત્યારે ગુજરાતી ભાષાની અવગણના અને ગુજરાતી સાહિત્યનું યુવાવર્ગ પ્રત્યેનું વલણ આશ્ચર્ય પમાડે એવું છે. આથી ચાલો જે જૂજ લોકો હજી પણ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છે એવા યુવાનો પાસે આ વિષેના કારણો અને ઉપાયો જાણીએ!

 હાલમાં એન્જિન્યરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને એમ.બી.એ.ની એન્ટ્રન્સ ટેસ્ટ માટે તૈયારી કરી રહેલ નિરાલી ધૂમ કહે છે કે આજે જમાનાની સાથે ચાલવાનો દોર છે. જો આપણે જમાના પ્રમાણે ન ચાલીએ તો ક્યાં ફેંકાય જઈએ એની આપણને પણ ખબર ન રહે અને હવે હાયર એજ્યુકેશનમાં અંગ્રેજી ભાષાની જરૂરિયાત તથા ડગલે ને પગલે અંગ્રેજી ભાષા પરના પ્રભુત્ત્વનું વધતું જતું મહત્ત્વ, ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટાડે છે. દરેક માતા-પિતા પોતાના બાળકને ‘સ્માર્ટ’ બનાવવા અંગ્રેજી શાળામાં દાખલ કરવા ઉત્સુક હોય છે. હું અંગ્રેજી ભાષાની વિરુદ્ધ નથી, આજે જો કોઈ પણ બાળકે ઉચ્ચતમ વિકાસ સાધવો હોય તો અંગ્રેજી ભાષા આવશ્યક છે જ, પરંતુ એ સાથે આપણી માતૃભાષાના વારસાને વિસરી જવું એ વાત સાથે હું સહેમત નથી. વળી, હવે તો એક નવી જ વિચારસરણીએ જન્મ લીધો છે. પોતાની માતૃભાષા એવી ગુજરાતીમાં જાહેરમાં વાત કરવાથી કે પછી ગુજરાતી ન્યુઝ પેપર વાંચવાથી યુવાનોને પોતાનું ‘સ્ટાન્ડર્ડ નીચું લાગવા લાગે છે. આવી મિથ્ય વિચારસરણીને દૂર કરવા તથા ગુજરાતી ભાષાને ફરી સમૃદ્ધ કરવા આજના યુવાનોને જ કમર કસવી પડશે. આજના જમાનાના ગુજરાતી લેખકોની વાત કરું તો શિશિર રામાવત, સંજીવ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા ઘણા ઉમદા નવલકથાકારો છે જે યુવાવર્ગને ધ્યાનમાં રાખીને એમની કથાઓ લખતા હોય છે અને તેથી જ ગુજરાતી ભાષાના આ લેખકો પણ ચેતન ભગત સાથે આજે વંચાતા થયા છે. હું તો માનું છું કે દરેક યુવાનોએ એમની નવલકથાઓને એક વાર તો વાંચવી જ જોઈએ. એમના વિચારો અને લેખનશૈલી ઘણે અંશે આપણને એમની કથા સાથે સાંકળે છે, જેથી એક વાંચક તરીકે એ આપણને જકડી રાખે છે. જો યુવાનો આ રીતે પણ ભાષા સાથે જોડાશે તો ગુજરાતી ભાષાનું જે સમૃદ્ધ સાહિત્ય છે એ ફરી મહેકતું થશે. વળી, ચિત્રલેખા, અભિયાન જેવા સાપ્તાહિકો તાજેતરની બધી ઘટનાઓ, નવલકથાઓ, જાણવા જેવી અનેક બાબતો સાથે હજી પણ ગુજરાતી સાહિત્યના વારસાને જાળવી રાખવામાં સફળ નીવડ્યા છે અને એથી જ એ આશાનું એક કિરણ બની રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી બાળકો અને યુવાનોમાં બદલાવ શાળાકીય અભ્યાસ દરમિયાન જ વધુ આવતા હોય છે. આથી શાળામાં ગુજરાતીને માત્ર એક ભાષા તરીકે નહીં, પરંતુ આપણી સંસ્કૃતિનું એક અદભુત પાસું છે એ રીતે વિધાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ. આપણે એવું એક વાતાવરણ બનાવવું જોઈએ કે જેથી યુવાનો શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મને જેટલું માણે છે એટલા જ ઉત્સાહથી ગુજરાતી નાટકોને પણ માણી શકે! હજી પણ સમય હાથમાંથી સરક્યો નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યને ફરી ઉજાગર કરી શકાય એવી સંભાવના જીવંત છે, જરૂર છે માત્ર જાગૃતિની! ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ દલાલ, અશ્વિની ભટ્ટ, કવિ નર્મદ આપણા ગુજરાતી સાહિત્યને કેટકેટલીય અમૂલ્ય કૃતિઓ આપી ગયા છે. હવે માત્ર આપણે એ કૃતિઓ યુવાવાર્ગો સુધી પહોંચાડવાની જરૂર છે અને મને ખાતરી છે જો એક વાર યુવાનો એમને વાંચતા થશે તો પછી તેઓ કદી પાછું વળીને જોશે નહીં!

તો વળી, પ્રખ્યાત નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિન્યરિંગનો અભ્યાસ હાલમાં જ પૂર્ણ કરનાર હેત્વી વશી કહે છે કે જ્યારે મને ગુજરાતી સાહિત્ય વિષે વાત કરવા કીધું ત્યારે મને ખુશી તો ખૂબ જ થઇ. કારણ કે એ આપણા સૌની માતૃભાષા છે! પણ જ્યારે ખરેખર લખવા બેઠી ત્યારે થોડું અઘરું પણ લાગ્યું. તમને સવાલ થશે કે કેમ? સાચું કહું તો એનો જવાબ શોધતા મને પણ ખૂબ જ વાર લાગી હતી, પરતું ઘણું ખરું વિચાર્યા પછી મને કેટલાક તારણો મળ્યા જે તમારી સાથે શેર કરું છું. ગુજરાતી સાહિત્યનું યુવા વર્ગમાંથી વિલીન થઇ જવાનું એક સીધું અને સ્પષ્ટ કારણ મને 21st સેન્ચ્યુરી લાગે છે. હા, જેને આપણે ૨૧મી સદી પણ કહીએ છીએ. પણ આજકાલ અંગ્રેજી શબ્દોને આ જ પ્રમાણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરવાનો નવો દોર શરુ થયો છે! ખેર, ૨૧મી સદીની વાત કરીએ તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીની સદી! પરંતુ આ સદી તો પશ્ચિમી દેશોની ભેટ છે. આ આખું કલ્ચર તેમણે ઉભું કર્યું એટલે આજે આપણે જે પણ વસ્તુ ભોગવીએ છીએ એ બધી ‘વેસ્ટર્નાઈઝ’ છે અને એ સાથે જ અંગ્રેજી ભાષાનું મહત્ત્વ પણ વધ્યું. આજે જો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાને એક ત્રાજવામાં તોલીએ તો નિઃશંકપણે અંગ્રેજી ભાષાનું પલ્લું વધારે ભારી થાય. વળી, ગુજરાતી એ સ્થાનિક ભાષા છે, એટલે કે માત્ર ગુજરાત પુરતી જ સીમિત ગણાવી શકાય, જે મારી દ્રષ્ટિએ યુવાવાર્ગમાંથી ગુજરાતી સાહિત્યનું મહત્ત્વ ઓછું થવાનું બીજું કારણ ગણાવી શકાય. જ્યારે અંગ્રેજી એ એક વૈશ્વિક સ્તરની ભાષા છે અને જ્યારે એક ગુજરાતી આ સ્પર્ધાત્મક યુગમાં પોતાની કારકિર્દી ઘડવા આખી દુનિયા સાથે હોડમાં ઉતરે છે ત્યારે એ અંગ્રેજી ભાષા અને એના સાહિત્ય પ્રત્યે આકર્ષાવાનો જ! હવે આ પરિસ્થિતિમાં આપણે યુવાનનોને દોષી ઠેરવીએ એના કરતા સમયની માંગને વધુ દોષિત ઠેરવીએ તો એ વ્યાજબી ગણી શકાય. આ તો થઈ અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના નબળા પડવાના કારણો, પરંતુ જો હિન્દી ભાષા વિષે વાત કરીએ તો, આખું બોલિવૂડ હિન્દી ભાષાના પાયામાંથી ઉભું થયું છે. હિન્દી ફિલ્મો, સંગીત અને ગીતો આપણે મન ભરીને માણતા હોઈએ છીએ. જ્યારે એની સામે ગુજરાતી ફિલ્મો અને સંગીત તો કોઈ અંધારી ગલીમાં ગૂમ થયેલા હોય એવા જ લાગે છે. આથી જો ફિલ્મક્ષેત્રે પણ થોડી ઘણી જાગૃતતા અને જરૂરી સુધારાઓ કરવામાં આવે તો યુવાવર્ગ કદાચ આ માધ્યમથીય ગુજરાતી સાહિત્યમાં રસ લેતો થાય! વળી, ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખકોને માત્ર પુસ્તકો સુધી માર્યાદિત ન રાખતા ફેસબુક, ટ્વીટર, માયસ્પેસ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જીવંત કરીએ તો પણ આજનો યુવાવર્ગ વધુ રસ લેતો થઇ શકે! એમના પુસ્તકોને ઈ-બુક સ્વરૂપે જો પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો મને ખાતરી છે કે કવિ નર્મદ, દલપતરામ, કાકા કાલેલકર, શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકારોનો યુગ ફરી આવશે! 

આર્ટિકલ "મારું ઘર" સાપ્તાહિકમાં પબ્લિશ થયો છે.